CJI Surya Kant: સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠ વાળી બેંચ જસ્ટિસ સૂર્યકાંતની પીઠ એક વકીલ પર ભડકી ગઈ હતી. પીઠે જજો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણીઓ કરનારા આ વકીલને ફટકાર લગાવી. વાસ્તવમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચ મધ્યપ્રદેશ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીમાં અયોગ્યતાને પડકારતી કેટલાક વકીલોની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. વકીલોએ સુધારા લાયકાતના માપદંડો પૂર્ણ ન કરવાને કારણે ચૂંટણી લડતા અટકાવવા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ
એક રિપોર્ટ પ્રમાણે સુનાવણી દરમિયાન કોર્ટના ધ્યાને આવ્યું કે એક અરજદારે બાર કાઉન્સિલની ચૂંટણીની દેખરેખ માટે કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. આ સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત જસ્ટિસ સુધાંશુ ધૂલિયા કરી રહ્યા છે. કોર્ટે આ ટિપ્પણીઓ પર કડક વલણ અપનાવતા કહ્યું કે અરજદારે ખોટા, નિરાધાર અને અપમાનજનક આક્ષેપો કર્યા છે, તેથી તે કોર્ટ પાસેથી કોઈ પણ પ્રકારની રાહત મેળવવા માટે હકદાર નથી.
તેઓ પોતાને બહુ હોશિયાર સમજે છે
બેંચે આકરા શબ્દોમાં કહ્યું કે, કોર્ટ આવા વકીલો માટે પોતાના દરવાજા ન ખોલી શકે , જેઓ પોતાના કાળા કોટનો દુરુપયોગ કરે છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, 'અમને આ અરજદારની વેબસાઈટ કે ફેસબુક પ્રોફાઇલ બતાવો અને જણાવો કે અત્યારે જ તેની સામે ફોજદારી અદાલતની અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ અને તેની તાત્કાલિક ધરપકડ કેમ ન કરવી જોઈએ? તેઓ પોતાને બહુ હોશિયાર સમજે છે અને કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે. બીજા અરજદારને પણ અમારી સમક્ષ રજૂ કરો. વધારે ઓવરસ્માર્ટ ન બનો જેમ કે અમને ખબર જ ન હોય કે શું ચાલી રહ્યું છે.'
પીઠે આગળ કહ્યું કે, 'તેમણે જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને સમિતિના અન્ય સભ્યો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે અને બદનામ કરતા આરોપ લગાવ્યા છે. અમે આ અરજીને 1 લાખના દંડ સાથે ફગાવી દઈએ છીએ.'
અરજદારોએ શું કરી દલીલ?
જોકે, અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ કોર્ટને જણાવ્યું કે, વાંધાજનક ટિપ્પણી કરનાર વકીલ હવે આ કેસમાં અરજદાર નથી. તે વ્યક્તિ હવે અરજીનો હિસ્સો નથી અને તેમના નિવેદનનું સમર્થન કરવામાં નથી આવતું. તેના પર CJI સૂર્યકાંતે ટિપ્પણી કરી કે, 'તે એટલા માટે નથી કારણ કે તે જાણે છે કે અમે તેમને પકડી ચૂક્યા છે.'
શું બોલ્યા CJI?
અન્ય એક વકીલ સિદ્ધાર્થ આર. ગુપ્તાએ કોર્ટને વિનંતી કરી કે તેઓ અન્ય અરજદારોને રાહતથી વંચિત ન કરવામાં આવે અને બધાને એક સરખા ન માનવામાં આવે. તેમણે કહ્યું કે બધા સાથે સમાન વર્તન ન કરવું જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલને પણ ફગાવી દીધી અને કોઈપણ અરજદારને રાહત આપવાનો ઈનકાર કરી દીધો. સીજેઆઈએ કહ્યું કે, અમને કોઈ પણ પ્રકારની મુક્તિ આપવાનું કોઈ કારણ નથી દેખાતું. અમે સિસ્ટમનો દુરુપયોગ કરનારાઓ માટે આ રસ્તો નહીં ખોલીશું. આ લક્ઝરી લિટિગેશન છે.


