Get The App

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન 1 - image

Election Commission New Rules : ચૂંટણી પંચે આગામી વિધાનસાભા ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા, મતદાન શાંતિપૂર્વક યોજવા, ચૂંટણીની તમામ કામગીરીમાં પારદર્શિતા જાળવવા માટે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે બેલેટ પેપરથી કરાતા મતદાન માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ, હવે મતદાન વખતે તહેનાત કર્મચારી અને ફરજિયાત સેવા સાથે જોડાયેલા મતદારો માત્ર CCTV કેમેરા હેઠળ જ મતદાન કરી શકશે.

ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓને પત્ર પાઠવ્યો

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર પાઠવ્યો છે. પત્રમાં કહેવાયું છે કે, હવે ચૂંટણીની ફરજમાં રોકાયેલા પ્રિસાઇડિંગ ઑફિસર્સ, પોલિંગ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓના ‘ફેસિલિટેશન સેન્ટર’ અને ‘પોસ્ટલ વોટિંગ સેન્ટર’ પર કેન્દ્રીય પોલીસ દળ ફરજિયાત તહેનાત કરાશે. આ ઉપરાંત મતદાન કેન્દ્રોમાં અનધિકૃત પ્રવેશતા વ્યક્તિઓને અટકાવવા માટે કેન્દ્રના એન્ટ્રી પોઇન્ટ પર ફોર્સ તહેનાત કરાશે.

ચોતરફ દેખરેખ રખાશે

ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને વધુમાં વધુ વિશ્વસનીય બનાવવા માટે સંચાલન વ્યવસ્થામાં અનેક ફેરફાર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દરેક મતદાન કેન્દ્રની અંદર CCTV કેમેરા લગાવાશે. જોકે પંચે એ સ્પષ્ટ કહ્યું નથી કે, મતદાનની ગોપનીયતાનું ધ્યાન રાખીને કેવી રીતે કેમેરા લગાવાશે. જે-તે જિલ્લાના ચૂંટણી અધિકારી આ CCTVના લાઇવ ફીડ પર દેખરેખ રાખશે.

આ પણ વાંચો : CBSEનો નવો '3 લેગ્વેજ' ફોર્મ્યુલા: સ્કૂલોમાં હવે 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત, અંગ્રેજી 'વિદેશી ભાષા' ગણાશે

સામાન્ય નિરીક્ષકોને મતદાન દિવસે ત્રણ વખત ફરજિયાત નિરીક્ષણ કરવું પડશે

આ ઉપરાંત દરેક બૂથ પર બારીકાઈથી દેખરેખ રાખવા માટે એક ‘ગ્રૂપ-બી’ સ્તરના અધિકારીને ‘માઇક્રો ઓબ્ઝર્વર’ તરીકે તહેનાત કરાશે. તેમજ ચૂંટણી પંચે સામાન્ય નિરીક્ષકોને મતદાનના દિવસે ત્રણ વખત નિરીક્ષણ કરવાનો પણ આદેશ આપ્યો છે. એટલું જ નહીં, મતદાન કેન્દ્રમાં મોબાઇલ લઈ જવા પર કડક પ્રતિબંધ લદાયો છે અને આનું ધ્યાન સામાન્ય નિરીક્ષક રાખશે.

આ નિર્ણયોથી ગેરરીતિની ફરિયાદ પર લગામ લાવી શકાશે : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે નિયમ-18Aનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, મતદાન માટે જે લાગતા-વળગતા કર્મચારીઓ કામગીરી નિભાવી રહ્યા છે, તે મતદારો માત્ર રિટર્નિંગ ઑફિસર દ્વારા નિર્ધારિત કરાયેલ ‘ફેસિલિટેશન સેન્ટર’ પર જ પોતાનો મત જમા કરાવી શકશે. તેઓ કોઈ અન્ય રીતે મતદાન નહીં કરી શકે. મતદાન પૂર્ણ થયા બાદ રિટર્નિંગ અધિકારી અને સામાન્ય નિરીક્ષક CCTV ફૂટેજ અને દસ્તાવેજોની તપાસ કરશે. જો તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવે તો તાત્કાલીક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. ચૂંટણી પંચનું માનવું છે કે, આ નિર્ણયોના કારણે પોસ્ટલ બેલેટથી થતી ગેરરીતિની ફરિયાદ પર લગામ લાવી શકાશે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ મુદ્દે સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા...’