અયોધ્યા રામ મંદિરમાં 3 કરોડની દાન ચોરી થઈ, કોષાધ્યક્ષ ગોવિંદદેવનો પ્રથમવાર સ્વીકાર; રાજીનામું આપવાનો ઈનકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ram Mandir Donation Row: અયોધ્યામાં રામ મંદિરના દાન ચોરી મામલે પહેલીવાર શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી રકમને લઈને સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીએ સ્વીકાર્યું કે, 'મંદિરના દાનમાંથી લગભગ 3 કરોડ રૂપિયાની ચોરી થઈ છે.' અત્યાર સુધી ચોરીની રકમને લઈને અલગ-અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. SITએ તેના પ્રારંભિક રિપોર્ટમાં 80 લાખ રૂપિયા રિકવર કર્યા હોવાની વાત નોંધી હતી. ગોવિંદદેવે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, '14 કરોડનું સોનું, ચાંદી અને અન્ય કીમતી સામાન ચોરી થવાની વાતો તદ્દન ખોટી છે.'
રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈનકાર
પુણેના પ્રવાસે ગયેલા ગોવિંદદેવ ગિરીએ એક એજન્સી સાથે વાત કરતા પોતાના રાજીનામાના સમાચારને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે મેં કોઈ રાજીનામું નથી આપ્યું. રાજીનામું આપવા અંગે ન તો મેં ક્યારેય કંઈ કહ્યું છે અને ન તો મારા મનમાં આવો કોઈ વિચાર છે. હું છત્રપતિ શિવાજી મહારાજનો અનુયાયી છું. મેદાન છોડીને ભાગનારો નથી.
ચંપત રાયે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું
ગોવિંદદેવે કહ્યું કે ટ્રસ્ટના મહાસચિવ પદેથી ચંપત રાયે પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેમને બલિનો બકરો બનાવવામાં આવ્યા છે, તેવું કહેવું યોગ્ય નથી. તેમને આ વાતનો અહેસાસ ચોક્કસ છે કે થોડી બેદરકારી થઈ છે. આવી સ્થિતિમાં તેમણે પોતે જ રાજીનામું આપ્યું છે. તેમના પર કોઈ દબાણ નહોતું.
SIT તપાસમાં હસ્તક્ષેપ નહીં
તેમણે કહ્યું કે, 'SIT તપાસથી હું સંપૂર્ણપણે સંતુષ્ટ છું. કોઈના પર કોઈ દબાણ કરવામાં આવી રહ્યું નથી અને તપાસને પ્રભાવિત કરવાનો પણ કોઈ પ્રયાસ થઈ રહ્યો નથી. રામલલા વિરુદ્ધ ગુનો આચરવામાં આવ્યો છે અને જેણે પણ આ કર્યું છે તેને સજા ચોક્કસ મળવી જ જોઈએ. આજે અમે પુણેમાં બેઠા છીએ, અહીં માત્ર એક રૂમનું ઘર અને રસોડું છે, જેની એક ઈંટ પણ મારા નામે નથી.'
22 તારીખે ટ્રસ્ટની બેઠક, મહત્ત્વપૂર્ણ ફેરફારની સંભાવના
શ્રી રામ મંદિર તીર્થક્ષેત્રની આગામી બેઠકમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવે તેવી સંભાવના છે. નક્કી કરાયેલા એજન્ડા પ્રમાણે 22 જુલાઈના રોજ બે ભાગમાં પ્રસ્તાવિત બેઠકમાં ટ્રસ્ટના સભ્યોની ખાલી પડેલી બેઠકો પર પસંદગી, SITનો રિપોર્ટ અને ટ્રસ્ટની પાંચેય સમિતિઓમાં ફેરફાર અંગે ચર્ચા થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ટ્રસ્ટે પોતાની પાંચેય સમિતિઓમાં પણ ફેરફાર કરવો પડશે, કારણ કે તેની સાથે જોડાયેલા સભ્યોના પદો ખાલી પડ્યા છે. આ કારણે નવા સભ્યોને તેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
શ્રી રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના બાયલોઝમાં કામની વહેંચણીના દૃષ્ટિકોણથી પાંચ સમિતિઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નિર્માણ, નાણાં (ફાઈનાન્સ), ઓડિટ, ધાર્મિક અને મેનેજિંગ સમિતિઓ સામેલ છે. આ સમિતિઓની રચના 11 નવેમ્બર 2020ના રોજ કરવામાં આવેલી ટ્રસ્ટ ડીડ અનુસાર કરવામાં આવી છે. આ સમિતિઓના ચેરમેનને એવો અધિકાર છે કે તેઓ જરૂરિયાત મુજબ સમિતિમાં ટ્રસ્ટ બહારની કોઈ પણ વ્યક્તિની વિષય નિષ્ણાત તરીકે નિમણૂક કરી શકે છે.
નિર્માણ સમિતિના ચેરમેન નિવૃત્ત IAS અને ટ્રસ્ટના હોદ્દાની રૂએ સભ્ય નૃપેન્દ્ર મિશ્ર છે. તેમણે નિર્માણ સમિતિમાં ટ્રસ્ટના સભ્યો ઉપરાંત નિષ્ણાતોને પણ નામાંકિત કર્યા છે. આ કમિટીમાં તીર્થક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાય ઉપરાંત ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્ર અને અયોધ્યા નરેશ વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર પણ સામેલ હતા. ચંપત રાય અને અનિલ મિશ્ર રાજીનામું આપી ચૂક્યા છે, જ્યારે અયોધ્યા નરેશના અવસાનના કારણે સભ્યનું પદ ખાલી પડ્યું છે. આ કારણે પણ આગામી બેઠકમાં ફેરફારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે.









