ED Busts Gujarat–Mizoram–Myanmar Drug and Hawala Racket : ઈડીએ 27 નવેમ્બરના રોજ ગુજરાત, આસામ અને મિઝોરમ તેમજ મ્યાંમારની સરહદ નજીકના વિસ્તારોમાં ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીની વિવિધ ટીમે ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ, મિઝોરમમાં આઇઝોલ અને ચંપાઈ અને આસામમાં શ્રીભૂમિ (કરીમગંજ)માં કેટલાક સ્થળે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દરોડા પાડ્યા હતા. આ તપાસમાં ભારત-મ્યાનમાર સરહદે સક્રિય એક ડ્રગ કોરિડોર અને હવાલા નેટવર્કનો ભાંડાફોડ થયો છે. આ કેસ મિઝોરમ પોલીસની એક એફઆઈઆર સાથે સંકળાયેલો છે, જેમાં આશરે પાંચ કિલો હેરોઈન સાથે છ લોકોની ધરપકડ કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં તે ડ્રગ્સની કિંમત રૂ. દોઢ કરોડ હતી.
મિઝોરમમાં છ લોકોની ધરપકડમાં પર્દાફાશ
મિઝોરમમાં ડ્રગ્સ કેસમાં છ લોકોની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. તેમાં પોલીસને મિઝોરમમાં ગેરકાયદે રીતે ડ્રગ્સ બનાવતી કંપનીઓ અને ગુજરાતની કેટલીક કંપનીઓ વચ્ચે નાણાકીય સંબંધ હોવાનું ખૂલ્યું હતું. ઈડીના સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતની ક્રિશિવ એન્ટરપ્રાઈઝ નામની કંપની મિઝોરમની કંપનીઓને મેથામ્ફેટાઇન નામનું ડ્રગ્સ બનાવવા ઉપયોગી કાચો માલ સપ્લાય કરતી હતી, જેમાં ખાસ કરીને સ્યુડોફેડ્રિન (Pseudoephedrine) ટેબ્લેટ અને કેફિન એન્હાઈડ્ર્સ (Caffeine Anhydrous)નો સમાવેશ થાય છે.
મિઝોરમમાં ગેરકાયદે ડ્રગ્સનું ઉત્પાદન કરતી આ કંપનીઓના તાર ડ્રગ અને હવાલા નેટવર્ક માફિયા સાથે જોડાયેલા છે. આ કેસમાં મિઝોરમ પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી હતી.
મ્યાનમારમાં ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરીને ફરી ભારત મોકલાતી
ઈડીના જણાવ્યાનુસાર, મેથામ્ફેટામાઇનના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ મિઝોરમથી મ્યાનમાર મોકલાતો હતો, જ્યાં મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સંપૂર્ણપણે તૈયાર કરાતું હતું. આ કાચા માલ માટે કોલકાતાની શેલ કંપનીઓના નામે પેપર વર્ક કરાતું હતું. આમ, દસ્તાવેજોમાં આ એક સીધોસાદો વેપાર બતાવાતો હતો, પરંતુ તેની ખરીદી મિઝોરમની ગેરકાયદે ડ્રગ્સ બનાવતી કંપનીઓ કરતી હતી. આ ડ્રગ્સ મ્યાનમારમાંથી ફરી વાયા મિઝોરમ દેશના વિવિધ સ્થળે મોકલાતું હતું.
હવાલા નેટવર્ક ઓપરેટરોના ખાતામાં સમગ્ર ડ્રગ્સનો વેપલો ફૂલ્યોફાલ્યો હતો
આ કેસમાં ઈડીને આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને દિલ્હીમાં ફેલાયેલા હવાલા ઓપરેટરોના ખાતામાં કુલ ₹52 કરોડથી વધુની શંકાસ્પદ ક્રેડિટ અને નાણાકીય વ્યવહારો મળ્યા હતા, જેનાથી આ કેસને દિશા મળી હતી. ખાસ કરીને આસામના કરીમગંજ આ ડ્રગ્સ નેટવર્કનું મહત્ત્વનું કેશ કલેક્શન અને હવાલાનું કેન્દ્ર હતું. રોકડ જમા કરવાથી માંડીને નકલી ઇનવોઇસ અને મલ્ટી લેયર બેંકિંગ થકી ડ્રગ્સના વેચાણમાંથી કરેલો નફો કાયદેસર વેપારનો હોય એવું દર્શાવાતું હતું. આમ, મ્યાનમારના ડ્રગ્સની કમાણી ભારતમાં આસામ-મિઝોરમની હવાલા ચેનલોમાં ફેરવીને, ડ્રગ્સ-હવાલા માફિયાઓને પહોંચાડાતી હતી.
નોંધનીય છે કે, આ કેસમાં કાર્યવાહીમાં કુલ રૂ. 35 લાખ, કમ્પ્યુટર સહિતના ડિવાઇસ અને અન્ય દસ્તાવેજો જપ્ત કરાયા છે, જેની ઊંડી તપાસ ચાલી રહી છે.


