US President Donald Trump Praise on PM Modi : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યા બાદ હવે તેમના વલણમાં નરમાશ જોવા મળી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરતા તેમને પોતાના 'મહાન મિત્ર' ગણાવ્યા છે. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે એક્સ પર માહિતી આપી છે કે, ટ્રમ્પ ભારતને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો અત્યંત મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર માને છે.
PM મોદી મહાન મિત્ર : ટ્રમ્પ
ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતને વિશ્વનું સૌથી પ્રાચીન સભ્યતાઓનું એક ઘર ગણાવ્યું છે. પોસ્ટમાં લખાયું છે કે, ‘ભારત વિશ્વનું સૌથી જૂનું પૌરાણિક સભ્યતાઓમાંથી એક ઘર છે. આ એક અદ્ભુત દેશ છે અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનું મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. અમને વડાપ્રધાન મોદીના રૂપમાં એક મહાન મિત્ર મળ્યા છે.’
તાજેતરમાં જ PM મોદી-ટ્રમ્પ વચ્ચે થઈ હતી ટેલિફોનિક વાતચીત
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે તાજેતરમાં જ ટેલિફોનિક વાતચીત થઈ હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી વધારવા અને તેને વેગ આપવા અંગે વાતચીત કરી હતી. એટલું જ નહીં ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતીને લઈને બંને દેશોના અધિકારીઓ વચ્ચે સફળ બેઠક યોજાઈ હતી.
બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી થવાની આશા વધી
અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ પર 50 ટકા ટેરિફ ઝિંકેલો છે, ત્યારે આ બેઠક બાદ ટેરિફમાં રાહત મળવાની આશા છે. અમેરિકાએ ઑગસ્ટમાં ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ત્યારબાદ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હોવાના કારણે નારાજ થયેલા ટ્રમ્પે વધુ 25 ટકા ટેરિફ લાદ્યો હતો. આમ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકેલો છે. આમાં રાહત આપવા માટે બંને દેશોના અધિકારીઓ વચ્ચે અનેક વખત બેઠક યોજાઈ છે.
PM મોદીએ બેઠકને સફળ ગણાવી
બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેરિફ ઘટાડવા માટે યોજાયેલી બેઠકને સફળ ગણાવી છે. તેમણે કહ્યું છે કે, ‘અમે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા સુધારા અંગે સમીક્ષા કરી છે. આ ઉપરાંત અમે પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી છે. ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જાળવવા માટે સાથે મળીને કામ કરતા રહેશે.’ જોકે પીએમ મોદીએ વેપાર સંબંધોનો સીધો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
આ પણ વાંચો : પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ
અમેરિકાને ટેરિફ બોંબ ભારે પડ્યો !
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારત પર પહેલા 25 ટકા અને પછી રશિયા સાથે વેપાર ચાલતો હોવાના કારણે વધુ 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ત્યારબાદ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, વૈશ્વિક પરિદ્રશ્યમાં અમેરિકા અલગ-થલગ પડતું દેખાયું છે. અમેરિકાના ટેરિફ બોંબ બાદ ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ યોજાઈ હતી, જેમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (China President Xi Jinping), રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ત્રણેય દેશો નેતા વચ્ચે ગાઢ મિત્રતા પણ જોવા મળી હતી.
ભારત-રશિયા-ચીન વચ્ચે સંબંધો ગાઢ બન્યા, અમેરિકા એકલું પડ્યું
સમિટના થોડા મહિનાઓ બાદ, અમેરિકાનું ભારત-રશિયા પર દબાણ છતાં, રશિયાના રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા હતા, જેમનું PM મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મોદી-પુતિન વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી હતી. બંને દેશો અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આમ ભારત, રશિયા અને ચીન વચ્ચેના સંબંધો જોતા હવે અમેરિકા એકલું પડી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે


