Explainer: સ્માર્ટફોનથી 'ઇઝી લોન' આપીને યુવાનોને ફસાવવાનું કારસ્તાન, જાણો શું છે ઇન્સ્ટન્ટ લોનની ભયાનક જાળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Instant Loan App Trap : આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન પર માત્ર થોડા ટેપ કરવાથી બૅંક ખાતામાં પૈસા આવી જાય છે. શરૂઆતમાં આ વ્યવસ્થા જાદુ જેવી લાગે છે, પરંતુ સરળ હપ્તા (EMI) વાળી આ નાની લોન ક્યારે જીવનની સૌથી મોટી ભૂલ બની જાય છે, તે ખબર જ નથી પડતી. ભારતમાં લાખો લોકો ઇન્સ્ટન્ટ લોન એપ્સની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે. રોજિંદા ખર્ચને પહોંચી વળવા અને દેવું ચૂકવવા માટે તેઓ વારંવાર નવી લોન લે છે, અને પછી શરૂ થાય છે રિકવરી એજન્ટ્સના અગણિત કોલ્સ, ભદ્દી ગાળો અને માનસિક ત્રાસનો એવો સિલસિલો જે ઘણાને આત્મહત્યા સુધી પહોંચાડી દે છે.
શરૂઆત કેવી રીતે થાય છે?
અમદાવાદના એક એન્જિનિયર વૈભવ પટેલની વાર્તા આ જાળને સમજવા માટે પૂરતી છે. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં પૈસાની જરૂર પડતાં તેણે એક એપ પરથી પોતાની પહેલી નાની લોન લીધી. પ્રક્રિયા એટલી બધી સરળ હતી કે તેને એ કોઈ મોટો અને ગંભીર નાણાકીય નિર્ણય ન લાગ્યો. ત્યારબાદ પ્રોટીન સપ્લિમેન્ટ્સ ખરીદવા કે રોજિંદા નાના ખર્ચાઓ માટે તે વારંવાર લોન લેવા લાગ્યો. મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તે એકવાર સમયસર EMI ચૂકવી ન શક્યો. જૂની લોન ભરવા અને પોતાનું નામ ખરાબ થતું બચાવવા તેણે બીજી લેન્ડિંગ એપમાંથી નવી લોન લીધી. જોતજોતામાં એક લોન બેમાં અને બે લોન અનેકમાં ફેરવાઈ ગઈ. પરિણામ એ આવ્યું કે તેનો CIBIL સ્કોર ખરાબ થઈ ગયો અને તે ભયંકર દેવાના ડુંગર નીચે દબાઈ ગયો.
આવક ઓછી અને મોંઘવારી વધુ
ઇન્ફોમેરિક્સ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી મનોરંજન શર્માના જણાવ્યા અનુસાર, લોકો આડેધડ લોન એટલા માટે લઈ રહ્યા છે કારણ કે તેમની વાસ્તવિક આવક વધતી નથી અને સામાજિક સુરક્ષા(મેડિકલ અને નોકરીની ગેરંટી)નો અભાવ છે. આંકડા દર્શાવે છે કે 2016થી 2025 વચ્ચે ભારતમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં 40%થી 45%નો વધારો થઈ ગયો છે. એટલે કે દસ વર્ષ પહેલા જે વસ્તુઓ 1 લાખ રૂપિયામાં આવતી હતી, તે આજે 1.5 લાખ રૂપિયાની થઈ ગઈ છે. બીજી બાજુ પગારમાં વર્ષે માંડ 10%નો વધારો થાય છે, જે વધતા જતાં ખર્ચ સામે ખૂબ જ ઓછો પડે છે.
સોશિયલ મીડિયાનો પ્રભાવ અને દેખાડો
મુંબઈના એક લોન રિકવરી એજન્ટ જણાવે છે કે, દર મહિને 25,000થી 30,000 રૂપિયા કમાતા યુવાનો સૌથી વધુ આ જાળમાં ફસાય છે. તેઓ 7,000થી 15,000 રૂપિયાની નાની લોન ખૂબ આસાનીથી લઈ લે છે. જ્યારે EMI કપાય છે ત્યારે મહિનો શરૂ થતાં પહેલા જ યુવાનોનો અડધો પગાર પૂરો થઈ જાય છે. લોકો ફક્ત જરૂરિયાત માટે જ નહીં, પરંતુ Instagram પર સારો દેખાવ કરવા, મોંઘી હોટલોમાં ખાવા, ફરવા અને મિત્રો વચ્ચે સ્ટેટસ જાળવી રાખવા માટે પણ ઉધાર લે છે.
