India

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે...' મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન?

By GS Team
14 Jun 20263 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવીને સત્તા પર આવેલા થલપતિ વિજય સતત વિપક્ષના નિશાના પર છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે (DMK) નેતા સ્ટાલિને આરોપ લગાવ્યો છે કે, TVK તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી ની ઝેરોક્ષ કોપીની જેમ કામ કરી રહી છે. સ્ટાલિને દાવો કર્યો કે, વિપક્ષને નબળો પાડવા માટે મુખ્યમંત્રી વિજયની આ નવી નવેલી પાર્ટી AIADMKના ધારાસભ્યોની ખરીદી કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે...' મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન?

Tamil Nadu CM Vijay Thalapathy: તમિલનાડુમાં ઐતિહાસિક જીત મેળવીને સત્તા પર આવેલા થલપતિ વિજય સતત વિપક્ષના નિશાના પર છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે (DMK) નેતા સ્ટાલિને આરોપ લગાવ્યો છે કે, TVK તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી ની ઝેરોક્ષ કોપીની જેમ કામ કરી રહી છે. સ્ટાલિને દાવો કર્યો કે, વિપક્ષને નબળો પાડવા માટે મુખ્યમંત્રી વિજયની આ નવી નવેલી પાર્ટી AIADMKના ધારાસભ્યોની ખરીદી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મોટી સંખ્યામાં AIADMKના કાર્યકરો અને નેતાઓ વિજયની પાર્ટીમાં જોડાયા છે.

થલપતિ વિજય પર આકરા પ્રહારો

DMKની મહિલા વિંગને સંબોધિત કરતા પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને થલપતિ વિજય પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર બરાબર એ જ મોડલ પર કામ કરી રહી છે, જે મોડલ પર ભાજપ રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહી છે. જેવી રીતે ભાજપ વિપક્ષી ધારાસભ્યોને પોતાની તરફ ખેંચીને સામેના પક્ષને નબળો પાડી દે છે, બરાબર એ જ રીતે TVK પણ ધારાસભ્યોને ખરીદી રહી છે.

તેમણે કહ્યું કે, TVK નેતા વિજય AIADMKના ધારાસભ્યોની ખરીદી કરવામાં લાગેલા છે. તેમને પોતાની પાર્ટીના કાર્યકરો પર બિલકુલ ભરોસો નથી. વિજય એ જ કરી રહ્યા છે, જે ભાજપ અન્ય રાજ્યોમાં કરી રહી છે. વિજય ભાજપની ફોટોકોપીની જેમ છે. લોકોના હાથ પરથી હજુ શાહીનો નિશાન ભૂંસાયો પણ નથી અને આ ધારાસભ્યો રાજીનામું આપીને TVKમાં સામેલ થઈ ગયા. શું વિજય CBI તપાસથી બચવા માટે દિલ્હી ગયા હતા?"

સતત નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યા વિજય

નોંધનીય છે કે, સ્ટાલિનનો આ હુમલો વિજય પર એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યના રાજકારણમાં સતત પક્ષપલટો ચાલી રહ્યો છે. ઘણા નેતાઓ અન્નામલાઈ સાથે જોડાઈ રહ્યા છે, તો ઘણા વિજયની TVKમાં સામેલ થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જ 2,500 થી વધુ નેતાઓ અને કાર્યકરો TVKમાં સામેલ થયા છે. જેમાં AIADMKના પૂર્વ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય કે. ટી. પચઈમલ, ભાજપ નેતા એસ. વિજયધરણી અને તિરુનલવેલીના પૂર્વ મેયર ઈ. ભુવનેશ્વરી, AIADMKના પૂર્વ સાંસદ આર. વનરોજા, એન. બાલગંગા અને એ. ઈલાવરસન તેમજ આ જ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય એસ. રવિ અને એસ. મુરુગેસન પણ વિજયના ખેમામાં આવી ગયા છે. આટલી મોટી સંખ્યામાં દિગ્ગજ રાજકીય હસ્તીઓ પાર્ટીમાં સામેલ થવાથી વિજયની તાકાત ચોક્કસપણે વધી છે, પરંતુ તેઓ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર પણ આવી ગયા છે.

જાતીય સતામણીના અપરાધી છે TVK કાર્યકર્તા: સ્ટાલિન

વિજયની પાર્ટી પર સતત હુમલા કરી રહેલા સ્ટાલિને શ્રીવૈકુંઠમના જાતીય ગુનાના મામલાને હાઈલાઇટ કરીને TVKના કાર્યકર્તાઓને જાતીય ગુનેગાર ગણાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, 'વિજયની પાર્ટીના કાર્યકર્તાઓ બાળકીઓ અને મહિલાઓ સાથેના જાતીય ગુનાઓમાં સંડોવાયેલા છે.' તેમણે કહ્યું કે, 'હવે તમિલનાડુના એ મતદારો જેમણે TVKને વોટ આપ્યો હતો, તેઓ વિચારી રહ્યા છે કે આખરે અમે આમને વોટ કેમ આપ્યો. આ સરકારમાં ગુનાઓ વધી ગયા છે. દરેક ન્યૂઝ ચેનલ પર ગંભીર ગુનાઓના સમાચાર જોવા મળી રહ્યા છે. તાજેતરની જ એક ઘટનામાં શ્રીવૈકુંઠમમાં સત્તાધારી પક્ષનો જ એક કાર્યકર્તા પોતે જાતીય સતામણીમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.'

આ પણ વાંચો: ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ

તમને જણાવી દઈએ કે, અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયે DMKને માત્ર સત્તામાંથી જ બહાર નથી કરી, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ સાથે મળીને તેનો વિકલ્પ બનવાનો પણ પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં રાજ્યની અન્ય નાની પાર્ટીઓ જે ક્યારેક DMK સાથે સત્તામાં ભાગીદાર હતી, તે આજે વિજયની સાથે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં વિજય સીધા જ સ્ટાલિનના નિશાના પર આવી ગયા છે. જોકે, વિજય પણ રાજ્યમાં માત્ર સ્ટાલિનને જ પોતાના મુખ્ય વિરોધી માને છે. તેઓ ઘણી વખત પોતાની રેલીઓમાં પણ કહી ચૂક્યા છે કે તમિલનાડુમાં હવે માત્ર બે જ પક્ષો છે, એક તરફ TVK છે અને બીજી તરફ DMK છે.