Cyclone Arnab: 150 કિ.મી.ની ઝડપે ત્રાટક્યું અર્નબ વાવાઝોડું, ઓડિશા-આંધ્રપ્રદેશમાં વેર્યો વિનાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cyclone Arnab Live: ભયાનક વાવાઝોડું અર્નબ આખરે ભારતના બે મોટા રાજ્યોના દરિયાકાંઠે લેન્ડફોલ કરી ગયું. મંગળવારે મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ આ વાવાઝોડું ત્રાટકતાં 150 કિ.મી.ની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારતીય હવામાન વિાભગના અહેવાલ અનુસાર અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.
આંધ્ર પ્રદેશમાં તબાહીના દ્રશ્યો, વિશાખાપટ્ટનમ અને ગોદાવરી જિલ્લામાં રસ્તાઓ જળમગ્ન
ચક્રવાત 'અર્નબ' ના કારણે વિશાખાપટ્ટનમના આર.કે. બીચ પર ભયાનક મોજાં અને ઝડપી પવનો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે અનકાપલ્લી, કાકીનાડા, કોનસીમા, પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં 100 મિલીમીટરથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. વિશાખાપટ્ટનમમાં સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો છે. અનેક ઘરોની દીવાલો અને છતોને ભારે નુકસાન પહોંચ્યું છે.
વહેલી સવારે જ શરૂ થઈ ગઈ લૅન્ડફોલની પ્રક્રિયા
ભારતીય મોસમ વિભાગ (IMD) ના તાજેતરના બુલેટિન મુજબ, 'અર્નબ' વાવાઝોડું અપેક્ષા કરતાં વધુ ઝડપથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી આગળ વધીને આંધ્રના તટ પર ત્રાટક્યું હતું. લૅન્ડફોલની પ્રક્રિયા 28 ઓક્ટોબર 2026ની વહેલી સવારે આશરે 01:20 વાગ્યે બાપટલાથી વિશાખાપટ્ટનમ વચ્ચે સ્થિત યનમ દક્ષિણે કાકીનાડા નજીક શરૂ થઈ ગઈ હતી.
વાવાઝોડાની તીવ્રતા અને દરિયાઈ તોફાન
પવનની ગતિ: લૅન્ડફોલ સમયે પવનની સતત ઝડપ 125 થી 135 કિમી/કલાક રહી હતી, જે એક ઝટકામાં 150 કિમી/કલાક ની ભયાનક સપાટીએ પહોંચી ગઈ હતી.
ઉંચા મોજાં: દરિયામાં 1.5 થી 2.5 મીટર સુધીની તીવ્ર તુફાની લહેરો ઉછળી રહી છે, જ્યારે ગોદાવરી નદીના મુખ પાસે 2 થી 3.5 મીટર ઉંચા મોજાં ઉછળવાની ભીતિ છે.
ઓડિશામાં અસર: આંધ્ર પ્રદેશ ઉપરાંત દક્ષિણ ઓડિશાના તટીય જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે ભયાનક વરસાદ ચાલુ છે.
રાહત અને બચાવ કામગીરી
સ્થાનિક તંત્ર અને પ્રશાસન દ્વારા તટીય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 84000 થી વધુ લોકોને સુરક્ષિત રીતે ખસેડીને રેસ્ક્યૂ શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે. લૅન્ડફોલની પ્રક્રિયા 3 થી 4 કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા હોવાથી કાકીનાડા, યનમ અને નરસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.




