રાહુલ ગાંધી કે વિજય? 2029ની લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનના ચહેરાને લઈને કોંગ્રેસે આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TVK And Congress Controversy : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વર્ષ 2029ની લોકસભા ચૂંટણીમાં INDI ગઠબંધનનું નેતૃત્વ કરશે. કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે રવિવારે આ જાહેરાત કરી હતી. તેમણે તે તમામ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા, જેમાં તમિલનાડુના મુખ્યમંત્રી અને ટીવીકે નેતા સી. જોસેફ વિજય (CM Joseph Vijay)ને 2029ની ચૂંટણીમાં ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરાયા હોવાના દાવા કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન પદના ચહેરા મુદ્દે વિવાદ વચ્ચે કોંગ્રેસની સ્પષ્ટતા
તમિલનાડુના રાજકારણમાં સી. જોસેફ વિજયને વડાપ્રધાન પદના સંભવિત દાવેદાર તરીકે રજૂ કરવાની ચર્ચાઓ સામે આવતાં જ કોંગ્રેસ અને TVK વચ્ચે નેતૃત્વને લઈને નવો વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકતા પત્રકારોના સવાલોના જવાબમાં કે. સી. વેણુગોપાલે (KC Venugopal) સ્પષ્ટતા કરી હતી કે, TVK તરફથી આવી કોઈ માંગણી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે કોઈએ પણ આ પ્રકારનો ભ્રમ ફેલાવવો ન જોઈએ, રાહુલ ગાંધી (Rahul Gandhi) જ ઈન્ડિયા ગઠબંધનનો ચહેરો હશે. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને યુવાનો સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને ગાંધીના રાજકીય આંદોલનોને દેશભરમાં વ્યાપક સમર્થન મળ્યું છે. તેઓ આજે દેશના સૌથી લોકપ્રિય નેતા છે અને આખો દેશ તેમના કાર્યો તેમજ નિર્ણયોને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં પક્ષો સામસામે લડતા હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન મજબૂતીથી આગળ વધી રહ્યું છે.
કેરળમાં માકપા પર સાધ્યું નિશાન
ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ માકપાનો ઉલ્લેખ કરતાં વેણુગોપાલે આક્ષેપ કર્યો કે કેરળમાં પાર્ટી પોતાની ભૂલોમાંથી કોઈ સબક લીધા વગર આગળ વધી રહી છે. જો તેઓ કંઈ શીખવા માંગતા હોય તો પણ ત્યાંના વિપક્ષના નેતા પિનરાઈ વિજયન તેમને તેમ કરવા દેતા નથી. જોકે, તેમણે ઉમેર્યું કે ગઠબંધનની અંદરના આંતરિક મતભેદો સમયસર ઉકેલી લેવાશે અને ગઠબંધન મજબૂત છે.
કેન્દ્ર સરકાર દેશને અંધકાર યુગ તરફ ધકેલતી હોવાનો આરોપ
ભાજપ સરકાર પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને કેન્દ્ર સરકાર હજુ પણ યોગ્ય ઠેરવી રહી છે. આ ઉપરાંત ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે (Mallikarjun Kharge) ના ભાષણ બાદ સ્ટેજનું કથિત 'શુદ્ધિકરણ' કરવાની ઘટના દર્શાવે છે કે દેશ અંધકાર યુગ તરફ આગળ વધી રહ્યો છે, જેની સામે એક થઈને મજબૂત લડત આપવી દેશના હિતમાં જરૂરી છે.




