પુત્રીના નિવેદનથી માતાની ખુરશી ગઈ? તેલંગાણા કોંગ્રેસમાં વિખવાદ, CMએ મંત્રીને હટાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Telangana Politics News : તેલંગાણા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ ગુરુવારે મંત્રી કોંડા સુરેખાને મંત્રીમંડળમાંથી હટાવવાનો મોટો નિર્ણય લીધો છે. આ સંદર્ભે રાજ્યપાલને સત્તાવાર ભલામણ પણ મોકલી દેવામાં આવી છે. મુખ્યમંત્રીનો આ નિર્ણય તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણ બાદ આવ્યો છે.
મંત્રીની પુત્રીના વિવાદાસ્પદ નિવેદન બાદ કાર્યવાહી
સમિતિની ભલામણમાં જણાવાયું હતું કે, તાજેતરમાં મંત્રી સુરેખાની પુત્રી દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનોને પગલે તેમની સામે પગલાં લેવાવા જોઈએ. સમિતિએ સુરેખાને કેબિનેટમાંથી હટાવવાની સાથે ચિન્ના રેડ્ડી (Chinna Reddy)ને પણ પ્લાનિંગ બોર્ડના પદ પરથી હટાવવાની ભલામણ કરી હતી, કારણ કે તેમના પર પણ પક્ષની શિસ્તનો ભંગ કરવાનો આરોપ છે. ચિન્ના રેડ્ડીને પદ પરથી હટાવીને તેમની જગ્યાએ ગડવાલ વિજયાલક્ષ્મી (Gadwal Vijayalakshmi)ને તેલંગાણા પ્લાનિંગ બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.
પુત્રીના વિવાદિત નિવેદનથી શરૂ થયો હતો વિવાદ
સુરેખા સાથે જોડાયેલો આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેમની પુત્રી કોંડા સુષ્મિતા પટેલે (Konda Susmita Patel) ઓગસ્ટ મહિનામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રેવંત અને તેમના પરિવાર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તે સમયે મંત્રી સુરેખાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમની પુત્રીનો આ વ્યક્તિગત અભિપ્રાય હતો અને તેના માટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં. જોકે, કોંગ્રેસ પક્ષની અંદર, ખાસ કરીને મુખ્યમંત્રી જૂથના ધારાસભ્યોએ સુરેખા સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની માંગ કરી હતી.
રેવંત રેડ્ડીની હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત
રેવંત રેડ્ડીએ દિલ્હી પ્રવાસ દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે. સી. વેણુગોપાલ (K. C. Venugopal) સમક્ષ આ મુદ્દો ઉઠાવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. બીજી તરફ ભારે દબાણ છતાં સુરેખાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો અને પક્ષના નેતૃત્વને કાર્યવાહી કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ તેમને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.




