India

'જહાજો પર ભારતીયોને તહેનાત ન કરશો...', યુદ્ધ વચ્ચે શિપિંગ કંપનીઓને સરકારનો કડક આદેશ

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
ભારત સરકારે હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય નાવિકોના મોત અને અમેરિકા-ઈરાન તણાવ બાદ કડક પગલું ભર્યું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન(DGMA) એ શિપિંગ કંપનીઓને આગામી આદેશ સુધી આ માર્ગ પર ભારતીય નાવિકોને તૈનાત ન કરવાની એડવાઇઝરી આપી છે. પશ્ચિમ એશિયામાં અત્યાર સુધીમાં 14 ભારતીયોના મોત થયા છે. ભારતીય નાવિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા આ નિર્ણય લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જહાજો પર ભારતીયોને તહેનાત ન કરશો...', યુદ્ધ વચ્ચે શિપિંગ કંપનીઓને સરકારનો કડક આદેશ

Avoid Deploying Indian Seafarers In Strait Of Hormuz : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માં ભારતીય નાવિકોના મોતના પગલે હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે શિપિંગ કંપનીઓ માટે એક એડવાઇઝરી જાહેર કરીને કડક ચેતવણી આપી છે કે, આ માર્ગ પરથી પસાર થતાં કોઈપણ જહાજ પર હાલમાં ભારતીય નાવિકોની તૈનાતી ન કરવામાં આવે. અમેરિકા અને ઈરાન વચ્ચે બગડતા સંબંધોને જોતાં આ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

ભારતમાં દરિયાઈ બાબતોની દેખરેખ રાખતી સંસ્થા, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશને(DGMA) શિપ ઓનર્સ, શિપ મેનેજર્સ અને એજન્સીઓ માટે આ એડવાઇઝરી જાહેર કરી છે. આ અંતર્ગત સરકારે તમામ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ આગામી આદેશ સુધી હોર્મુઝમાંથી પસાર થતાં કોઈપણ જહાજ પર ભારતીય નાવિકોને તૈનાત કરવાનું સંપૂર્ણપણે ટાળે.

ભારતીય નાવિકોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા

DGMAએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, યુદ્ધ પ્રભાવિત આ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજો પર સતત થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGMAએ જણાવ્યું છે કે, સરકાર અખાતી દેશોમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

જહાજો અને કંપનીઓ માટે કડક સૂચનાઓ

સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને DGMA એ તમામ સંબંધિત પક્ષોને કેટલાક જરૂરી સાવચેતીના પગલાં લેવાના આદેશ આપ્યા છે.

તૈનાત પર રોક: શિપ ઓનર્સ અને RPSL કંપનીઓ આગામી આદેશ સુધી હોર્મુઝની સામુદ્રધુની(Strait of Hormuz)માંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોને મોકલવાનું ટાળે.

હાઈ એલર્ટ: પર્શિયન ગલ્ફ, હોર્મુઝની સામુદ્રધુની અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવે.

ચેતવણી અને નિયમોનું પાલન: સુરક્ષા ચેતવણીઓ અને એડવાઇઝરી પર સતત નજર રાખવામાં આવે. આ સાથે જ ઇન્ટરનેશનલ શિપ ઍન્ડ પૉર્ટ ફેસિલિટી સિક્યુરિટી(ISPS Code)નું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે.

સરકારે કોઈપણ કટોકટીની સ્થિતિમાં ડાયરેક્ટોરેટ જનરલ કોમ્યુનિકેશન સેન્ટર(MMDAC) અને ભારતીય નૌસેનાનો સંપર્ક કરવાની પણ સલાહ આપી છે.

14 ભારતીયોના મોત થયા છે

ઈરાન પર 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ શરૂ થયેલા સંઘર્ષમાં પશ્ચિમ એશિયામાં અત્યાર સુધીમાં 14 ભારતીયોના મોત થયા છે. તાજેતરમાં 2 કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલા બાદ ભારતે હોર્મુઝમાં ઈરાની દૂતાવાસના નાયબ વડાને સમન્સ પાઠવ્યા હતા અને આ હુમલાઓ અંગે, સખત વિરોધ નોંધાવ્યો હતો. આ હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત થયું હતું, અને 10 અન્ય ઘાયલ થયા હતા.

ભારતે કોમર્શિયલ જહાજ 'એમટી અલ બહિયા' (MT Al Bahia) અને 'એમટી મોમ્બાસા' (MT Mombasa) પર થયેલા હુમલાની આકરી નિંદા કરી હતી. આ જહાજો પર કુલ 30 ભારતીય નાવિકો સવાર હતા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત હોર્મુઝમાંથી પસાર થતી વખતે જહાજો પર થયેલા હુમલાથી અત્યંત ચિંતિત છે. 'એમટી અલ બહિયા' પર 12 ભારતીય નાગરિકો સવાર હતા, જેમાંથી 1 નાગરિકનું દુઃખદ અવસાન થયું છે, અને 1 ઘાયલ થયો છે. 'એમટી મોમ્બાસા' પર સવાર 18 ભારતીયોમાંથી 9 ઘાયલ થયા છે, જેમાંથી 2 ગંભીર હોવાના અહેવાલ છે.

હેલ્પલાઇન નંબર અને 'નાવિક પ્રથમ' અભિયાન

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કોમર્શિયલ જહાજો અને નાગરિક માળખાને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ, જેથી આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી જહાજોની અવરજવર અને વેપાર કોઈપણ અવરોધ વિના વહેલી તકે પુનઃસ્થાપિત થઈ શકે. દરમિયાન સરકારે પશ્ચિમ એશિયામાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે 'નાવિક પ્રથમ' અભિયાન પણ શરૂ કર્યું છે.