India

ક્રૂડ ઓઇલ સસ્તું થયું, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે! શું છે ઓઇલ કંપનીઓનો પ્લાન?

By GS Team
26 Jun 20264 mins read
TukuTouch Logo
ઓઈલ માર્કેટિંગ કંપનીઓને માર્ચ-મે 2026 દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને LPG પર કુલ 1 લાખ કરોડનું નુકસાન થયું છે. કાચા તેલના ભાવ ઘટ્યા હોવા છતાં, સરકારી કંપનીઓ રિટેલ ભાવ ઘટાડશે નહીં. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે સપ્લાયમાં અડચણ અને ઊંચા ફ્રેટ કોસ્ટને કારણે વૈશ્વિક સ્તરે ઇન્વેન્ટરી ઘટી રહી છે, જેથી ભવિષ્યમાં કાચા તેલના ભાવ હજુ વધી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ ઓઇલ સસ્તું થયું, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે! શું છે ઓઇલ કંપનીઓનો પ્લાન?

Crude Oil Petrol Diesel Prices Issue : વર્તમાન સમયમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યુ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓને માર્ચ-મે 2026 દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને LPG પર કુલ મળીને 1 લાખ કરોડ રૂપિયાની અંડર-રિકવરી એટલે કે નુકસાન થઈ રહ્યુ છે. બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે, કાચા તેલની કિંમતો હજુ વધી શકે છે, કારણ કે વિશ્વભરમાં તેલનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. તાજેતરના દિવસોમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં સામાન્ય લોકોને કોઈ ફાયદો મળવાની આશા દેખાઈ રહી નથી. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો થયો હોવા છતાં, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા ટૂંક સમયમાં ઇંધણના રિટેલ ભાવ ઘટાડવામાં આવે તેવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી. રિફાઇનર્સ પશ્ચિમ એશિયામાં થયેલા સંઘર્ષ દરમિયાન ભારે નુકસાનની ભરપાઈ કરવા માંગે છે, અને સાથે જ શાંતિ કરારના અમલીકરણ પર પણ નજર રાખી રહ્યા છે.

નિષ્ણાતોના મતે, સરકારી ઓઈલ કંપનીઓ તાત્કાલિક ભાવ બદલે તેવી શક્યતા નથી. કંપનીઓ શાંતિ કરારના પરિણામોની રાહ જોશે, અને સ્થિતિનું અવલોકન કરશે. પહેલા આ નુકસાન દૈનિક 1,000 કરોડ રૂપિયા હતું, જે બાદમાં ઘટીને રોજનું 500-600 કરોડ રૂપિયા થઈ ગયું હતું. કંપનીઓનું નુકસાન ખૂબ વધારે હોવાથી, સરકાર OMCsને નુકસાનની ભરપાઈ કરવા માટે થોડો સમય આપી શકે છે.

મે મહિનામાં કંપનીઓને થયું 1,000 કરોડનું નુકસાન

નિષ્ણાતોના મતે મે મહિનામાં, OMCsને પેટ્રોલ, ડીઝલ અને LPGના વેચાણ પર દૈનિક કુલ 1,000 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ રહ્યું હતું. બાદમાં, સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 7.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યા બાદ, આ નુકસાન ઘટીને રોજનું 500-600 કરોડ રૂપિયા રહી ગયું હતું. માર્ચ-મે 2026 દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) પર કુલ અંડર-રિકવરીનો અંદાજ લગભગ 1 લાખ કરોડ રૂપિયા છે. જો ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત 90 ડોલર પ્રતિ બેરલથી નીચે રહેશે, તો વર્તમાન સ્તરથી અંડર-રિકવરીમાં કોઈ ખાસ વધારો થવાની સંભાવના નથી. શાંતિ કરારના અમલીકરણ અંગેની અનિશ્ચિતતાઓને કારણે એનર્જી માર્કેટમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.

