India

ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક 'ડકબેક', જાણો જેલમાં રહીને એક સ્વાતંત્ર્ય સેનાની કેવી રીતે બન્યા ભારતના રેઈનકોટ કિંગ

By GS Team
2 Jul 20264 mins read
TukuTouch Logo
બ્રિટિશ શાસન દરમિયાન, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને વૈજ્ઞાનિક સુરેન્દ્ર મોહન બોઝે જેલમાં રહીને દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું જોયું. તેમણે 1920માં કોલકાતામાં 'ડકબેક રેઈનવેર'ની સ્થાપના કરી. બતકના પીંછામાંથી પ્રેરણા લઈને, તેમણે સસ્તા અને ટકાઉ વોટરપ્રૂફ કપડાં બનાવવાની 'ડકબેક પ્રક્રિયા' વિકસાવી. આ બ્રાન્ડે સામાન્ય ભારતીયોથી લઈને ભારતીય સેના સુધીના ઉત્પાદનો બનાવ્યા, જે દેશભક્તિ અને વૈજ્ઞાનિક સમજનું પ્રતિક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક 'ડકબેક', જાણો જેલમાં રહીને એક સ્વાતંત્ર્ય સેનાની કેવી રીતે બન્યા ભારતના રેઈનકોટ કિંગ

Duckback: Shielding India with a legacy of freedom: આજના જમાનામાં વરસાદથી બચવા માટે ઓનલાઈન એક ક્લિક કરીને મનપસંદ રેઈનકોટ કે વોટરપ્રૂફ જેકેટ મંગાવવા ખૂબ સરળ છે. પરંતુ એક જમાનો એવો પણ હતો જ્યારે પાણીથી બચાવે એવા કપડાં સામાન્ય ભારતીયોની પહોંચ બહાર હતા. વાત છે બ્રિટિશ શાસન સમયની જ્યારે વિદેશથી આવતાં વોટરપ્રૂફ કપડાં મોંઘા હતા. એ દિવસોમાં બ્રિટિશ જેલમાં બંધ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને વિજ્ઞાનીએ દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું જોયું. આ વિઝનરી વ્યક્તિ એટલે સુરેન્દ્ર મોહન બોઝ અને તેમની બનાવેલી બ્રાન્ડ એટલે ભારતની અનેક પેઢીઓનું ગૌરવ એવા 'ડકબેક' (Duckback)ના રેઈનવેર.

જેલના સળિયા પાછળ આવ્યો હતો ક્રાંતિકારી વિચાર

સુરેન્દ્ર મોહન બોઝ માત્ર એક દેશભક્ત જ નહોતા, પરંતુ એક પ્રખર વિજ્ઞાની પણ હતા. તેમણે અમેરિકાની પ્રતિષ્ઠિત બર્કલે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ભારત પરત ફર્યા બાદ તેઓ દેશની આઝાદીની લડતમાં સક્રિય થયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે બ્રિટિશ સરકારે તેમને ઉત્તર પ્રદેશના હમીરપુરમાં જેલમાં ધકેલી દીધા.

બોઝને જેલમાં ખબર પડી કે ભારતીય સૈનિકોએ કોઈ પણ પ્રકારના વોટરપ્રૂફ રેઈનકોટ, ગ્રાઉન્ડશીટ કે યોગ્ય બૂટ વિના જ કઠિન સ્થિતિમાં અને ભારે વરસાદમાં સરહદ પર લડવું પડે છે, જેના કારણે અનેક લોકોના મોત થાય છે. આ વાતથી તેઓ ખૂબ દુઃખી થયા અને જેલમાંથી બહાર આવીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું. આ સાથે તેમના મનમાં વિદેશી માલનો બહિષ્કાર કરીને આ ક્ષેત્રે પણ દેશને આત્મનિર્ભરતા અપાવવાનો વિચાર હતો.

બતકના પીંછામાંથી મળી પ્રેરણા

જેલમાંથી મુક્ત થયા પછી સુરેન્દ્ર મોહને તેમના ભાઈઓ અજિત મોહન, જોગીન્દ્ર મોહન અને બિષ્ણુપદ સાથે મળીને કોલકાતાના નઝર અલી લેન સ્થિત પૂર્વજોના ઘરે એક નાનકડા શેડમાં પ્રયોગો શરૂ કર્યા. તેમનો હેતુ સસ્તા અને ટકાઉ વોટરપ્રૂફ કપડાં બનાવવાનો હતો. ઘણાં પ્રયોગો પછી તેમને સફળતા મળી. તેમણે અવલોકન કર્યું કે બતકના પીંછા પર કુદરતી તેલ હોવાને કારણે તેના પર પાણી ટકતું નથી અને સરળતાથી વહી જાય છે. આમાંથી પ્રેરણા લઈને તેમણે ખાસ વલ્કેનાઈઝેશન ટેકનિક વિકસાવી, જે ફેબ્રિકને લવચીક રાખવાની સાથે સંપૂર્ણપણે વોટરપ્રૂફ બનાવતી હતી. આ પદ્ધતિ 'ડકબેક પ્રક્રિયા' તરીકે ઓળખાઈ. 'જેમ બતકની પીઠ પરથી પાણી સરકી જાય છે', તેમ આ કપડાં પરથી પણ પાણી સરકી જતું હોવાથી બ્રાન્ડનું નામ 'ડકબેક' રખાયું.

