કર્મચારીઓના PF માટે EPFOની મોટી કાર્યવાહી: 800 કંપનીઓને નોટિસ, 31 ઓક્ટોબર સુધીની ડેડલાઈન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO Notice To Companies : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નોઈડાની આશરે 800 જેટલી કંપનીઓને કડક ચેતવણી આપવામાં આવી છે. આ તમામ કંપનીઓને પોતાના કર્મચારીઓનું PF નોંધણી પૂર્ણ કરવા માટે 31 ઓક્ટોબર સુધીની છેલ્લી મુદત આપવામાં આવી છે. નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂરી નહીં કરનાર સંસ્થાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
800 કંપનીઓને નોટિસ, 31 ઓક્ટોબર સુધીની મુદત
EPFOએ ગૌતમ બુદ્ધ નગરમાં રેસ્ટોરન્ટ્સ, લેબર એજન્સીઓ, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ અને ટ્રાન્સપોર્ટ સહિતના ક્ષેત્રોની લગભગ 800 એવી કંપનીઓની ઓળખ કરી છે, જેમણે હજુ સુધી કર્મચારીઓને પીએફ સિસ્ટમમાં જોડ્યા નથી. વિભાગે આ તમામ સંસ્થાઓને નોટિસ પાઠવીને 31 ઓક્ટોબર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરી છે. આ સાથે સંસ્થાએ કર્મચારીઓને પણ પોતાના પીએફ સ્ટેટસની ચકાસણી કરવા જણાવ્યું છે.
કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે વિશેષ ઝુંબેશ
રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર-1 સુયશ પાંડેના જણાવ્યા મુજબ, કંપનીઓ અને કામદારોમાં પીએફ નિયમો અને તેમના હકો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં ઓળખાયેલી કંપનીઓને નિયમો અને પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપીને તેનું પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, જેથી કામદારોને પેન્શન, વીમો અને ભવિષ્યની નાણાકીય સુરક્ષા મળી રહે.
મુદત પૂરી થયા બાદ કડક પગલાં લેવાશે
જો 31 ઓક્ટોબર સુધીમાં કંપનીઓ પોતાના કર્મચારીઓનું નામાંકન પૂર્ણ નહીં કરે, તો વિભાગ દ્વારા કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ડેડલાઇન પૂર્ણ થયા બાદ EPFO કંપનીઓની કામગીરીનું મૂલ્યાંકન કરશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ કંપનીઓને નિયમોના દાયરામાં લાવીને વધુમાં વધુ શ્રમિકોને સામાજિક સુરક્ષાના લાભો હેઠળ આવરી લેવાનો છે.