LPGના ભાવમાં પણ તેજી

યુદ્ધની સ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે LPGની કિંમતોમાં પણ ઝડપી વધારો થયો છે. ભારતમાં LPG આયાત માટે બેન્ચમાર્ક ગણાતા સાઉદી અરામકો કોન્ટ્રેક્ટ પ્રાઇસમાં, ફેબ્રુઆરી-જૂન 2026 દરમિયાન 46% નો વધારો થયો હતો. માર્કેટ સપ્લાયમાં અડચણના જોખમ અને ઊંચા ફ્રેટ કોસ્ટ (પરિવહન ખર્ચ)ને કિંમતોમાં સામેલ કરી લીધા હતા. દિલ્હીના કિસ્સામાં, મે 2026માં ઘરેલું સિલિન્ડર પર અંડર-રિકવરી વધીને 651 રૂપિયા થઈ ગઈ હતી. જ્યાં કોમર્શિયલ LPGના ભાવ માર્કેટની સ્થિતિ મુજબ ઝડપથી બદલાયા, ત્યાં ઘરેલું ગ્રાહકો પર આની અસર મર્યાદિત રહી હતી. ખરીદી ખર્ચમાં થયેલા વધારાનો એક ભાગ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પોતે ઉઠાવ્યો હતો, જેનાથી માર્ચ-મે 2026 દરમિયાન LPG પર કુલ અંડર-રિકવરી લગભગ 22,000 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

સપ્લાયમાં હજુ પણ અછત

નિષ્ણાતોનું કહેવું છે કે, પશ્ચિમ એશિયાનું યુદ્ધ ખૂબ જ ગંભીર હતું, જેણે ગ્લોબલ માર્કેટમાંથી દરરોજ 10-11 મિલિયન બેરલ તેલની સપ્લાય ખતમ કરી દીધી હતી. વિશ્લેષકોના મતે, 'વિવિધ દેશો હવે ભવિષ્યની લડાઈ અથવા જીઓપોલિટિકલ ઝટકાઓથી થતા જોખમને ઘટાડવા માટે કાચા તેલનો સ્ટોક જમા કરશે. તેલની 6 mbd (મિલિયન બેરલ પ્રતિ દિવસ)ની અછત રહી છે. સભ્ય દેશોએ પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી 4 mbd તેલ સપ્લાય માર્કેટમાં મુક્ત કર્યું હતું. હવે આ દેશો બફર સ્ટોક બનાવવા અને લડાઈ કે કોઈ જીઓપોલિટિકલ તણાવ ફરીથી ઉભો થવાની સ્થિતિને પહોંચી વળવા માટે પોતાની ઇન્વેન્ટરી જમા કરશે અને 6 mbdના નુકસાનની ભરપાઈ કરશે.'

શું કિંમતોમાં વધારો થશે?

જાણકારોનું એવું પણ કહેવું છે કે, કાચા તેલના ભાવ હજુ વધી શકે છે. કારણ કે, વૈશ્વિક સ્તરે તેલની ઇન્વેન્ટરી ઘટી રહી છે. આવી સ્થિતિમાં, OMCs (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) દ્વારા ટૂંક સમયમાં રિટેલ ઇંધણના ભાવ ઘટાડવાની સંભાવના નથી. S&P ગ્લોબલ એનર્જી અનુસાર, 2026ના બીજા છ મહિનામાં આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો 80-90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની અપેક્ષા છે, કારણ કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે સપ્લાયમાં અડચણ આવ્યા બાદ, ગ્લોબલ ઓઈલ ઇન્વેન્ટરીમાં ઘટાડો ચાલુ છે. જોકે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખુલવાથી એનર્જી ફ્લોમાં સુધારો અને માર્કેટનો ભરોસો વધવાની આશા છે, પરંતુ માર્કેટના નિષ્ણાતો હજુ પણ એવું માની રહ્યા છે કે, બજારને સામાન્ય થવામાં અને ઇન્વેન્ટરીને ફરીથી ભરવામાં સમય લાગશે.

કંપનીઓનું માર્જિન ઘટ્યું

ઓઈલ સપ્લાયના નિષ્ણાતોના મતે, સપ્લાય અને કાચા તેલના ભાવ યુદ્ધ પહેલાના લેવલ પર આવવામાં ઓછામાં ઓછા બે ત્રિમાસિક ગાળા અથવા એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. ભારતમાં રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ એપ્રિલ 2022ની શરૂઆતથી મોટાભાગે સ્થિર રહ્યા છે, જેના કારણે માર્કેટિંગ માર્જિન ઘટ્યું છે, અને OMCsની બેલેન્સ શીટ પર દબાણ વધ્યું છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા દર્શાવે છે કે, વૈશ્વિક સ્તરે ઊંચી કિંમતો વચ્ચે, મે મહિનામાં રિફાઇનર્સ દ્વારા આયાત કરાયેલા તેલની સરેરાશ કિંમત 106.23 ડોલર અને એપ્રિલમાં 114.48 ડોલર હતી.