India

Explainer: શું તમે પણ તમારી પ્રોપર્ટીમાં PG શરૂ કરવાનું વિચારો છો? જાણો તમામ કાયદા અને શરતો

By GS Team
10 Sep 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 6 સપ્ટેમ્બર, 2026ના રોજ ગેરકાયદે PG ઇમારત ધરાશાયી થતાં 7 લોકોના મોત થયા હતા, જેમાં 5 વિદ્યાર્થીઓ હતા. આ ઘટના બાદ ગેરકાયદે PG સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે. હવે દિલ્હી સરકાર 'પેઇંગ ગેસ્ટ એકોમોડેશન રેગ્યુલેશન એન્ડ વેલ્ફેર બિલ' લાવી રહી છે, જેમાં PGનું ફરજિયાત રજિસ્ટ્રેશન, ઓપરેટિંગ લાઇસન્સ, CCTV, અને 15થી વધુ લોકો હોય તો ગાર્ડ-વોર્ડન રાખવાના નિયમો હશે. મોટા પાયે PG ચલાવવા GST પણ લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: શું તમે પણ તમારી પ્રોપર્ટીમાં PG શરૂ કરવાનું વિચારો છો? જાણો તમામ કાયદા અને શરતો
AI તસવીર

PG Business Rules Guide: શું તમારા ઘરમાં પણ કોઈ ફ્લોર અથવા રૂમ ખાલી પડ્યો છે, અને તમે તેમાં ભાડૂતો રાખીને પીજી (PG- Paying Guest) ખોલીને વધારાની આવક મેળવવાનું વિચારી રહ્યા છો? આજકાલ દિલ્હી અને નોઈડા જેવા મોટા શહેરો જ નહીં, પરંતુ ટિયર-II શહેરોમાં પણ ઘરના એક ભાગને પીજીમાં ફેરવીને કમાણી કરવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ, શું આ રીતે ઘરે પીજી ચલાવવું કાયદેસર છે?

પીજી ઈમારત ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોનાં મોત

6 સપ્ટેમ્બર, 2026ના રોજ દિલ્હીના સત્ય નિકેતનમાં 5 માળની ગેરકાયદે પીજી ઈમારત ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોનાં મોત થયાં હતાં. ક્ષમતા કરતાં વધુ માળનું બાંધકામ અને બેઝમેન્ટમાં ચાલતા ગેરકાયદે સમારકામને લીધે સર્જાયેલી આ દુર્ઘટના બાદ તંત્રએ ગેરકાયદે પીજી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને નવા નિયમો પણ બની રહ્યા છે. તો ચાલો જાણીએ કે તમારા ઘરમાં પીજી ખોલવા સંબંધિત કાયદા, ટેક્સ અને સરકારી જોગવાઈઓ શું છે.

શું ઘરમાં પીજી શરૂ કરવું કાયદેસર છે?

  • સામાન્ય રીતે, ઘરમાં પીજી શરૂ કરવા માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા કે નિયમો નક્કી કરવામાં આવ્યા નથી. જો તમે તમારા ઘરના એક ભાગમાં માત્ર થોડા જ લોકોને ભાડેથી રાખો છો, તો તેમાં કોઈ સમસ્યા નથી. તમે રહેણાંક (રેસિડેન્શિયલ) વિસ્તારમાં તમારી જગ્યા ભાડે આપી શકો છો.
  • પરંતુ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જગ્યામાં મોટી સંખ્યામાં લોકોને રહેવાની સુવિધા આપે છે અને તેને એક સંપૂર્ણ વ્યવસાય તરીકે ચલાવે છે, ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. જોકે ક્યારે આ વ્યવસાય કમર્શિયલ ગણાશે અને ક્યારે તેને સામાન્ય રહેઠાણ માનવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટ નિયમો નથી.
  • દિલ્હી હાઈકોર્ટના એક વકીલના જણાવ્યા અનુસાર, જો તમે મોટા પાયે પીજી શરૂ કરવા માંગતા હોવ તો તેના રજિસ્ટ્રેશન અને સરકાર કે વહીવટીતંત્રની પરવાનગી લેવી ફરજિયાત બની જાય છે.
  • જ્યારે પીજીમાં મોટી સંખ્યામાં લોકો રહેતા હોય, ત્યારે બિલ્ડિંગની સ્થિતિ, વેન્ટિલેશન, ફાયર સેફ્ટી, ગાર્ડ, વોર્ડન અને રૂમની પહોળાઈને લગતા કડક નિયમો લાગુ પડે છે. જોકે, માત્ર થોડા લોકોને રાખવા પર આ બધી આવશ્યકતાઓમાંથી પસાર થવું પડતું નથી.

