Explainer: ભારતમાં ફ્લાઇટ ટિકિટોના ભાવ આસમાને, તો એરલાઇન્સો કેમ ખોટનો ધંધો કરી રહી છે? સમજો સંપૂર્ણ ગણિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court warns Airlines over fares: વિમાનમાં મુસાફરી કરવી એ આજે પણ ભારતના ઘણાં મધ્યમવર્ગીય પરિવારો માટે એક સપનું જ છે. રજાઓ કે તહેવારોમાં ફ્લાઇટની ટિકિટ બુક કરવા જઈએ છીએ, ત્યારે તેના ભાવ જોઈને મોટા ભાગના લોકો ટ્રેનનો વિકલ્પ પસંદ કરવા મજબૂર થઈ જાય છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ બેફામ વધતા હવાઈ ભાડા અંગે કડક વલણ અપનાવ્યું છે અને સરકારને સ્પષ્ટ કહ્યું છે કે આના પર નિયંત્રણ લાવવા માટે યોગ્ય નિયમો ઘડવા જોઈએ. એવામાં સવાલ એ થાય કે ભારતમાં હવાઈ મુસાફરી આટલી મોંઘી કેમ છે? અને આટલા મોંઘા ભાડા વસૂલવા છતાં શું ખરેખર એરલાઇન્સ અઢળક નફો કમાઈ રહી છે? ચાલો આ સંપૂર્ણ ગણિતને સરળ ભાષામાં સમજીએ.
ભારતીયો માટે હવાઈ મુસાફરી કેટલી મોંઘી છે?
ભારતમાં હવાઈ ભાડા માત્ર આંકડાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ લોકોની આવકની સરખામણીમાં પણ ખૂબ મોંઘા છે. ‘ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન’ (IATA) ના 2023 ના રિપોર્ટ મુજબ, એક સામાન્ય ભારતીય નાગરિકે ફ્લાઇટની ટિકિટ ખરીદવા માટે સરેરાશ 17 દિવસ કામ કરવું પડે છે. જો આપણે વિકસિત દેશો સાથે સરખામણી કરીએ તો પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે.
- અમેરિકા: માત્ર 1 દિવસની કમાણીમાં ટિકિટ ખરીદી શકાય છે.
- યુકે અને ફ્રાન્સ: માત્ર 1.5 દિવસની આવક પૂરતી છે.
- ચીન: ત્યાંના નાગરિકો 4 દિવસની કમાણીથી હવાઈ મુસાફરી કરી શકે છે.
- પાકિસ્તાન: પડોશી દેશ પાકિસ્તાનની હાલત આપણા કરતા પણ ખરાબ છે. ત્યાં એર ટિકિટ ખરીદવા માટે 53 દિવસ કામ કરવું પડે છે.
- બાંગ્લાદેશઃ બાંગ્લાદેશ પણ આ મામલે ભારત કરતાં પાછળ છે. ત્યાં એર ટિકિટ ખરીદવા માટે 33 દિવસ કામ કરવું પડે છે.
- શ્રીલંકાઃ 25 દિવસ કામ કરવું પડે છે.
આંકડા દર્શાવે છે કે 2011 થી 2023 ની વચ્ચે ફ્લાઇટના ભાડામાં 25% નો ઘટાડો નોંધાયો છે, પરંતુ ભારતીયોની સરેરાશ આવક ઓછી હોવાને કારણે હજુ પણ તે સામાન્ય માણસની પહોંચથી દૂર છે.
ભાડા આટલા ઝડપથી કેમ વધે છે?
ભારતમાં વિમાન ભાડામાં તાજેતરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારે 27 જુલાઈના રોજ સંસદમાં માહિતી આપી હતી કે માર્ચ 2025થી જૂન 2026ના માત્ર 15 મહિનાના સમયગાળામાં ટિકિટના ભાવમાં 20.5%નો તોતિંગ વધારો થયો છે. આની પાછળનું મુખ્ય કારણ "ડાયનેમિક પ્રાઇસિંગ" (Dynamic Pricing) છે. આ મોડલ હેઠળ, જેમ જેમ વિમાનની સીટો ભરાતી જાય અને મુસાફરીની તારીખ નજીક આવતી જાય, તેમ તેમ ટિકિટના ભાવ આપોઆપ વધવા લાગે છે. તહેવારોમાં આ સિસ્ટમના કારણે ભાવ આસમાને પહોંચી જાય છે. અગાઉ ડિસેમ્બર 2025માં જ્યારે ઇન્ડિગો(IndiGo) એરલાઇનમાં સંકટ આવ્યું હતું, ત્યારે સરકારે ટિકિટના ભાવ પર વધુમાં વધુ 18,000 રૂપિયાની મર્યાદા(Cap) લગાવી હતી. પરંતુ 23 માર્ચના રોજ આ મર્યાદા હટાવી લેવામાં આવી, જેના પરિણામે એરલાઇન્સ હવે મુક્તપણે 18,000 રૂપિયાથી વધુ ભાડું પણ વસૂલી શકે છે.
