ભત્રીજાનો જન્મ, કાકાનું મોત અને બહેનનાં લગ્ન... કોંગ્રેસના 60 નેતાઓના સસ્પેન્શન પાછળનાં કારણો ચર્ચામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madhya Pradesh Youth Congress Suspension : દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાયેલી INDIA બ્લોકની રેલીમાં ગેરહાજર રહેવું મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસના 60 હોદ્દેદારોને ભારે પડ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓએ સંબોધેલી આ રેલીમાં હાજર ન રહેવા બદલ યુથ કોંગ્રેસે મધ્યપ્રદેશના 60 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. જોકે, સસ્પેન્ડ થયેલા કેટલાક નેતાઓએ ગેરહાજરી પાછળ લગ્ન, પરિવારમાં મૃત્યુ, લાંબા સમય બાદ બાળકનો જન્મ અને બીમારી જેવાં કારણો આપ્યાં હતા. સાથે જ કાર્યવાહી કરતાં પહેલાં ખુલાસો માગવો જોઈતો હતો તેવી દલીલ પણ કરી છે.
9 જિલ્લા પ્રમુખ સહિત 60 હોદ્દેદારો સામે કાર્યવાહી
3 નવેમ્બરની તારીખે જાહેર કરાયેલા આદેશ મુજબ, સસ્પેન્ડ થયેલા હોદ્દેદારોમાં 9 જિલ્લા પ્રમુખ, 5 ઉપપ્રમુખ, 14 મહામંત્રી અને 32 સચિવનો સમાવેશ થાય છે. આ સસ્પેન્શન આગામી આદેશ સુધી અમલમાં રહેશે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી આ રેલીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરવામાં આવી હતી. કોંગ્રેસ અને INDIA બ્લોકના સાથી પક્ષો માટે આ રેલી શક્તિપ્રદર્શન સમાન હતી. યુથ કોંગ્રેસના નેતૃત્વએ હોદ્દેદારોની ગેરહાજરીને સંગઠનાત્મક શિસ્તભંગ ગણાવી હતી. સંગઠનના રાષ્ટ્રીય નેતૃત્વની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોઈએ ભત્રીજાના જન્મ તો કોઈએ કાકાના મોતનું કારણ આપ્યું
મૈહરના યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૌરભ શર્માએ જણાવ્યું કે તેમના મોટા ભાઈને 12 વર્ષ બાદ પુત્રનો જન્મ થયો હતો. આ પ્રસંગે કાર્યક્રમ હોવાથી તેઓ રેલીમાં જઈ શક્યા નહોતા. તેમણે દાવો કર્યો કે આ અંગે રાજ્ય પ્રમુખ અને અન્ય હોદ્દેદારોને જાણ કરી હતી અને આમંત્રણ પણ આપ્યું હતું. શર્માના જણાવ્યા અનુસાર, તેઓ સંગઠનના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપતા રહ્યા છે અને સસ્પેન્શનના નિર્ણય સામે અપીલ કરશે. યુથ કોંગ્રેસના મહામંત્રી રોહિત રાજૌરિયાએ કાકાના નિધનને કારણે રેલીમાં હાજર ન રહી શક્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે આ અંગે રાજ્ય પ્રમુખ અને યુથ કોંગ્રેસના અન્ય એક હોદ્દેદારને જાણ કરીને મંજૂરી પણ માગી હતી.
બીમારી અને બહેનનાં લગ્ન પણ કારણ બન્યાં
અનૂપપુરના યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મનવેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે તબિયત ખરાબ હોવાથી તેઓ દિલ્હી જઈ શક્યા નહોતા. જોકે, તેમણે સ્વીકાર્યું કે રાજ્ય નેતૃત્વને પોતાની ગેરહાજરી અંગે જાણ કરી નહોતી. તેમણે આને કોમ્યુનિકેશનની ખામી ગણાવી અને નેતૃત્વ સમક્ષ પોતાનો ખુલાસો રજૂ કરવાની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેમની આખી ટીમ રેલીમાં ગઈ હતી અને તમામ માટે ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉપપ્રમુખ રાજવીર સિંહ કુડિયા અને મહામંત્રી સુમન મૌર્યાએ પણ બીમારીને કારણે રેલીમાં હાજર ન રહી શક્યાં હોવાનું જણાવ્યું હતું. કુડિયાએ પોતાની તબિયત ખૂબ ખરાબ હોવાની વાત કરી હતી, જ્યારે મૌર્યાએ બદલાતા હવામાનને કારણે તાવ, ઉધરસ અને શરદી થયાં હોવાનું કહ્યું હતું. મૌર્યાના જણાવ્યા અનુસાર, તબિયત ખરાબ હોવાથી તેઓ કોઈનો ફોન પણ ઉઠાવી શક્યાં નહોતાં.
યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ શિવરાજ સિંહ યાદવે પોતાની નાની બહેનનાં લગ્ન હોવાથી રેલીમાં ન જઈ શક્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પરિવારમાં એકમાત્ર ભાઈ હોવાથી લગ્નની અનેક જવાબદારીઓ તેમની પાસે હતી. આ અંગે તેમણે વરિષ્ઠ નેતાઓને જાણ કરી હોવાનું પણ જણાવ્યું હતું.
નેતાઓએ કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ
સસ્પેન્ડ થયેલા કેટલાક હોદ્દેદારોએ કાર્યવાહી પહેલાં કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માગવો જોઈતો હતો તેવી દલીલ કરી છે. સૌરભ શર્માએ કહ્યું કે જેમની પાસે ગેરહાજરી માટે યોગ્ય કારણ નહોતું તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જેમની પાસે વાજબી કારણો હતાં તેમને સસ્પેન્ડ કરવા યોગ્ય નથી.
બીજી તરફ, મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસનાં પ્રભારી શિવી સિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી હતી કે હોદ્દેદારોની હાજરી અને નેતૃત્વ સાથે અગાઉ થયેલા સંદેશાવ્યવહારના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, જેમણે પોતાની ગેરહાજરી અંગે અગાઉથી જાણ કરી હતી તેમની સામે પગલાં લેવાયાં નથી. કાર્યવાહી માત્ર એવા હોદ્દેદારો સામે થઈ છે જેઓ રેલીમાં આવ્યા નહોતા અને જેમણે ગેરહાજરી અંગે જાણ પણ કરી નહોતી.




