નવમા ધોરણના વિદ્યાર્થીઓ પર બોજ ના નાંખશો: થ્રી લેંગ્વેજ વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કેન્દ્રને આપી આ સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court On Three Language Policy : સુપ્રીમ કોર્ટમાં આજે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ શાળામાં ત્રીજી ભાષા ફરજિયાત શીખવવાનો મામલે અને તમિલનાડુ રાજ્યમાં જવાહર નવોદય વિદ્યાલય (JNVs) સ્થાપવા મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે થ્રી લેંગ્વેજ વિવાદ મામલે કેન્દ્ર સરકાર અને સીબીએસઈની ઝાટકણી કાઢી છે. તો બીજીતરફ JNV સ્થાપવા મામલે પણ મહત્ત્વની ટિપ્પણી કરી છે. તમિલનાડુ સરકારે થ્રી લેંગ્વેજ મામલે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીએસઈના પરિપત્ર મુજબ ધોરણ-9માં ત્રીજી ભાષા શરૂ કરવા પર સવાલ ઉઠાવ્યો છે.
થ્રી લેંગ્વેજથી વિદ્યાર્થીઓ પર બોજ વધી શકે છે : સુપ્રીમ કોર્ટ
આ મામલાની સુનાવણી દરમિયાન જજ બી.વી.નાગરત્નાએ કહ્યું કે, બોર્ડ પરીક્ષાઓ પહેલા થ્રી લેંગ્વેજ શરૂ કરવાથી વિદ્યાર્થીઓ પર બોજ વધી શકે છે. આ સાથે કોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર શિક્ષણ નીતિ લાવી હોવાથી માત્ર તે ધ્યાને રાખીને તમિલનાડુ સરકાર તેનો વિરોધ ન કરે.
તમિલનાડુ સરકારે સુપ્રીમમાં કરી છે અરજી
જવાહર નવોદય વિદ્યાલય કેસની વાત કરીએ તો, મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ રાજ્યના દરેક જિલ્લામાં JNV સ્થાપવા માટે જમીન અને સહાય આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. જોકે તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટને આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, તેની પણ સુનાવણી આજે હાથ ધરાઈ હતી.
‘નવી ભાષા ધોરણ-6થી શરૂ કરવી જોઈએ’
મીડિયા રિપોર્ટ મુજબ, થ્રી લેંગ્વેજ મામલાની સુનાવણી દરમિયાન જજ નાગરત્નાએ સવાલ કર્યો છે કે, નવી ભાષા માત્ર ધોરણ-9માં જ કેમ શરૂ કરવા આવે? કોર્ટે આ થ્રી લેંગ્વેજ પોલિસીને અયોગ્ય ગણાવતા કહ્યું કે, વિદ્યાર્થીઓ પહેલેથી જ ધોરણ-10 બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓ કરતી વખતે ભણતરના દબાણનો સામનો કરી રહ્યા છે. ધોરણ-9માં પહેલેથી જ ભણતરનો તણાવ છે, તેથી તમે ધોરણ-9માં નવી ભાષા કેમ શરૂ કરવા માંગો છો? તેને ધોરણ-6થી શરૂ કરવી જોઈએ.
થ્રી લેંગ્વેજ પોલિસી પર વિચારણા કરવા કેન્દ્રને આદેશ
સુપ્રીમ કોર્ટે થ્રી લેંગ્વેજ પોલિસી પર ફરી વિચારણા કરવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે અને વિદ્યાર્થીઓને પહેલેથી જ ત્રીજી ભાષા શિખવાડવાની શરૂઆત કરવાની પણ સલાહ આપી છે. કોર્ટે કહ્યું કે, ભારત સરકાર, મહેરબાની કરીને ધોરણ-9માં ત્રીજી ભાષાની શરૂઆત ન કરાવે. સીબીએસઈ, આઈસીએસઈ, સ્ટેટ બોર્ડ, ધોરણ-10ની બોર્ડ પરીક્ષા હોય છે, તેથી ધોરણ-8થી જ વિદ્યાર્થીઓ પર દબાણ શરૂ થાય છે.
જજ નાગરત્નાએ પોતાની સ્કૂલના દિવસો યાદ અપાવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે અમે શાળામાં હતા, ત્યારે વિદ્યાર્થીઓ મિડલ સ્કૂલ દરમિયાન જ ત્રીજી ભાષા શીખવાની શરૂઆત કરી દેતા હતા. આનાથી સેકન્ડરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પરીક્ષા પહેલા ફેરફાર કરવો સરળ બની જતો હતો. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ પોતાની બીજી ભાષાના આધારે કન્નડ, હિન્દી અથવા સંસ્કૃતમાંથી કોઈ એક ભાષા પસંદ કરી શકતા હતા, તેથી તેને વહેલામાં વહેલી તકે શરૂ કરી દેવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે હિન્દી ફરજિયાત અંગે શું કહ્યું?
જજે સ્પષ્ટ કહ્યું છે કે, નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)માં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત પસંદ કરવાનો ઉલ્લેખ ક્યાંય નથી. વિદ્યાર્થીઓને રાજ્યની ભાષા અને અંગ્રેજી ભાષા શીખવવી જોઈએ અને અન્ય કોઈપણ ત્રીજી ભાષાનો વિકલ્પ આપવો જોઈએ.
NGO તરફથી હાજર વકીલે કોર્ટમાં દલીલ કરી છે કે, NEPમાં સ્પષ્ટ લખાયું છે કે, કોઈપણ રાજ્ય પર કોઈપણ ભાષા થોપવી ન જોઈએ. ત્યારબાદ જજે તમિલનાડુ સરકારને પૂછ્યું કે, તમે ભાષામાં હિન્દી ઈચ્છતા નથી, પરંતુ સંસ્કૃત હોય તો શું વાંધો છે? આના પર રાજ્ય સરકારના વકીલે જવાબ આપ્યો કે, ત્રીજી ભાષા માત્ર ધોરણ-9થી શરૂ થઈ જાય છે. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટે આગામી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.









