'હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ', ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા
Tibetan spiritual leader Dalai Lama: તિબેટીયન ધર્મગુરુ 14મા દલાઈ લામાએ શનિવારે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત વિશે અફવાઓ પર પૂર્ણવિરામ લાવતાં કહ્યું કે, 'લોકોની સેવા કરવા માટે હું કદાચ આગામી 30-40 વર્ષ સુધી જીવિત રહું તેવી આશા છે.' શનિવારે મેકલિયોડગંજમાં આવેલા મુખ્ય દલાઈ લામા મંદિર, ત્સુગ્લાગખાંગમાં તેમના 90મા જન્મ દિવસની પૂર્વે દીર્ધાયુ પ્રાર્થના સભામાં વાત કરતાં દલાઈ લામા તેનઝિન ગ્યાત્સોએ કહ્યું કે, 'મને સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, અવલોકિતેશ્વરના આશીર્વાદ મારી સાથે છે.'
આ પણ વાંચો: પૂંછમાં ભારતીય સેનાએ આતંકી ઠેકાણા કર્યા નષ્ટ, મોટા પ્રમાણમાં મળી આવ્યા હથિયારો
તિબેટીયન આધ્યાત્મિક નેતાએ કહ્યું કે, 'કેટલીક ભવિષ્યવાણીઓને જોતા મને લાગે છે કે, મારા પર અવલોકિતેશ્વરના આશીર્વાદ છે. મેં અત્યાર સુધીમાં સર્વ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. મને આશા છે કે, હું હજુ 30-40 વર્ષ જીવિત રહીશ. તમારી પ્રાર્થના અત્યાર સુધી ફળદાયી રહી છે. જોકે આપણે આપણો દેશ ગુમાવી દીધો છે અને આપણે ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છીએ, પરંતુ અહીં હું ધર્મશાલામાં રહેતાં ઘણા લોકોને લાભ આપવામાં સક્ષમ રહ્યો છું. હું શક્ય તેટલો લોકોને લાભ અને સેવા આપવાની ભાવના રાખું છું.'
રવિવારે કેક કાપીને દલાઈ લામા અનુયાયીઓને આપશે આશીર્વાદ
નોંધનીય છે કે, તિબેટિયન ધર્મગુરુ 14મા દલાઈ લામા તેનઝિન ગ્યોત્સોના 90મા જન્મદિવસ પર મેક્લોડગંજમાં આજે બે દિવસીય કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ, હોલિવૂડ અભિનેતા રિચાર્ડ ગેરે અને અન્ય લોકો મુખ્ય તિબેટીયન મંદિર અને દલાઈ લામાના નિવાસ સ્થાને હાજર રહ્યા હતા. 14મા દલાઈ લામાનો 90મો જન્મદિવસ સત્તાવાર રીતે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે 6 જુલાઈએ ઉજવવામાં આવે છે. લગભગ 48 દેશોમાંથી હજારો બૌદ્ધ અને દલાઈ લામાના અનુયાયીઓ ધર્મશાલા પહોંચી ચૂક્યા છે. આ કાર્યક્રમને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સંપૂર્ણપણે સક્રિય છે. જોકે, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ પણ ધર્મશાલા આવી રહ્યા હતા, પરંતુ અચાનક તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.