મુખ્યમંત્રી નિતિશને રાજ્યસભામાં મોકલવાનો વિરોધ
પક્ષ કાર્યાલયે જ લલ્લનસિંહ મુર્દાબાદના નારા લાગ્યા નિતિશના પુત્ર નિશાંત અંતે જદયુમાં સામેલ
રવિવારે પટણામાં જદ(યુ)ના ટોચના નેતાઓની હાજરીમાં નિતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર જદ(યુ)માં જોડાયા હતા. પક્ષમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે મારા પિતાએ રાજ્યસભામાં જવાનો નિર્ણય લીધો છે, આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને અમે તેનું માન જાળવીશું, તેમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરતા રહીશું. હું સંગઠનને વધુ મજબુત બનાવવાની દિશામાં કામ કરીશ. નિશાંતનું પક્ષમાં અને રાજકારણમાં સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, કેટલાક કાર્યકર્તાઓ ઘોડા, પ્લેકાર્ડ સાથે આવ્યા હતા. પટણામાં નિશાંત કુમારની સાથે નિતિશ કુમારની તસવીરો લગાવાઇ હતી. જોકે પુત્રના જદ(યુ)માં જોડાવાના મહત્વના કાર્યક્રમમાં નિતિશ કુમાર હાજર નહોતા રહ્યા. નિશાંત કુમારે જદ(યુ)ના વરીષ્ઠ નેતા લલ્લનસિંહના આશિર્વાદ લીધા હતા.
દરમિયાન જદ(યુ)માં લલ્લનસિંહ વિરુદ્ધ કાર્યકર્તાઓમાં રોષ વધી રહ્યો છે, તેઓ લલ્લનસિંહને ભાજપના માણસ ગણાવી રહ્યા છે. પટણામાં એક કાર્યકર્તાએ પક્ષના કાર્યાલયે જ લલ્લનસિંહ મુર્દાબાદના નારા લગાવ્યા હતા તો લલ્લનસિંહના સમર્થક કાર્યકર્તાઓએ તેને માર માર્યો હતો. બાદમાં સામસામે લાફાવાળી થઇ હતી, આ વિવાદ સમયે પક્ષના ટોચના નેતાઓ કાર્યાલયે હાજર રહ્યા હતા, જ્યારે પોલીસે વચ્ચે પડીને કાર્યકર્તાઓને અલગ પાડવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અગાઉ પણ બિહારમાં નિતિશ કુમાર સમર્થક કાર્યકર્તાઓએ નિતિશ કુમારના રાજ્યસભામાં જવાનો વિરોધ કર્યો હતો અને હામ જાન દે દેંગે લેકિન નિતિશ કો નહીં જાને દેંગેના નારા પણ લગાવ્યા હતા.