વર્ષ 1920માં આ પરિવારે સત્તાવાર રીતે 'ડકબેક રેઈનવેર' લોન્ચ કર્યું. તે સમયે વિદેશથી આવતી વસ્તુઓ ખૂબ મોંઘી હતી, જ્યારે ડકબેકે ભારતીયોને સસ્તો અને મજબૂત સ્થાનિક વિકલ્પ આપ્યો.

નાનું સાહસ વિશાળ વટવૃક્ષ બન્યું

ડકબેકના ઉત્પાદનો લોકપ્રિય થતા ગયા. વર્ષ 1940 સુધીમાં આ નાનું સાહસ 'બંગાળ વોટરપ્રૂફ લિમિટેડ' કંપનીમાં ફેરવાઈ ગયું. 1948માં સુરેન્દ્ર મોહન બોઝના અવસાન પછી તેમના પુત્ર દેવબ્રત બોઝે કાર્યભાર સંભાળ્યો. તેમણે ઈંગ્લેન્ડથી રબર ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો હતો, જેના કારણે કંપનીનો વધુ વિકાસ થયો. 1960ના દાયકામાં પ્રખ્યાત કલાકાર રણેન અયાન દત્તે કંપનીનો આઇકોનિક લોગો ડિઝાઇન કર્યો, જે આજે પણ લોકોના મનમાં વસેલો છે.

કોમન મેનથી લઈને ભારતીય સેનાના જવાનો સુધીની સફર

ડકબેક માત્ર સ્કૂલ બેગ, રેઈનકોટ અને ગરમ પાણીની બોટલો બનાવવા પૂરતી મર્યાદિત ન રહી. તેણે પોસ્ટલ અધિકારીઓ માટે ડાક બેગ, બરફની થેલીઓ, ગરમ પાણીની બોટલો, ઓવરશૂઝ, રબર હીલ્સ, ગમ બૂટ, એર પિલો (ઓશિકા) અને ઘોડાના કવર સુધીના ઉત્પાદનો બનાવ્યાં. સામાન્ય લોકો માટે વરસાદી કપડાંની સાથે તેમણે સંરક્ષણ ક્ષેત્ર માટે પણ અનેક પ્રોડક્ટ્સ બનાવી. જેમ કે…

  • વાયુસેનાના ફાઇટર પાઇલટ્સ માટે ખાસ જી-સૂટ (G-Suits) અને ઓક્સિજન માસ્કનું નિર્માણ કર્યું.
  • નૌકાદળ માટે લાઇફ જેકેટ, રબરાઇઝ્ડ ઇન્ફ્લેટેબલ બોટ, સબમરીન સ્ટાફ માટે સ્પેશિયલ સબમરીન એસ્કેપ સૂટ અને લાઈફ જેકેટ્સ બનાવ્યા.
  • પાય દળના સૈનિકો માટે તંબુ, ઓક્સિજન માસ્ક, સ્નો એંકલ બૂટ્સ અને હેલિકોપ્ટર લેન્ડિંગ ગિયર્સ બનાવ્યાં.

બદલાતો સમય, પડકારો અને પુનરાગમન

સમય બદલાતા ડકબેક સામે અનેક મુશ્કેલીઓ આવી. રબરના ભાવ પ્રતિ કિલો રૂ. 50થી વધીને રૂ. 280 થઈ ગયા. એ સાથે જ બજારમાં સસ્તા ચાઈનીઝ અને PVC આધારિત પ્લાસ્ટિક રેઈનકોટ્સનું પૂર આવતાં ડકબેકના પ્રીમિયમ રેઈનવેરની માંગમાં ઘટાડો થયો. પરંતુ ડકબેકે હાર ન માની.

  • વર્ષ 2006ની આસપાસ કંપનીએ ટુ-વ્હિલર ચલાવતા યુવાનો માટે આધુનિક ફેધર વેઈટ રેઈનકોટ અને વોટરપ્રૂફ જેકેટ્સ લોન્ચ કર્યા.
  • શૈક્ષણિક હેતુઓ માટે 'નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ' સાથે મળીને ભારતના પ્રથમ ટ્રાન્સપોર્ટેબલ (પરિવહનક્ષમ) 'એસ્ટ્રોડોમ'નું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. ફુલાવી શકાય તેવા, રબરવાળા આ એસ્ટ્રોડોમ હળવા, સરળતાથી ફોલ્ડ કરી શકાય તેવા, આગ પ્રતિરોધક અને વોટરપ્રૂફ સામગ્રીથી કોટેડ છે. દેશભરના વિજ્ઞાન કેન્દ્રોમાં જે 'તારામંડળ'ના ડોમ આકારના ટેન્ટ હોય છે, તે ડકબેકે બનાવ્યા છે.
  • વર્ષ 2010 પછી ગ્રાહક ક્ષેત્રે ભલે સ્પર્ધા વધી હોય, પરંતુ ડકબેક હવે ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે ત્વચાને નુકસાન પહોંચાડતી નથી અને સરળતાથી વિઘટન પામે છે.

નફો પછી, સૌથી પહેલા દેશહિત

સુરેન્દ્ર મોહન બોઝ અને ડકબેકની કહાણી માત્ર એક બિઝનેસની કહાણી નથી; તે દેશભક્તિ, વૈજ્ઞાનિક સમજ અને આત્મનિર્ભર ભારતની જીવંત મિસાલ છે. નફા કરતાં દેશહિતને આગળ રાખનારી આ બ્રાન્ડ આજે પણ દરેક ભારતીયના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે.