India

AIમાં સુપરપાવર બનવા ઈકો સિસ્ટમ જરૂરી : મોદી

By GS Team
9 Sep 20264 mins read
TukuTouch Logo
વડોદરામાં 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 35,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમના રાજમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની ફાઈલો 8 વર્ષ અટવાતી રહી. વડાપ્રધાને જણાવ્યું કે, 2027 સુધીમાં બુલેટ ટ્રેન દોડતી થશે. વિપક્ષના સભ્યોને નજરકેદ કરાતા વિવાદ થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

AIમાં સુપરપાવર બનવા ઈકો સિસ્ટમ જરૂરી : મોદી
  • 'નમો ફોર વિકસિત ભારત' : રૂ.૩૫,૦૦૦ કરોડના વિકાસ કાર્યો દેશને સમર્પિત
  • કોંગ્રેસના રાજમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની ફાઈલો ૮ વર્ષ અટવાતી રહી : વડોદરામાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહારો

વડોદરા : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે યોજાયેલા 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૩૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાની સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાને કહ્યું કે ૨૮૦૦ કિલોમીટરથી વધુ લંબાઈનો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. વર્ષ ૨૦૦૪ માં આ પ્રોજેક્ટની વિચારણા થઈ હતી અને ૨૦૦૬માં કંપની બનાવી કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ૨૦૧૪ સુધી ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ભટકતી રહી. એમણે કટાક્ષમાં કહ્યું કે કમનસીબે ફાઈલોને પણ ડેડિકેટેડ કોરિડોર નસીબ થયો નહીં અને તે લટકતી-ભટકતી-અટકતી રહી. અગાઉની સરકારે આઠ વર્ષમાં એક કિલોમીટરનું પણ કામ નહીં કર્યું હોવાનું જણાવ્યું હતું.
ફ્રેઈડ કોરિડોરની સાથોસાથ રેલ વ્યવસ્થા એવા વિસ્તારોમાં પણ પહોંચી રહી છે. જ્યાં દાયકાઓથી પહોંચી શકી નહોતી. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારો રેલવેથી જોડાઈ રહ્યા છે. અગાઉની સરકારના સમયમાં બજેટમાં એક-બે ટ્રેનની જાહેરાત કરીને આખું વર્ષ તેનો પ્રચાર કરાતો હતો, જ્યારે હાલ સતત નવી ટ્રેનોની શરૂઆત થઈ રહી છે તેમ એમણે જણાવ્યું. એરપોર્ટ, પોર્ટ, રેલવે અને રસ્તાના નિર્માણથી નવા ઉદ્યોગો સ્થપાય છે અને રોજગારની તકો ઊભી થાય છે. વડોદરાએ દેશનું પ્રથમ મેડ ઈન ઈન્ડિયા મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવ્યું હોવાનો ઉલ્લેખ કરતાં એમણે કહ્યું કે ૨૦૧૪ પછી ભારતે ૫૦,૦૦૦ આધુનિક રેલ કોચનું નિર્માણ કર્યું છે, જ્યારે અગાઉની સરકાર દસ વર્ષમાં ૫૦,૦૦૦ ટોઈલેટ પણ બનાવી શકી નહોતી. ભારતીય રેલવેમાં અઢી લાખ માલગાડીના વેગન જોડાયા છે.
યુવાઓને સંબોધતા કહ્યું કે એઆઈમાં સમગ્ર દુનિયામાં સુપર પાવર બનવા ભારતે ઈકો સિસ્ટમ વિકસાવવી પડશે તે માટે યુરેનિયમ, ક્રિટિકલ મિનરલ સહિતના એમઓયુ થઈ રહ્યાં છે. અગાઉ, માત્ર ડિગ્રી પર ફોકસ રહેતું હતું, પરંતુ હવે ડિગ્રીની સાથે સ્કીલ પણ એટલી જ જરૂરી બની છે. યુવાનો માટે ઓનલાઈન કોચિંગ કલાસ ફ્રી કરવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું એઆઈ માત્ર આઈટી સેકટર પૂરતું મર્યાદિત નથી, પરંતુ ખેતી, આરોગ્ય ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ સહિતના ક્ષેત્રોમાં પણ એઆઈ સમજતા અને તેનો ઉપયોગ કરી શકે તેવા યુવાનોની જરૂરિયાત ભવિષ્યમાં રહેશે.
અગાઉ પેસેન્જર-ગુડઝ ટ્રેન એક જ ટ્રેક પર દોડતી હતી
અગાઉ પેસેન્જર અને માલગાડી એક જ ટ્રેક પર દોડતી હોવાથી બંનેની ગતિ ધીમી રહેતી હતી. હાલમાં પૂર્વ-પશ્ચિમ ફ્રેઈટ કોરિડોર પર રોજ ૪૩૦ થી વધુ માલગાડીઓ દોડે છે. અગાઉ ૧૦૦ કિલોમીટરનું અંતર કાપતા માલગાડીને ૬ઃ૩૦ કલાક લાગતા, જે ઘટીને અડધું થઈ ગયું છે. ટ્રક દ્વારા ૩૦ કલાકે પહોંચતો સામાન હવે ૧૨ કલાકમાં પહોંચશે, સમય-નાણાંની બચત ઉપરાંત પર્યાવરણને ફાયદો થશે. ફળ-ફ્રૂટ સમયસર બજાર સુધી પહોંચવાથી ખેડૂતોને લાભ મળશે એમ વડાપ્રધાને કહ્યું હતું.

