Get The App

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન 1 - image


Rajnath Singh Energy Supply Review: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સોમવારે નવી દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રાલય જૂથ(IGoM)ની 5મી મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઊર્જા સપ્લાય ચેઇન સામેના જોખમો અને દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો હતો.

સપ્લાય ચેઇન ખોરવાય નહીં તે માટે સરકાર સજ્જ

બેઠક દરમિયાન રક્ષામંત્રીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે સરકારે અછત રોકવા માટે મજબૂત પગલાં લીધા છે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, "હું લોકોને શાંત રહેવા અને કોઈપણ પ્રકારનો ગભરાટ (Panic) ટાળવા વિનંતી કરું છું. સરકાર સપ્લાય ચેઇનમાં આવતી રુકાવટોને રોકવા અને જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં ભરી રહી છે."

વડાપ્રધાન મોદીની અપીલ

રક્ષામંત્રીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સંદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને દેશવાસીઓને ઊર્જા અને બળતણની બચત કરવા માટે આહ્વાન કર્યું છે. રાજનાથ સિંહે આ અંગે જણાવ્યું કે, વૈશ્વિક વિક્ષેપો અને પડકારોનો સામનો કરવા માટે લોકોની સામૂહિક ભાગીદારી અત્યંત જરૂરી છે. વડાપ્રધાનની આ અપીલ ભારતને ઊર્જા સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફનું એક મહત્ત્વપૂર્ણ કદમ સાબિત થશે. મુશ્કેલ વૈશ્વિક સમયગાળા દરમિયાન સંસાધનોનું સંરક્ષણ કરવું એ વડાપ્રધાનનો વ્યાપક અને મહત્ત્વનો સંદેશ છે.

શા માટે આ બેઠક મહત્ત્વની છે?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ અને સપ્લાય ચેઇન પર અસર પડવાની સંભાવના છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોવાથી, આંતરિક બજારમાં કિંમતો સ્થિર રાખવી અને માલસામાનની તંગી ન સર્જાય તે જોવું સરકાર માટે પ્રાથમિકતા છે. આ બેઠકમાં ઊર્જા મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી, જેમાં ભવિષ્યની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.