Get The App

ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા 1 - image

- બંગાળમાં ભાજપના વિજય વચ્ચે મમતાનો આક્ષેપ

- ભાજપે 100થી વધુ બેઠકો પર લૂંટ ચલાવી, ઉમેદવાર હોવા છતાં મતગણતરી કેન્દ્રમાં જવા દીધી નહીં : મમતા

- ચૂંટણી પંચે ઈરાદાપૂર્વક મતગણતરી પ્રક્રિયામાં વિલંબ કર્યો, અનેક બેઠકો પર વિજય સ્પષ્ટ હોવા છતાં પ્રમાણપત્ર આપ્યા નહીં : તૃણમૂલ

કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે ત્યારે પરાજય સ્વીકારી લેવાની સાથે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ ચૂંટણી પંચ પર ચૂંટણીમાં નિષ્પક્ષતા નહીં રાખવાનો તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ પર તેમની સાથે મારપીટ કરવાનો આક્ષેપ કર્યો હતો. 

પશ્ચિમ બંગાળમાં સોમવારે તૃણમૂલ કોંગ્રેસનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો ત્યારે મમતા બેનરજી માટે ભવાનીપુરની તેમની બેઠક જાળવી રાખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. તેવા સમયે મમતા તેમના વિધાનસભા ક્ષેત્રના સખાવત મેમોરિયલ કાઉન્ટિંગ હોલ પહોંચ્યા હતા. આ સમયે મમતાએ કહ્યું કે, કેન્દ્રીય દળોએ મને અંદર જવા દીધી નહીં. આ તેમનું પક્ષપાતી વલણ છે. તમે સીઆરપીએફને જોઈ શકો છો. તેમણે મને ધક્કો માર્યો. તેમણે બધી જ જગ્યાએ ગુંડા ગોઠવી દીધા છે. હું ઉમેદવાર હોવા છતાં મને મત ગણતરી કેન્દ્રમાં જવા દેવાઈ નહીં.

મમતાએ કહ્યું કે, ભાજપ દાનવોની પાર્ટી છે. તેણે ૧૦૦થી વધુ બેઠકો પર લૂંટ ચલાવી છે અને છેતરપિંડી આચરી છે. ચૂંટણી પંચ ભાજપનું કમિશન છે. મેં સીઈઓ મનોજ અગ્રવાલને પણ ફરિયાદ કરી છે, પરંતુ તેઓ કશું કરી રહ્યા નથી. શું તમને લાગે છે કે આ ભાજપનો નૈતિક વિજય છે? મમતાએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચે વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે મળીને જે પણ કંઈ કર્યું છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

આ પહેલાં મમતા બેનરજીએ પક્ષના કાર્યકરોને મતગણતરી કેન્દ્રો નહીં છોડવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે, ચૂંટણી પંચ ભાજપ આગળ હોય તેવા કેન્દ્રોના આંકડા જાહેર કરી રહ્યું છે અને તૃણમૂલ કોંગ્રેસ આગળ હોય તેવી બેઠકોના આંકડા છૂપાવી રહ્યું છે. બધા જ કેન્દ્રો પર મત ગણતરી પૂરીના થાય ત્યાં સુધી તૃણમૂલના કાર્યકરો કેન્દ્રો છોડે નહીં અને સાવધ રહે. તૃણમૂલ કોંગ્રેસે પણ ચૂંટણી પંચ પર નિષ્પક્ષતા નહીં રાખવાનો અને મતગણતરી પ્રક્રિયામાં ઈરાદાપૂર્વક વિલંબ કરવાનો આક્ષેપ કર્યો હતો. પક્ષે દાવો કર્યો કે, ડાયમંડ હાર્બર, મગરાહટ પુરબા, મગરાહટ પશ્ચિમ, કુલપી, રાયદીધી, પત્થરપ્રતિમા, બસંતી, બર્ધમાન ઉત્તર અને સીતાઈ જેવી બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસનો વિજય સ્પષ્ટ હોવા છતાં ચૂંટણી પંચે તેમને વિજયનું પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરી દીધો છે.