India

કોંગ્રેસે સુનેત્રા પવાર પર ગંભીર ટિપ્પણી કરતા વિવાદ : ફડણવીસ-શિંદે સહિત અનેક નેતા ભડક્યા

By GS Team
4 Aug 20263 mins read
TukuTouch Logo
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર માટે 'ગૂંગી ગુડિયા' શબ્દ વાપરતા રાજકારણ ગરમાયું છે. બીડ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા મુદ્દે પત્રકારોના સવાલો વખતે NCP નેતા ધનંજય મુંડેએ તેમને રોક્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો. મહાયુતિના નેતાઓએ કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી છે, નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસના નિવેદનને નીચલા સ્તરનું ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસે સુનેત્રા પવાર પર ગંભીર ટિપ્પણી કરતા વિવાદ : ફડણવીસ-શિંદે સહિત અનેક નેતા ભડક્યા

Congress Controversial Remark On Sunetra Pawar : કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર માટે ‘ગૂંગી ગુડિયા’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ ટિપ્પણી બાદ રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને મહાયુતિના નેતાઓએ કોંગ્રેસ સામે મોરચો માંડીને જાહેર માફીની માગ કરી છે. બીજી તરફ, કોંગ્રેસે આ શબ્દનો બચાવ કરતા રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

બિડ જિલ્લાના કાયદો-વ્યવસ્થાના મુદ્દે પત્રકારો સુનેત્રા પવારને સવાલો પૂછી રહ્યા હતા. તે સમયે NCP નેતા ધનંજય મુંડે પત્રકારોને રોકતા નજરે પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસે સુનેત્રા પવાર માટે ‘ગૂંગી ગુડિયા’ શબ્દ વાપર્યો હતો.

કોંગ્રેસ માફી માંગે, નહીં તો આંદોલનની ચીમકી

મુંબઈ કાર્યાધ્યક્ષ મનીષા તુપેએ કોંગ્રેસના આ નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ કદાચ ઈતિહાસ ભૂલી ગયા છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ એક સમયે ‘ગૂંગી ગુડિયા’ કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પોતાના નેતૃત્વ અને નિર્ણયશક્તિથી પોતાને ‘આયરન લેડી’ તરીકે સ્થાપિત કર્યા હતા. જો કોંગ્રેસ જાહેર માફી નહીં માગે તો સમગ્ર મહારાષ્ટ્રમાં આંદોલન કરવામાં આવશે.

સીએમ દેવેન્દ્ર ફડણવીસના કોંગ્રેસ પર પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadnavis) પણ આ મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે કોંગ્રેસના નેતાઓ ખૂબ જ નીચલા સ્તરે ઉતરી આવ્યા છે. તેમને કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી, એટલે તેઓ માત્ર સુર્ખીઓ બટોરવા માટે આવા બયાન આપી રહ્યા છે. મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિમાં પહેલીવાર આટલી હીન કક્ષાનું રાજકારણ જોવા મળી રહ્યું છે.’

ધનંજય મુંડેએ સવાલો ઉઠાવ્યા

NCP નેતા ધનંજય મુંડેએ આક્ષેપ કર્યો હતો કે, ‘ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવારની ટીકા કોંગ્રેસના અધિકૃત પેજ પરથી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી પ્રત્યે કોંગ્રેસના મનમાં દ્વેષ છે. જો કોંગ્રેસે પોતાનો ઈતિહાસ જોયો હોત તો ખબર પડત કે ઈન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન હતા અને તેમણે સખત મહેનત કરી હતી. સુનેત્રા પવાર પણ ભવિષ્યમાં તેમનાથી વધુ કામ કરીને બતાવશે.’

સુનેત્રા પવારના ભત્રીજા રોહિત પવારે શું કહ્યું?

સુનેત્રા પવારના ભત્રીજા અને NCP (શરદચંદ્ર પવાર)ના નેતા રોહિત પવારે આ ઘટનાક્રમ અંગે કહ્યું હતું કે, આ આખી બાબતને તેના યોગ્ય સંદર્ભમાં જોવી જોઈએ. એક પત્રકાર સવાલ પૂછવા માંગતો હતો પરંતુ સ્થાનિક નેતાએ તેમને રોકી દીધા અને સુનેત્રા પવારે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી. તેમણે ઉમેર્યું હતું કે, ઈન્દિરા ગાંધીના વિરોધીઓ પણ તેમને ‘ગૂંગી ગુડિયા’ કહેતા હતા, પરંતુ તેમણે પોતાના કામથી વિરોધીઓને ખોટા સાબિત કર્યા હતા.

કોંગ્રેસે શરમ અનુભવવી જોઈએ : એકનાથ શિંદે

ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ કોંગ્રેસની ટિપ્પણીને સખત શબ્દોમાં નકારી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી સામે આવી ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસે શરમ અનુભવવી જોઈએ. આ રાજ્યની તમામ મહિલાઓનું અપમાન છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓએ બતાવી દીધું છે કે તેઓ શું કરી શકે છે.’

હર્ષવર્ધન સપકાળે કર્યો કોંગ્રેસનો બચાવ

કોંગ્રેસના મહારાષ્ટ્ર અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે આ શબ્દના ઉપયોગને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પત્રકારો સવાલો પૂછતા હતા ત્યારે ગુંડાટોળકીના આક્ષેપો ધરાવતા નેતા તેમને ચૂપ કરાવી રહ્યા હતા અને સુનેત્રા પવાર ચૂપચાપ ઊભા હતા. શું ‘ગૂંગી ગુડિયા’ કોઈ ગાળ છે? ના, તે એક વર્ણન છે જે તે સમયે તેમના મૌન પર બિલકુલ સાચું બેસે છે. જો તેઓ પોતાને દુર્ગા સાબિત કરવા માંગતા હોય તો તેમણે તુરંત નાણા વિભાગની જવાબદારી સંભાળવી જોઈએ અને ખેડૂતોના દેવા માફ કરવા જેવા મોટા નિર્ણયો લેવા જોઈએ.’

NCP પ્રવક્તા ઉમેશ પાટિલનો પલટવાર

NCP પ્રવક્તા ઉમેશ પાટિલે પલટવાર કરતા પૂછ્યું હતું કે, શું કોંગ્રેસ હવે અડકતરી રીતે એ સ્વીકારી રહી છે કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે કરાયેલી ટિપ્પણી યોગ્ય હતી? લોકશાહીમાં નીતિઓની આલોચના થઈ શકે, પરંતુ મહિલાઓનું અપમાન કરતી ભાષા શોભા આપતી નથી. ઈન્દિરા ગાંધીએ 1971ના બાંગ્લાદેશ યુદ્ધ અને નિર્ણાયક પગલાંઓથી આ ટીકાઓનો જવાબ આપ્યો હતો. કોંગ્રેસે આ ટિપ્પણી પાછી ખેંચવી જોઈએ.