Get The App

રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઇટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઇટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે 1 - image


Railway Reservation Chart Updated : રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ છે. હવે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન સ્ટેટસ 10 કલાક અગાઉથી ઉપલબ્ધ થશે. પહેલી વાર રેલવે બોર્ડે ચાર્ટ તૈયાર કરવાના સમયમાં સુધારો કર્યો છે. સવારે 5:00થી બપોરે 2:00 વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનો માટે, પહેલો રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે રાત્રે 8:00 વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે.

ટ્રેન મુસાફરીના 10 કલાક પહેલા તૈયાર કરાશે રિઝર્વેશન ચાર્ટ

જ્યારે બપોરે 2:01 વાગ્યાથી રાતના 11:59 વાગ્યા સુધી અને રાતના 12 વાગ્યાથી સવારે 5 વાગ્યામાં ઉપડતી ટ્રેન માટે રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનથી 10 કલાક પહેલા તૈયાર કરાશે. અગાઉ રિઝર્વેશન ચાર્ટ માત્ર 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. જેના કારણે અંતિમ સમયે ટ્રેન મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઇટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે 2 - image

મુસાફરોને તેમની યાત્રા અને રિઝર્વેશનની સ્થિતિ એટલે કે ટિકિટનું સ્ટેટસ જાણવા માટે અને દૂરથી આવતાં મુસાફરોને યાત્રા સંબંધિત કોઈ અડચણ ઊભી ન થાય તેને લઈને રેલવે વિભાગે પહેલી વખત રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કર્યો છે.

રેલવેના અધિકારીએ કહ્યું કે, 'મુસાફરોની સુવિધા માટે પહેલા ચાર્ટ તૈયાર કરાશે, આમ તેઓ પોતાના યાત્રાનું આયોજન પહેલાથી કરી શકે. આ મામલે તમામ ઝોનલ રેલવે ડિવિઝનને જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.'

અત્યાર સુધી 4 કલાક પહેલાં તૈયાર થતો ચાર્ટ

અત્યાર સુધી રેલવેમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિયમ હતો કે, ટ્રેનના પ્રસ્થાનના આશરે 4 કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવતો. જેનો અર્થ એ થતો કે, વેઇટિંગ લિસ્ટ અથવા RACમાં મુસાફરી કરનારા મુસાફરોને કન્ફર્મ સીટ મળી છે કે નહીં તેની માહિતી છેલ્લી ઘડીએ ઉપલબ્ધ થતી હતી.

આ પણ વાંચો: ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ

મુસાફરોને અસુવિધા થતી

આ જૂની સિસ્ટમના કારણે ખાસ કરીને દૂરના સ્થળેથી આવતા મુસાફરોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઘણીવાર મુસાફરો ચાર્ટ બને તે પહેલાં જ સ્ટેશન પહોંચી જતા અને બાદમાં જાણ થતી કે, તેમની ટિકિટ કન્ફર્મ નથી થઈ. જેનાથી ન ફક્ત સમય પરંતુ પૈસા પણ વેડફાતા હતા.

રેલવેને લાંબા સમયથી મુસાફરો તરફથી ફરિયાદ મળી રહી હતી કે, ચાર્ટ મોડો બનતો હોવાના કારણે મુસાફરીની યોજના બની શકતી નથી. જેના કારણે હવે ચાર્ટ બનાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Tags :