પીજીની કમાણી અને ટેક્સ સંબંધિત નિયમો શું છે?

પીજીમાંથી થતી કમાણી પર કેવો ટેક્સ લાગે તે અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે સમજાવ્યું છે કે આમાં થોડો વિરોધાભાસ જોવા મળે છે.

  • જો તમે માત્ર થોડા લોકોને ઘરમાં રાખીને ભાડું લો છો, તો તમારે સામાન્ય ઘરભાડાની આવકની જેમ જ તમારી આવક જાહેર કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું રહે છે. કમાણી પર સામાન્ય આવકવેરાના નિયમો જ લાગુ પડે છે. આ સાથે સુરક્ષાના ભાગરૂપે તમારે પોલીસ વેરિફિકેશન કરાવવું અત્યંત જરૂરી છે, જેથી પોલીસને જાણ રહે કે તમારા ઘરમાં કોણ રહે છે.
  • પરંતુ જો તમે મોટા પાયે પીજીનો બિઝનેસ ચલાવી રહ્યા છો, તો તમારે GST સિસ્ટમ હેઠળ આવવું પડશે. રહેણાંક વિસ્તારમાં આપવામાં આવતી આવી વ્યવસાયિક સુવિધાઓ પર સામાન્ય નિયમો મુજબ ટેક્સ ભરવો જરૂરી બની જાય છે.

દિલ્હી સરકાર લાવી રહી છે કડક નિયમો

પીજીના વ્યવસાયને નિયંત્રણમાં લાવવા અને સુરક્ષા વધારવા માટે દિલ્હી સરકાર એક બિલ તૈયાર કરી રહી છે. આ પ્રસ્તાવિત ‘પેઇંગ ગેસ્ટ એકોમોડેશન રેગ્યુલેશન એન્ડ વેલ્ફેર બિલ’માં પીજી રજીસ્ટ્રેશન, ભાડું, સુરક્ષા અને ભાડુઆતોની ફરિયાદના નિવારણ માટે નવા નિયમો બનાવાયા છે, જે નીચે મુજબ છે.

  • તમામ પીજીએ ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • પીજી ઓપરેટરોએ 90 દિવસની અંદર ઝોનિંગ ઓથોરિટી પાસેથી ઓપરેટિંગ લાઇસન્સ મેળવવું પડશે.
  • આ લાઇસન્સ માટે પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી NOC લેવું પડશે.
  • રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દરેક પીજીને એક 'પીજી રજીસ્ટ્રેશન નંબર' (PGRN) અપાશે, જેના થકી સરકારી અધિકારીઓ અને વિદ્યાર્થીઓ માટે પીજીની ઓળખ અને માન્યતા ચકાસવી એકદમ સરળ બની જશે.
  • સુરક્ષા માટે પીજીમાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત રહેશે.
  • જે પીજીમાં 15 થી વધુ લોકો રહેતા હોય, ત્યાં ગાર્ડ અને વોર્ડન રાખવા પણ ફરજિયાત રહેશે.

ટૂંકમાં, જો તમે નાના પાયે શરૂઆત કરી રહ્યા છો તો ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ મોટા વ્યવસાય માટે તમારે નિયમોનું પાલન કરવું જ પડશે.