India

સોનમ વાંગચુકનો જીવ બચાવવા જે જરૂર પડે તે કરો, દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને આદેશ

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
લદ્દાખને વિશેષ દરજ્જો અને NEET-UG ગોટાળા મુદ્દે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ 19મા દિવસે પહોંચી છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને વાંગચુકનો જીવ બચાવવા તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા આદેશ કર્યો છે. કોર્ટે સરકારી ડોકટરોની ટીમને તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનમ વાંગચુકનો જીવ બચાવવા જે જરૂર પડે તે કરો, દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને આદેશ

Sonam Wangchuk Hunger Strike Day 19 Delhi High Court Order : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચુકની અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ ગુરુવારે 19મા દિવસમાં પ્રવેશી છે. તેમની સતત બગડતી જતી તબિયતને લઈને દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે એક અત્યંત મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યા છે કે, સોનમ વાંગચુકનો જીવ બચાવવા માટે જે પણ તબીબી સહાય (Medical Intervention) ની જરૂર હોય તે સરકાર દ્વારા તાત્કાલિક પૂરી પાડવામાં આવે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના કોઈપણ નાગરિકનો જીવ કિંમતી છે અને તેને બચાવવા માટે સરકારી તંત્રે તમામ પ્રયાસો કરવા જોઈએ.

વજન 8.5 કિલો ઘટતાં આગામી 48 કલાક નાજુક હોવાની આશંકા

બુધવારે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં દાવો કરાયો હતો કે 59 વર્ષીય સોનમ વાંગચુકનું વજન અત્યાર સુધીમાં 8.5 કિલો જેટલું ઘટી ગયું છે. જો તેઓ આગામી 48 કલાકમાં ઉપવાસ નહીં તોડે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. અરજીમાં સરકાર પર આ ગંભીર પરિસ્થિતિ પ્રત્યે સંવેદનહીન હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. અરજીકર્તાએ માંગ કરી હતી કે વાંગચુકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરીને માનવ શરીરને ટકાવી રાખવા માટે જરૂરી પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ લિક્વિડ ડાયેટ (પ્રવાહી ખોરાક) દ્વારા બળપૂર્વક (Force-feed) આપવામાં આવે. અરજીમાં એવો પણ તર્ક અપાયો હતો કે શાંતિપૂર્ણ વિરોધ કરવો એ લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયાના કવરેજ વચ્ચે જો વાંગચુકને કંઈ થશે તો તે દેશ માટે વૈશ્વિક સ્તરે ખૂબ જ શરમજનક બાબત બનશે.

પ્રાઈવેટ નહીં, માત્ર સરકારી ડૉક્ટરો જ કરશે મોનિટરિંગ

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર વતી પક્ષ રાખતા જણાવ્યું હતું કે, વાંગચુકનું રોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ તેમાં ક્યારેક સરકારી તો ક્યારેક પ્રાઈવેટ ડૉક્ટરો હોય છે. આ સાંભળીને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, સોનમ વાંગચુકને માત્ર અને માત્ર સરકારી ડૉક્ટરો દ્વારા જ નિયમિત અને દૈનિક મેડિકલ ચેકઅપ મળવું જોઈએ અને તેમના હેલ્થ રિપોર્ટ્સના આધારે જો દવા કે સારવારની જરૂર હોય તો સરકારે તાત્કાલિક પગલાં લેવાં પડશે.

વાંગચુકે ભાવુક વિડીયો શેર કરી કરી અપીલ

હાઈકોર્ટના આદેશના થોડા કલાકો પહેલાં જ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક વિડીયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, લાંબા ઉપવાસના કારણે શરીરમાં નબળાઈ અને સ્નાયુઓનો થાક જરૂર છે, પરંતુ તેમનું હૃદય અને સ્વાસ્થ્ય હજુ પણ સામાન્ય છે. વરિષ્ઠ રાજનેતાઓની અપીલ છતાં ઉપવાસ તોડવાનો ઈનકાર કરતા તેમણે કહ્યું કે, સરકારના કોઈ જવાબ વગર જો તેઓ અત્યારે ઉપવાસ તોડશે તો સમાજમાં ખોટો સંદેશ જશે. તેમણે લોકોને અપીલ કરી કે માત્ર ‘ઉપવાસ તોડો’ તેમ કહેવાને બદલે 20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા CJP ના પ્રદર્શનમાં મોટી સંખ્યામાં હાજર રહે.

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ

અભિજીત દીપકેના નેતૃત્વમાં ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટી (CJP) નું આ આંદોલન દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ, ખાસ કરીને 3 મે ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાની ગેરરીતિઓ બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અથવા તેમને પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યું છે. વાંગચુકે દેશના વિદ્યાર્થીઓને પણ આ મુવમેન્ટમાં જોડાવા આહવાન કર્યું છે.