જમ્મુ-કાશ્મીરના રાજૌરી-પૂંછમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, 10થી વધુ લોકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu and Kashmir Flood : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે 1:00 થી સવારના 6:00 વાગ્યા દરમિયાન થયેલા અતિભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. મૂશળધાર વરસાદને કારણે સ્થાનિક દરહાલી નદી (રાજૌરી નદી) નું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું, જેના પાણી નજીકની બેલા કોલોનીમાં ઘૂસી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અને ત્યાં ફસાયેલા અસંખ્ય પરિવારો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા. આ ઉપરાંત, બેલા બસ સ્ટેન્ડ અને પાર્કમાં ઉભેલા ડઝનબંધ વાહનો પૂરના ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગયા હતા. જ્યારે રાજૌરીની સાથે પૂંછ જિલ્લામાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડ અને ભયાનક ભૂસ્ખલને ભારે તબાહી મચાવી દીધી છે. કુલ મૃત્યુઆંક પણ વધીને 10ને વટાવી ગયો છે. અનેક લોકો ગુમ હોવાની પણ માહિતી સામે આવી રહી છે. પૂંછમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.
માંજાકોટમાં વાદળ ફાટ્યું, કબ્રસ્તાન ધોવાઈ ગયું
રાજૌરીના માંજાકોટ તહસીલ હેઠળ આવતા કોટલી કલાબન અને ગોલીનારી વિસ્તારોમાં વાદળ ફાટવાની (Cloudburst) ઘટના બની છે. વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં સ્થાનિક કબ્રસ્તાન સંપૂર્ણપણે ધોવાઈને નજીકના વોંકળામાં વહી ગયું હતું, જેના લીધે અનેક કબરો નષ્ટ થઈ ગઈ છે. આ અભૂતપૂર્વ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ગમગીની અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય થન્ના મંડી સબ-ડિવિઝનના ચુરુંગ, રાજધાની અને બેહરોટ વિસ્તારો પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે, જ્યાં એક ક્રશર યુનિટમાં કામ કરતા મજૂરો ફસાયા હોવાની માહિતી છે.
માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત, કટરામાં ભક્તોની ભીડ
બીજી તરફ, કટરા અને આસપાસના વિસ્તારોમાં પણ રાતભર મૂશળધાર વરસાદ ચાલુ રહેતાં સુરક્ષાના ભાગરૂપે પ્રખ્યાત માતા વૈષ્ણોદેવીની યાત્રા સતત સ્થગિત રાખવામાં આવી છે. વરસાદના કારણે વૈષ્ણોદેવીના મહત્ત્વના બેટરી કાર માર્ગ પર જગ્યાએ-જગ્યાએ મોટા ખડકો, પથ્થરો અને કાદવ-મલબો પડ્યો છે, જ્યારે ભૈરવ ઘાટી માર્ગ પર પણ હળવું ભૂસ્ખલન (Landslide) થયું છે.
સેવાઓ બંધ: હાલ પૂરતી બેટરી કાર સેવા, હેલિકોપ્ટર સેવા તેમજ ઘોડા, પીઠ્ઠુ અને પાલખી જેવી તમામ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે.
શ્રદ્ધાળુઓ અટવાયા: કટડા ખાતેના તમામ રજિસ્ટ્રેશન કાઉન્ટરો બંધ રાખવામાં આવ્યા છે અને આશરે 15000 જેટલા યાત્રાળુઓ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈને કટરામાં રોકાયા છે.
નેશનલ હાઈવે બ્લોક, પ્રશાસન એલર્ટ પર
ભારે વરસાદના કારણે જખિયાની અને ચેનાની વચ્ચે નેશનલ હાઈવેની 'અપ-ટ્યુબ' (Up-Tube) પર અનેક જગ્યાએ માટી ધસી પડવાની અને પથ્થરો પડવાની ઘટનાઓ બની છે, જેને સાફ કરવાનું કામ NHAI દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બીજી તરફ 'ડાઉન-ટ્યુબ' પણ ક્ષતિગ્રસ્ત થતાં હાલ એક જ ટ્યુબ પરથી બંને તરફનો ટ્રાફિક પસાર કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) ગઈકાલે જ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી. હાલ પ્રશાસન દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો મોકલી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી-નાળાથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરાઈ છે.









