India

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ખળભળાટ: જાણો ભારતમાં ક્યારે-ક્યારે મંત્રીઓએ ખુરશી છોડવી પડી?

By GS Team
26 Jul 20265 mins read
TukuTouch Logo
NEET પેપર લીક વિવાદ અને CJPના આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો પ્રહલાદ જોશીને સોંપ્યો છે. ભૂતકાળમાં લાલ બહાદુર શાસ્ત્રી, નીતિશ કુમાર સહિત અનેક મંત્રીઓએ નૈતિક જવાબદારી, કૌભાંડો અને જનઆક્રોશને કારણે પદ છોડ્યા છે. સરકારે પેપર લીક અંગેના કાયદા વધુ કડક બનાવવાની પણ જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ખળભળાટ: જાણો ભારતમાં ક્યારે-ક્યારે મંત્રીઓએ ખુરશી છોડવી પડી?

History Of Indian Cabinet Minister Resignations: દેશમાં ભારે દબાણ અને વિદ્યાર્થીઓના વિરોધને કારણે મંત્રીઓના રાજીનામા કોઈ નવી વાત નથી. પરંતુ દરવખતે અલગ-અલગ રાજકીય અને લોકોના દબાણની વાત બદલાતી રહે છે. NEET પેપર લીક વિવાદ અને CJP(કોકરોચ જનતા પાર્ટી)ના ચાલી રહેલા આંદોલન વચ્ચે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રહલાદે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ખળભળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણો ભારતમાં ક્યારે-ક્યારે મંત્રીઓએ ખુરશી છોડવી પડી?

આ ઘટનાઓના ક્રમે ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કર્યો છે કે, ભારતમાં કયા દબાણ, કૌભાંડો અને વિવાદોએ મંત્રીઓને પદ છોડવા મજબૂર કર્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે પેપર લીકને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓનો ગુસ્સો સતત વધી રહ્યો હતો. આ મામલે CJPએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જેમાં શિક્ષણ પ્રધાનના રાજીનામાની માગ કરવામાં આવી હતી.

જ્યારે મંત્રીઓએ રાજીનામું આપ્યું

આ દરમિયાન સરકારે પેપર લીક અંગેના કાયદાને વધુ કડક બનાવવાની યોજના પણ જાહેર કરી છે. જો કે, ભારતના રાજકીય ઇતિહાસમાં આ પહેલી ઘટના નથી જ્યાં દબાણ અથવા મોટા આંદોલનને કારણે કોઈ મંત્રીએ રાજીનામું આપ્યું હોય. ભૂતકાળમાં પણ ટ્રેન અકસ્માતો, ભ્રષ્ટાચાર, ખેડૂતોના વિરોધ અને વ્યાપક જાહેર આક્રોશને પગલે ઘણા મંત્રીઓએ રાજીનામું આપવું પડ્યું છે.

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક વિવાદ અને વધતા વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. ત્યારબાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો. સરકારે કહ્યું છે કે, પેપર લીક અટકાવવા માટે કાયદા વધુ કડક બનાવવામાં આવશે. જ્યારે વિપક્ષ સમગ્ર મુદ્દા પર સરકાર પર નિશાન સાધી રહ્યો છે. CJP દ્વારા જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન લગભગ એક મહિના(33 દિવસ) સુધી ચાલુ રહ્યું.

લાલ બહાદુર શાસ્ત્રી

લાલ બહાદુર શાસ્ત્રીનું રાજીનામું ભારતીય રાજકારણમાં નૈતિક જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. નવેમ્બર 1956 માં તમિલનાડુમાં અરિયાલુર ટ્રેન અકસ્માત બાદ તેમણે રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ દુર્ઘટનામાં 140થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમણે અગાઉ મહબૂબનગર ટ્રેન અકસ્માત પછી પણ રાજીનામું આપવાની ઓફર કરી હતી, પરંતુ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેનો સ્વીકાર કર્યો ન હતો. અરિયાલુર અકસ્માત પછી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું અને આ ઘટનાને આજે પણ મંત્રીની નૈતિક જવાબદારીના ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે.

અશ્વિની કુમાર

અશ્વિની કુમાર (તત્કાલીન કેન્દ્રીય કાયદા મંત્રી) એ 10 મે, 2013ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 'કોલગેટ' (કોલસા બ્લોક ફાળવણી) કેસ પર સીબીઆઈના સ્ટેટસ રિપોર્ટમાં કથિત દખલગીરી અંગેના વિવાદ બાદ તેમણે રાજીનામું આવ્યું હતું. સુપ્રીમ કોર્ટની ટીકાત્મક ટિપ્પણીઓ અને વિપક્ષના સતત દબાણ વચ્ચે તેઓને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જો કે, રાજીનામું આપતાં અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, 'આ નિર્ણય કોઈ ખોટા કામને કારણે નહીં, પરંતુ બિનજરૂરી વિવાદનો અંત લાવવા માટે લીધો છે.'

