અયોધ્યા રામ મંદિર દાન ચોરી કૌભાંડમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ: કોંગ્રેસનો PM મોદીને પત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir Donation Theft Controversy : કોંગ્રેસે અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે આજે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે દાન ચોરીના મામલાની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવાની માંગ કરી છે.
કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે વિશ્વાસઘાત થયો : વેણુગોપાલ
વેણુગોપાલે પત્રમાં લખ્યું છે કે, રામ મંદિરમાં દાનની ચોરી થવાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. કરોડો શ્રદ્ધાળુઓએ પોતાની મહેનતની કમાણી ભગવાન શ્રી રામના નામે દાન કરી હતી, પરંતુ આ આસ્થા સાથે વિશ્વાસઘાત થયો છે.
‘જવાબદારી સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની’
તેમણે એવું પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સાર્વજનિક ભૂમિ પર અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરના સંચાલન માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ટ્રસ્ટની પણ રચના કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મંદિર વહીવટીતંત્ર અને તેની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારના દાયરામાં આવે છે.
‘ચોરીની અગાઉથી ચેતવણી છતાં નજરઅંદાજ કરાઈ’
કોંગ્રેસ મહાસચિવે આક્ષેપ કર્યો છે કે, કથિત ચોરીને લઈને અગાઉ અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવી. તેમણે દાવો કર્યો છે, જવાબદાર લોકોએ જાણીજોઈને કોઈ કાર્યવાહી કરી નથી, જેના કારણે કરોડો રૂપિયાનો કથિત ગોટાળો કરવાની તક મળી.
મોટા આરોપીઓને બચાવવાનો પ્રયાસ : કોંગ્રેસ મહાસચિવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને લખાયેલા પત્રમાં કોંગ્રેસે SIT દ્વારા થઈ રહેલી તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા છે. વેણુગોપાલે કહ્યું કે, SIT દ્વારા અત્યાર સુધીમાં જે કાર્યવાહી કરવામાં આવી છે, તે આંખોમાં ધૂળ નાખવા જેવી છે. એવું લાગી રહ્યું છે કે, મોટા આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવા કોંગ્રેસની માંગ
કોંગ્રેસે દાવો કર્યો છે કે, દાન ચોરીની ઘટના માત્ર નાણાંકીય ગેરરીતિનો મામલો જ નહીં, ધાર્મિક આસ્થાના રાજકીય અને આર્થિક ઉપયોગનો ગંભીર મુદ્દો છે. કોંગ્રેસે વડાપ્રધાનને માંગ કરી છે કે, દાન ચોરીની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ, તાત્કાલીક અને નિષ્પક્ષ થવી જોઈએ, જેથી સત્ય સામે આવે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય.









