India

ભારત સાથે વેપાર બંધ હોવા છતાં પાકિસ્તાન છૂપી રીતે મંગાવી રહ્યું છે સામાન, મદદગાર દેશનો થયો પર્દાફાશ

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
ભારત-પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર બંધ હોવા છતાં, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં પાકિસ્તાને ભારતમાંથી 5,876 કરોડ રૂપિયાનો સામાન આયાત કર્યો છે, જે 69%નો ઉછાળો દર્શાવે છે. પુલવામા અને પહલગામ હુમલા બાદ પ્રતિબંધો છતાં, દવાઓ, રસાયણો જેવી ભારતીય વસ્તુઓની પાકિસ્તાનમાં ભારે માંગ છે. આ સામાન દુબઈ જેવા ત્રીજા દેશો મારફતે "ગ્રે-ઝોન સ્ટ્રેટેજી" દ્વારા પાકિસ્તાન પહોંચે છે, જ્યાં દસ્તાવેજો બદલીને કાયદાકીય પ્રતિબંધો ટાળવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત સાથે વેપાર બંધ હોવા છતાં પાકિસ્તાન છૂપી રીતે મંગાવી રહ્યું છે સામાન, મદદગાર દેશનો થયો પર્દાફાશ

Pakistan India Imports Spike FY 2026 27: ભારત અને પાકિસ્તાન વચ્ચે સત્તાવાર રીતે પ્રત્યક્ષ વેપાર સંપૂર્ણપણે બંધ હોવા છતાં, પાકિસ્તાન દ્વારા ભારતીય સામાનની આયાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પાકિસ્તાનના સેન્ટ્રલ બૅંકના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાન દ્વારા ભારતથી કરવામાં આવતી આયાતમાં 69%નો ભારે વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને ભારતમાંથી આશરે 5,876 કરોડ રૂપિયાનો સામાન મંગાવ્યો છે, જ્યારે સામે પક્ષે પાકિસ્તાને ભારતને એક પણ સામાનની નિકાસ કરી નથી.

વેપાર બંધ હોવા છતાં સામાન કેવી રીતે પહોંચી રહ્યો છે?

વર્ષ 2019ના પુલવામા હુમલા અને ત્યારબાદ 2025માં પહલગામ હુમલા બાદ સરહદો અને વેપાર પર કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. મે 2025માં પાકિસ્તાને પણ ભારત સાથેના વેપારને સ્થગિત કર્યો હતો. વિશેષજ્ઞો અને થિંક ટેન્ક 'ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટીવ'(GTRI)ના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ભારતીય પ્રોડક્ટ્સ જેમાં ખાસ કરીને દવાઓ, ફાર્માસ્યુટિકલ કાચો માલ, કેમિકલ્સ, પ્લાસ્ટિક અને કૃષિ ઉપકરણોની ભારે માંગ છે. આ માંગને પહોંચી વળવા માટે 'ગ્રે-ઝોન સ્ટ્રેટેજી'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કેવી રીતે કાયદાકીય પ્રતિબંધોથી થાય છે બચાવ?

ભારતમાંથી નિકાસ પામતો સામાન સીધો પાકિસ્તાન જવાના બદલે દુબઈ, સિંગાપોર કે શ્રીલંકા જેવા ત્રીજા દેશના બંદરો પર મોકલવામાં આવે છે. આ ટ્રાન્ઝિટ હબ્સમાં માલના દસ્તાવેજો અને પેકેજિંગ લેબલ્સ બદલીને 'કંટ્રી ઓફ ઓરિજિન' તરીકે ભારતની જગ્યાએ યુએઈ કે અન્ય દેશ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નવા કાગળો સાથે આ માલ પાકિસ્તાન મોકલી દેવામાં આવે છે, જેથી કાયદાકીય પ્રતિબંધોથી બચી શકાય. આ રિપોર્ટ સાબિત કરે છે કે, સત્તાવાર પ્રતિબંધો છતાં પાકિસ્તાની બજારની મૂળભૂત જરૂરિયાતો અને દવાઓ જેવી આવશ્યક ચીજો માટે આજે પણ ભારતીય ઉત્પાદનો પર નિર્ભર રહેવું પડે છે.