દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 4.9ના ભૂકંપથી ધરતી ધ્રૂજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પુલવામા અને શ્રીનગરમાં સાંજે ૩.૨ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ : જાનહાની-નુકસાન નહીં
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૪.૯ માપવામાં આવી હતી. જોકે, ભૂંકપના કારણે જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી. આ સિવાય જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામામાં સ્થાનિક લોકોને સાંજે ૬.૪૪ કલાકે ૩.૨ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
દિલ્હી-એનસીઆર અને આજુબાજુના વિસ્તારોમાં મોડી રાતે ૧૦.૨૩ કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની અસર હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં અનુભવાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાાન કેન્દ્ર મુજબ રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા ૪.૯ નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના ચમોલીમાં જમીનથી ૧૩ કિ.મી. નીચે હતું. ભૂકંપનો આંચકો અનુભવાતા ઊંચી ઈમારતોમાં રહેતા લોકો ગભરાઈને નીચે દોડી આવ્યા હતા. તેમણે તેમના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામામાં સાંજે ૬.૪૪ કલાકે ૩.૨ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર શ્રીનગરથી દક્ષિણ પૂર્વ તરફ ૨૮ કિ.મી. દૂર અને પાંચ કિ.મી. નીચે હતું. જોકે, ભૂકંપથી નુકસાનના કોઈ અહેવાલ નથી.