વિપક્ષના સભ્યોને નજરકેદ કરાતા વિવાદ
વડાપ્રધાનની મુલાકાતને લઈને વિપક્ષના નેતાઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ, વોર્ડ-૧૫ ના કોંગી કાઉન્સિલર, પૂર્વ વિપક્ષી નેતા સહિતના આગેવાનો અને સામાજિક કાર્યકરોને પોલીસે નજરકેદ કર્યા હતા. લોકશાહી વ્યવસ્થામાં વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર હોવા છતાં માત્ર વિરોધની શક્યતાના આધારે લોકોને રોકવામાં આવે છે તે મુદ્દે ભારે વિવાદ થયો હતો.

૨૦૨૭માં દેશમાં બુલેટ ટ્રેન દોડશે
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કોંગ્રેસની સરકારે ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું નહોતું. ૨૦૧૪ બાદ ફંડ, ડિઝાઈન અને જમીન સંપાદન સહિતના પ્રશ્નોનો ઉકેલ આવતાં એક પછી એક સેકશન ખુલ્લા મુકાયા. અત્યાર સુધીમાં ૨૮૦ સ્ટેશનનું નવીનીકરણ પૂર્ણ થયું છે અને ૩૬,૦૦૦ કિલોમીટરના નવા ટ્રેક બનાવાયા છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ વડોદરાથી મુંબઈનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકાશે. વર્ષ ૨૦૨૭ માં બુલેટ ટ્રેન દોડતી થશે, જૂનમાં ટ્રાયલ લેવાશે.

પેરા સ્વિમરને દ્વારે-દ્વારે ભટકવું પડયું
કાર્યક્રમ સ્થળે ઈન્ટરનેશનલ પેરા સ્વિમર ગરિમા વ્યાસ પાસે વીઆઈપી પાસ હોવા છતાં પ્રવેશને લઈને તેમને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. વ્હીલચેર સાથે તેમને એક પ્રવેશ દ્વારથી બીજા પ્રવેશ દ્વાર સુધી ધક્કા ખાવા પડયા હતા.

કોરિડોરથી નારાજ ફુફાજીને પણ કામ મળ્યું
તાજેતરમાં મુંબઈથી વડોદરા વચ્ચે શરૂ થયેલી ડબલ ડેકર ટ્રેનના સંચાલનથી અઢીસોથી વધુ ટ્રકોમાં આવે એટલો સામાન મુંબઈથી વડોદરા પહોંચી ગયો હોવાનું જણાવતાં વડાપ્રધાને રમૂજમાં કહ્યું કે હવે નારાજ 'ફુફાજી' બૂમો પાડશે કે ટ્રક ચાલકોનું શું થશે ?ટ્રક ક્યાં જશે ? અને ટ્રક ખરીદનારનું શું થશે? એમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ થકી ફુફાજીને પણ કામ મળી ગયું છે.