રાજકારણમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ CMની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Assembly Election 2028 : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah)એ રાજકારણમાં મોટી જાહેરાત કરી છે કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડે. મંડ્યામાં આપેલા નિવેદન અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમણે પોતાના ભવિષ્ય અને રાજકીય નિવૃત્તિ અંગે સ્પષ્ટતા કરી છે. તેમની આ જાહેરાત બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
ઉંમર અને સ્વાસ્થ્ય બન્યું મુખ્ય કારણ
સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, 'હું 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડું. હું હવે 79 વર્ષનો થઈ ગયો છું. આપણી સરકારનો કાર્યકાળ હજુ દોઢ વર્ષ બાકી છે, ત્યાં સુધીમાં હું 81-82 વર્ષનો થઈ જઈશ. મારું સ્વાસ્થ્ય હવે પહેલા જેવું રહ્યું નથી. હવે મારા માટે પહેલા જેવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરવું શક્ય નથી.'
રાજકારણમાં વધતું ભ્રષ્ટાચાર અને ચૂંટણી ન લડવાનો નિર્ણય
રાજકીય નિવૃત્તિનો સંકેત આપતાં તેમણે કહ્યું હતું કે, 'આજે રાજકારણમાં ભ્રષ્ટાચાર આવી ગયો છે. ઈમાનદાર રાજકારણ માટે હવે કોઈ જગ્યા બચી નથી. પહેલાં જ્યારે હું ચૂંટણી લડતો હતો, ત્યારે વિસ્તારના લોકો અમને પૈસા આપતા અને અમારી જીત સુનિશ્ચિત કરતા હતા. પરંતુ આજે એવી સ્થિતિ રહી નથી. હવે જો આપણે ચૂંટણી લડીએ તો લોકોને પૈસા આપવા પડે છે. આ જ વાતાવરણને જોઈને મેં ભવિષ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.'
50 વર્ષની રાજકીય સફર અને જનસેવાનો સંકલ્પ
પોતાના રાજકીય જીવનને યાદ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, '2028 સુધીમાં મારા રાજકીય જીવનના 50 વર્ષ પૂરા થઈ જશે. મેં 1978માં તાલુકા બોર્ડના સભ્ય તરીકે મારી રાજકીય સફર શરૂ કરી હતી. મેં હાર અને જીત બંને જોઈ છે, પરંતુ મને એ વાતનો સંતોષ છે કે મેં ક્યારેય મારા સિદ્ધાંતો વિરુદ્ધ કામ નથી કર્યું. પચાસ વર્ષ સુધી રાજ્યના લોકોએ મને પોતાના ગણીને પ્રેમ આપ્યો છે, જેનું દેવું હું મરતાં દમ સુધી ચૂકવી શકીશ નહીં. તેથી મારૂં બાકીનું જીવન પણ જનસેવાને જ સમર્પિત રહેશે.'









