Get The App

પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં 1 - image


ED raid In Punjab : પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત સેક્ટર-2ના નિવાસસ્થાને આજે વહેલી સવારે આશરે 7:25 વાગ્યે EDની ટીમે દરોડા પાડ્યા હતા. 

20થી વધુ ગાડીઓમાં અધિકારીઓ ત્રાટક્યાં 

EDના અધિકારીઓ આશરે 20 ગાડીઓમાં સવાર થઈને પહોંચ્યા હતા અને સુરક્ષા માટે ત્રણ ડઝન જેટલા CIA અને SF ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સર્ચ ઓપરેશન ચંદીગઢ અને દિલ્હી-NCR વિસ્તારમાં કુલ 5 સ્થળોએ ચાલી રહ્યું છે, જેમાં સંજીવ અરોરાના સત્તાવાર નિવાસસ્થાન અને તેમની કંપની 'હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ'ના કાર્યાલયોનો સમાવેશ થાય છે.

મામલો છે શું? 

ED દ્વારા આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ (PMLA, 2002) હેઠળ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજીવ અરોરાએ તેમની કંપની દ્વારા 100 કરોડ રૂપિયાથી વધુના મોબાઇલ ફોનની નકલી GST ખરીદી બતાવી હતી અને ત્યારબાદ દુબઈથી ભારત ગેરકાયદેસર નાણાં લાવવા (રાઉન્ડ ટ્રીપિંગ) માટે નકલી નિકાસનો સહારો લીધો હોવાનો આરોપ છે.

રાજકારણ ગરમાયું, CM માન ભડક્યાં  

આ દરોડા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પર લખ્યું કે, એક વર્ષમાં આ ત્રીજી વાર અને એક મહિનામાં બીજી વાર ED સંજીવ અરોરાના ઘરે આવી છે, પરંતુ તેમને કશું મળ્યું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે પંજાબ ગુરુઓની અને ભગતસિંહની ધરતી છે, જે મોદીની ચાલ સામે ક્યારેય ઝુકશે નહીં. બીજી તરફ સાંસદ સંજય સિંહે EDને ભાજપનું 'સુપારી કિલર' ગણાવીને પંજાબ સરકારને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.