એ. રાજા

14 નવેમ્બર, 2010ના રોજ 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ અંગે વધતા રાજકીય દબાણ વચ્ચે તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એ સમયે તેમણે જણાવ્યું હતું કે, ડીએમકેના વડા એમ. કરુણાનિધિની સલાહ પર સરકારને શરમજનક પરિસ્થિતિમાંથી બચાવવા અને સંસદનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવા માટે રાજીનામું આપ્યું હતું. જો કે, રાજાએ તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા અને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

શિવરાજ પાટિલ

શિવરાજ પાટીલ 2004 થી 2008 સુધી કેન્દ્રીય ગૃહમંત્રી રહ્યા હતા. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત બાદ સરકારને દેશની સુરક્ષા વ્યવસ્થા અંગે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષ અને સામાન્ય લોકોએ ગૃહ મંત્રાલયની તૈયારી અને આતંકવાદનો સામનો કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. વધતા રાજકીય દબાણ વચ્ચે, શિવરાજ પાટીલે 30 નવેમ્બર, 2008ના રોજ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને સુરક્ષા ખામીઓની નૈતિક જવાબદારી સ્વીકારી હતી. તેમના રાજીનામા બાદ પી. ચિદમ્બરમને નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નીતિશ કુમાર

ઓગસ્ટ 1999માં પશ્ચિમ બંગાળમાં ગૈસલ ટ્રેન અકસ્માત બાદ તત્કાલીન રેલવે મંત્રી નીતિશ કુમારે નૈતિક જવાબદારી સ્વીકારીને તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં અવધ-આસામ એક્સપ્રેસ અને બ્રહ્મપુત્ર મેઇલ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 290 લોકો માર્યા ગયા હતા. અકસ્માત પછી તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને રાજીનામું સુપરત કરતી વખતે નીતિશ કુમારે જણાવ્યું હતું કે, 'આ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારું છે.' જો કે, બાદમાં તેઓ 2001માં રેલવે મંત્રી તરીકે કેન્દ્રીય મંત્રીમંડળમાં પાછા ફર્યા હતા.

ટી. ટી. કૃષ્ણમાચારી

સ્વતંત્ર ભારતના શરૂઆતના વર્ષોમાં મુખ્ય રાજકીય રાજીનામા આપનારાઓમાં તત્કાલીન નાણામંત્રી ટી. ટી. કૃષ્ણમાચારીનું નામ મુખ્ય છે. 1958માં પ્રકાશમાં આવેલા મુંધરા કૌભાંડ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે ભારતીય જીવન વીમા નિગમ(LIC)એ ઉદ્યોગપતિ હરિદાસ મુંધરાની ખોટમાં ચાલી રહેલી કંપનીઓમાં શેર ખરીદ્યા. આ સમગ્ર મામલાની તપાસ જસ્ટિસ એમ.સી. છાગલા કમિશન દ્વારા કરવામાં આવી હતી. આ તપાસમાં નાણા મંત્રાલયની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા થયા હતા, જેના પગલે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કૃષ્ણમાચારીનું રાજીનામું સ્વીકાર્યું હતું.

કેશવ દેવ માલવિયા

1963માં કેશવ દેવ માલવિયાએ તત્કાલીન પેટ્રોલિયમ અને રસાયણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ઉદ્યોગપતિ એમ.એ. સિરાજુદ્દીન માટે ખાણકામ લાઇસન્સ મેળવવાના મામલે તેમના પર પક્ષપાત અને પ્રભાવના દુરુપયોગના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. આ વિવાદે સંસદ અને રાજકીય વર્તુળોમાં એક મોટો મુદ્દો ઉભો કર્યો હતો. આરોપો બાદ સરકાર પર વધતા દબાણને કારણે માલવિયાએ નૈતિક જવાબદારી સ્વીકારીને પદ છોડવું પડ્યું હતું. જો કે, તેમણે તેમના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા.

લલિત નારાયણ મિશ્રા

લલિત નારાયણ મિશ્રા, જે તે સમયે રેલવે મંત્રી હતા. તેઓને રેલવે સંબંધિત નાણાકીય અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષે સંસદની અંદર અને બહાર સતત તેમની સામે પ્રશ્નો ઉઠાવ્યા, જેના કારણે તેઓને મંત્રી પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જો કે, બાદમાં મંત્રીમંડળમાં તેમને સામેલ કરવામાં આવ્યા હતા. જેના થોડા સમય પછી જાન્યુઆરી 1975માં બિહારના સમસ્તીપુરમાં બોમ્બ વિસ્ફોટમાં તેમનું અવસાન થયું હતું.

પવન કુમાર બંસલ

2013માં તત્કાલીન રેલવે મંત્રી પવન કુમાર બંસલને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જ્યારે તેમના ભત્રીજા વિજય સિંગલાની રેલવે બોર્ડમાં પદ મેળવવાના બદલામાં લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બંસલ આ કેસમાં સીધા આરોપી ન હતા. પરંતુ વિપક્ષે તેમના પર નૈતિક જવાબદારી સ્વીકારવાની માંગણીઓ તીવ્ર બનાવી અને વધતા રાજકીય દબાણ વચ્ચે બંસલે રેલવે મંત્રી પદ છોડી દીધું.

એમ.જે. અકબર

એમ.જે. અકબરે ઓક્ટોબર 2018માં વિદેશ રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. #MeToo ચળવળ દરમિયાન ઘણી મહિલા પત્રકારોએ તેમના પર જાતીય સતામણી અને અયોગ્ય વર્તનનો આરોપ લગાવ્યો હતો. આરોપો સામે આવ્યા પછી આ મામલો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો હતો. શરૂઆતમાં અકબરે આરોપોને નકારી કાઢ્યા હતા અને એક પત્રકાર સામે માનહાનિનો દાવો પણ દાખલ કર્યો હતો. પરંતુ વધતા જાહેર અને રાજકીય દબાણ વચ્ચે અકબરે તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.