વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો : સોનિયા ગાંધી સામે FIR
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- (પીટીઆઈ) નવી દિલ્હી : દેશમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની ઊજવણી પ્રસંગે કોંગ્રેસ મુખ્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં વંદે માતરમ્ના ગાન અંગે રાજકીય વિવાદ વકર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ મુખ્યાલય પર સંપૂર્ણ વંદે માતરમ્ના ગાનને અટકાવવાનો પ્રયત્ન કરીને રાષ્ટ્રીય ગીતનું અપમન કર્યાનો ભાજપે આક્ષેપ કર્યો છે. કર્ણાટક ભાજપના નેતા વિકાસ કે અને રાજગોપાલે સોનિયા ગાંધી વિરુદ્ધ ઉર્વા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. બીજીબાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે આઝાદીના દિવસે વંદે માતરમ્નું અપમાન કર્યું છે, તેણે જનતાની માફી માગવી જોઈએ. વંદે માતરમ્ના રચયિતા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વંશજ સુમિત્રો ચેટરજીએ સોનિયા ગાંધીએ કોઈપણ શરત વિના માફી માગવી જોઈએ તેવી અપીલ કરી છે.
દિલ્હીમાં ૮૦મા આઝાદી દિનની ઊજવણી પ્રંસગે કોંગ્રેસે મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સંપૂર્ણ વંદે માતરમ્ના ગાનને રોકવા માગતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો સામે સવાલો ઉઠાવતા ભાજપ કોંગ્રેસ પર આક્રમક બન્યો હતો. ભાજપે તેને વંદે માતરમ્ ગાનનું અપમાન ગણાવ્યું હતું.
જોકે, કોંગ્રેસે વંદે માતરમ્ના અપમાનનો ભાજપનો આક્ષેપ નકારી કાઢતા આ સમગ્ર વિવાદને ભાજપ વિદ્યાર્થી આંદોલન સહિતના મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાના પ્રયાસ સમાન ગણાવ્યો હતો. વંદે માતરમ્ના ગાન સમયે સોનિયા ગાંધીના ઈશારા અંગે ખુલાસો કરતા કોંગ્રેસે કહ્યું કે, સોનિયા ગાંધી માત્ર મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશીની વ્યવસ્થા કરવા અંગે વાત કરી રહ્યાં હતાં. તેમણે વંદે માતરમ્નું સંપૂર્ણ ગાનને રોકવાનો કોઈ પ્રયત્ન કર્યો નહોતો.
વંદે મારતમ્ના અપમાન મુદ્દે કર્ણાટકના મેંગ્લુરુ સ્થિત ઉર્વા પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતા વિકાસ કે અને રાજગોપાલે સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તેમણે ફરિયાદમાં વંદે માતરમ્ના ગાન સમયે સોનિયા ગાંધીના હાવ-ભાવને ટાંક્યા છે અને તેઓ સંપૂર્ણ ગાનને રોકવા માગતા હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે સોનિયા ગાંધીએ કોંગ્રેસ મુખ્યાલયમાં ધ્વજારોણ સમયે પક્ષના કાર્યકરોને સંપૂર્ણ વંદે માતરમ્નું ગાન રોકવા માટે ઈશારો કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ચિત્તૌડગઢમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યા હતા. આ સમયે તેમણે કહ્યું, ૧૫ ઓગસ્ટે ૮૦મા સ્વતંત્રતા દિવસે એક અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું હતું. આઝાદીના ૮૦ વર્ષે લાલ કિલ્લા પરથી વંદે માતરમ્નું ગાન થયું હતું. કોંગ્રેસે વંદે માતરમ્ને ભુલાવી દીધું હતું. આ ગીત ગાતા હજારો લાખો લોકો ફાંસીના ફંદા પર ચઢી ગયા, ગોળીઓ ખાધી, અનેક વર્ષ જેલમાં રહ્યા, પરંતુ વોટ બેન્કના રાજકારણમાં કોંગ્રેસે વંદે માતરમ્ને ભુલાવી દીધું.
તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકારે વંદે માતરમ્ને તેનું સન્માન પાછું અપાવતા તેને રાષ્ટ્ર ગાન જન ગણ મન સમકક્ષ દરજ્જો અપાવ્યો છે અને સંપૂર્ણ વંદે માતરમ્નું ગાન ફરજિયાત કર્યું છે. જોકે, કોંગ્રેસે સ્વતંત્રતા દિવસે વંદે માતરમ્નું અપમાન કર્યું છે. તેણે જનતાની માફી માગવી જોઈએ. કોંગ્રેસના મુખ્યાલય પર સંપૂર્ણ વંદે માતરમ્ ગવાતું હતું ત્યારે સોનિયા ગાંધીએ તેને રોકવાનું કહ્યું. અમે બધા ટીવી પર જોતા જ રહી ગયા.
પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા અને વંદે માતરમ્ ગીતના રચયિતા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પૌત્ર સુમિત્રો ચેટરજીએ કહ્યું કે, કોંગ્રેસ મુખ્યાલયમાં થયેલી ઘટનાએ પશ્ચિમ બંગાળના લોકોની ભાવનાઓને ઘેરી ઠેસ પહોંચાડી છે. તેમણે સોનિયા ગાંધીને આત્મમંથન કરવા અને પશ્ચિમ બંગાળના લોકોની કોઈપણ શરત વિના માફી માગવા અપીલ કરી છે.
સંપૂર્ણ વંદે માતરમ્નું ગાન ગવાતું હતું ત્યારે…
સોનિયા ગાંધીએ ઈશારો કર્યો અને વાતનું વતેસર થઈ ગયું
નવી દિલ્હી : દેશમાં ૮૦મા સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ મુખ્યાલય પર સમગ્ર દેશની જેમ આઝાદી દિનની ઊજવણીના ભાગરૂપે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના કાર્યકરો હાજર હતા. આ કાર્યક્રમમાં સંપૂર્ણ વંદે માતરમ્નું ગાન ગવાતું હતું ત્યારે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગેને કંઈક કહેતા હતા. ત્યાર પછી કોંગ્રેસના એક કાર્યકરે આવીને બંને સાથે વાત કરી તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોના કારણે સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલી કે કોંગ્રેસ નેતાઓએ વંદે માતરમ્નું અપમાન કર્યું છે અને વાતનું વતેસર થઈ ગયું…!









