SC/ST અનામત બેઠકોમાં રોટેશનની માગણી ફગાવાઈ, સુપ્રીમ કોર્ટે કહ્યું- 'વિધાનસભા-સંસદ લેશે નિર્ણય'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court News : સુપ્રીમ કોર્ટે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠકોમાં સમયાંતરે ફેરબદલ કરવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની પીઠે સ્પષ્ટતા કરી છે કે, અનામત બેઠકોનું રોટેશન લાગુ કરવું એ સંસદ અને વિધાનસભાના અધિકાર ક્ષેત્રમાં આવે છે, ન્યાયતંત્રના નહીં.
'તમે ખોટો નંબર ડાયલ કર્યો છે, સંસદ પાસે માગ કરો'
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે અરજદારને ટકોર કરતાં કહ્યું કે, ‘તમે ખોટો નંબર ડાયલ કરી રહ્યા છો. હાલ વિરોધ પ્રદર્શન કરવાનો સારો મોસમ છે, તમે પણ અવાજ ઉઠાવી શકો છો.’ તેમણે સૂચન કર્યું કે મતદારોએ પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવો જોઈએ અને દબાણ કરવું જોઈએ કે જો સીમાંકન વ્યવસ્થામાં બદલાવ નહીં થાય તો તેઓ મત નહીં આપે.
'અદાલત સંસદનું ત્રીજું ગૃહ ન બની શકે'
જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ સ્પષ્ટ કર્યું કે બેઠકોનું સીમાંકન અને અનામત એ બંધારણીય પ્રક્રિયા છે. અદાલત કોઈ કાયદો રદ કરી શકે છે, પરંતુ નવી રોટેશન વ્યવસ્થા ઊભી કરવા માટે બંધારણને ફરીથી લખી શકે નહીં. અદાલત સંસદના ત્રીજા ગૃહની ભૂમિકા ભજવી શકે નહીં. અનામત બેઠકોને કારણે મતદારો પાસે ઉમેદવાર પસંદ કરવાના વિકલ્પો મર્યાદિત થઈ શકે છે, પરંતુ તેમનો મતદાનનો મૂળભૂત અધિકાર છીનવાતો નથી.
1972થી અનામત બેઠકો અંગે અરજદારે ઉઠાવ્યા સવાલ
અરજદારે સીમાંકન અધિનિયમ 2002ની કલમ 9(1)(c) અને વર્ષ 2008ના સીમાંકન પંચના અહેવાલનો હવાલો આપી દલીલ કરી હતી કે દેશમાં અનેક બેઠકો વર્ષ 1972થી અનામત છે, જેના લીધે ચોક્કસ પરિવારો જ ચૂંટણી લડતા રહે છે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પંચાયત અને પાલિકાના રોટેશન નિયમો સંસદીય બેઠકો પર લાગુ થઈ શકતા નથી અને બંધારણના અનુચ્છેદ 32 હેઠળ ન્યાયતંત્ર આવી નવી વ્યવસ્થા લાગુ કરવાનો આદેશ આપી શકે નહીં.