ઇન્સ્ટન્ટ લોન એપ્સનો અબજોનો વેપાર
ભારતમાં ડિજિટલ ધિરાણનો વેપાર રોકેટ ગતિએ વધી રહ્યો છે. 2022માં આ માર્કેટ 270 બિલિયન ડૉલરનું હતું, જે 2023 માં વધીને 350 બિલિયન ડૉલર થઈ ગયું. રિપોર્ટ અનુસાર, આખી દુનિયામાં એન્ડ્રોઇડ પર ચાલતી મોબાઇલ લોન એપ્સના કુલ વપરાશમાં માત્ર ભારતનો હિસ્સો 82% છે. વર્ષ 2025-26માં ફિનટેક કંપનીઓએ 130 મિલિયન(13 કરોડ)થી વધુ લોન મંજૂર કરી હતી, જેની સરેરાશ રકમ 16,000 રૂપિયા હતી. આ ડિજિટલ ધિરાણકર્તાઓનું બિઝનેસ મોડલ જ એવું છે કે ગ્રાહકે એક લોન પૂરી કરવા માટે બીજી કોઈ એપમાંથી બીજી લોન લેવી જ પડે છે. આને સિરિયલ રિફાઇનાન્સિંગ કહેવાય છે.
લોકો લોન કેમ લે છે?
પહેલાના સમયમાં લોકો ઘર લેવા, કાર લેવા કે બાળકોના શિક્ષણ માટે લોન લેતા હતા, જેને અર્થશાસ્ત્રીઓ ‘ઉત્પાદક દેવું’ કહે છે, કારણ કે તેનાથી સંપત્તિ ઊભી થાય છે. પરંતુ હવે મોટાભાગે ટકી રહેવા માટે લોન લેવાય છે. તાજેતરમાં થયેલા એક સર્વેના આંકડા જોઈએ.
- 26% લોકો મેડિકલ ઇમરજન્સી(અચાનક આવતી બીમારી) માટે લોન લે છે.
- 22% લોકો શિક્ષણ કે લગ્ન જેવા પારિવારિક ખર્ચ માટે.
- 18% લોકો નોકરી ગુમાવવા કે બિઝનેસમાં નુકસાનના કારણે.
- 15% લોકો રોજિંદા ઘરખર્ચ(કરિયાણું, ભાડું)ને પહોંચી વળવા માટે લોન લે છે.
EMI ન ભરાતાં રિકવરી એજન્ટ્સ માનસિક ત્રાસ આપે છે
જ્યારે કોઈ વ્યક્તિ EMI નથી ભરી શકતી, ત્યારે તેમને મદદ કરવાને બદલે રિકવરી એજન્ટ્સ માનસિક ત્રાસ આપે છે. દેવાદારના ફોન કોન્ટેક્ટ્સ હેક કરીને એના સંબંધીઓ અને બોસને ફોન કરવા, ઘરે જઈને અપશબ્દો બોલવા સામાન્ય બની ગયું છે. કેટલાક કાઉન્સેલિંગ સેશનમાં તો એવું પણ બહાર આવ્યું છે કે રિકવરી એજન્ટ્સ ગ્રાહકોને આત્મહત્યા કરવાનું સૂચન કરે છે, જેથી વીમાના પૈસાથી લોન ભરાઈ જાય. કંટાળેલા ગ્રાહકે આત્મહત્યા કરી લીધી હોય એવા બનાવ પણ બને છે.
હેરાનગતિ રોકવા રિઝર્વ બૅંક(RBI) દ્વારા પગલાં લેવાયાં
આવા ગંભીર ત્રાસને રોકવા માટે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI) અને સરકારે તાજેતરમાં કડક પગલાં લીધાં છે.
- સરકારે ડિસેમ્બર 2025માં નિયમોનું ઉલ્લંઘન કરતી 87 જેટલી ગેરકાયદેસર લોન એપ્સને બ્લોક કરી દીધી છે.
- ગ્રાહકોની સુરક્ષા માટે RBI એ 1 જુલાઈ 2025થી પોતાની વેબસાઇટ પર ‘ડિજિટલ લેન્ડિંગ એપ્સ(DLAs)’ની એક સત્તાવાર યાદી (ડિરેક્ટરી) બહાર પાડી છે. આ યાદીની મદદથી સામાન્ય માણસ જાણી શકે છે કે કઈ એપ RBI દ્વારા માન્ય છે અને કઈ નકલી છે.
ગ્રાહકોએ જાગૃત થવું પડશે
માત્ર એપ્સ પર કડકાઈ પૂરતી નથી, ગ્રાહકોએ પણ જાગૃત થવું પડશે. નિષ્ણાતો માને છે કે સરકારે સ્વાસ્થ્ય સેવાઓ અને બેરોજગારી સામેની સુરક્ષા મજબૂત કરવી જોઈએ. સામે પક્ષે, નાગરિકોએ પણ પોતાની કુલ આવકના 30%થી 40% કરતાં વધુ રકમ EMIમાં ન જાય તેની નાણાકીય શિસ્ત જાળવવી જોઈએ. ઇમરજન્સી ફંડ ઊભું કરવું, મેડિકલ ઇન્શ્યોરન્સ લેવો અને સોશિયલ મીડિયાના દેખાડા માટે ઉધાર લેવાનું ટાળવું, એ જ દેવાની ભયાનક જાળમાંથી બચવાના રસ્તા છે.