શું મોંઘી ટિકિટ વેચીને એરલાઇન્સ માલામાલ થઈ રહી છે?
તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા ઊંચા ભાડા વસૂલવા છતાં એરલાઇન કંપનીઓ ભારે ખોટનો સામનો કરી રહી છે. ભારતના એવિએશન માર્કેટમાં 65% હિસ્સો ધરાવતી સૌથી મોટી એરલાઇન 'ઇન્ડિગો'ના આંકડા પર નજર કરીએ.
- વર્ષ 2024-25માં ઇન્ડિગોને 7,258 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
- વર્ષ 2025-26માં, કંપનીએ કુલ 89,513 કરોડ રૂપિયાની આવક કરી. એમાં 73,648 કરોડ માત્ર ટિકિટ વેચાણના હતા. છતાં કંપનીને 2,393 કરોડ રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.
- 'એર ઇન્ડિયા'(Air India)ની સ્થિતિ તો વધુ ખરાબ છે. વર્ષ 2025-26માં તેમને 26,800 કરોડ રૂપિયાનું નુકસાન થયું, જે આગલા વર્ષ કરતાં 12 ગણું વધારે હતું.
એરલાઇન્સ કેમ ખોટ ખાય છે? :
વિમાન-સેવા ચલાવવું સરળ નથી.
- IATAના જણાવ્યા મુજબ, એરલાઇન્સના કુલ ખર્ચના 40%થી 50% તો માત્ર વિમાનના ઇંધણ(ATF - Aviation Turbine Fuel) પાછળ જ ખર્ચાઈ જાય છે.
- આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના વધઘટ થતા ભાવ, ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય, એક્સાઇઝ ડ્યુટી, વિમાનના લીઝ (ભાડા) અને વેટ (VAT) જેવા પરિબળો એરલાઇન્સની કમર તોડી નાખે છે.
મોંઘા ભાડાની મુસાફરો પર અસર
ટિકિટના કમરતોડ ભાવને કારણે હવે લોકો હવાઈ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે, જેની સીધી અસર મુસાફરોની સંખ્યા પર પડી રહી છે.
ICRA(Investment Information and Credit Rating Agency of India Limited)ના રિપોર્ટ મુજબ, વર્ષ 2023-24માં 15.4 કરોડ મુસાફરોએ હવાઈ સફર કરી હતી, જે 2024-25માં 8% વધીને 16.53 કરોડ પર પહોંચી હતી. પરંતુ વધતા ભાડાના કારણે, 2025-26માં મુસાફરોની સંખ્યામાં માંડ 1.4%નો નજીવો વધારો જોવા મળ્યો અને આ આંકડો 16.77 કરોડ સુધી જ પહોંચી શક્યો.
શું કરી શકાય?
એક તરફ મધ્યમ વર્ગ માટે હવાઈ મુસાફરી મોંઘી સાબિત થઈ રહી છે અને બીજી તરફ ઊંચો સંચાલન ખર્ચ એરલાઇન્સને ખોટમાં ધકેલી રહ્યો છે. જ્યાં સુધી સરકાર ઇંધણ પરના ટેક્સ ઘટાડવા કે ભાડાના નિયમન (Regulation) માટે કોઈ નક્કર નીતિ નહીં લાવે, ત્યાં સુધી આ પરિસ્થિતિ સુધરવી મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટની દખલગીરી બાદ હવે સરકાર અને એરલાઇન્સ આ દિશામાં શું પગલાં લે છે, તે જોવું રસપ્રદ રહેશે.









