India

સ્કૂલની આસપાસ હવે નહીં વેચી શકાય જંક ફૂડ?, બાળકોના સ્વાસ્થ્ય માટે FSSAI લાગુ કરવા જઈ રહી છે નવો નિયમ

By GS Team
24 Sep 20263 mins read
TukuTouch Logo
બાળકો ઘણીવાર ઘરનો પૌષ્ટિક ખોરાક ખાવાને બદલે સ્કૂલોની બહાર મળતા ચિપ્સના પેકેટ કે સસ્તા પિઝા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. બાળકોની આ બિનઆરોગ્યપ્રદ ટેવ અને તેમનામાં ઝડપથી વધી રહેલી સ્થૂળતા (મેદસ્વીતા) ને રોકવા માટે કેન્દ્ર સરકાર અને ફૂડ સત્તામંડળ કડક પગલાં ભરી રહ્યા છે. ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટથી (Food Safety and Standards Regulations, 2020)થી દેશની કોઈ પણ સ્કૂલોની આસપાસ વેચાતા જંક ફૂડ પર બ્રેક લાગવા જઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્કૂલની આસપાસ હવે નહીં વેચી શકાય જંક ફૂડ?, બાળકોના સ્વાસ્થ્ય માટે FSSAI લાગુ કરવા જઈ રહી છે નવો નિયમ

FSSAI's New Rule: તમારા બાળકો સ્કૂલમાં ભણતા હોય તો એક વાલી તરીકે આ સમાચાર તમારા માટે ખૂબ જ રાહત આપનારા છે. બાળકો ઘણીવાર ઘરનો પૌષ્ટિક ખોરાક ખાવાને બદલે શાળાની બહાર મળતા 10 રૂપિયાના ચિપ્સના પેકેટ કે 49 રૂપિયાના સસ્તા પિઝા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. બાળકોની આ બિનઆરોગ્યપ્રદ ટેવ અને તેમનામાં ઝડપથી વધી રહેલી સ્થૂળતા (મેદસ્વીતા) ને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક મોટું અને કડક પગલું ભરવા જઈ રહી છે.
‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) દ્વારા એક નવો નિયમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે, જેનાથી દેશની 15 લાખથી વધુ શાળાઓની આસપાસ વેચાતા જંક ફૂડ પર બ્રેક લાગશે.

FSSAIના નવો ડ્રાફ્ટ: 50-મીટરનો નવો નિયમ લાગુ કરવાની તૈયારી

FSSAIના નવા ડ્રાફ્ટ મુજબ, કોઈપણ શાળાની 50 મીટરની ત્રિજ્યામાં ચરબી, ખાંડ અને મીઠું (HFSS - High Fat, Sugar, and Salt) વધુ હોય તેવા ખોરાકના વેચાણ અને તેની જાહેરાતો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે.

શાળાની નજીક કઈ વસ્તુઓ વેચી શકાશે નહીં?

  • બર્ગર, પિઝા, નૂડલ્સ, સમોસા અને કચોરી જેવા ફાસ્ટ ફૂડ
  • ચિપ્સ અને અન્ય ખારા પેકેજ્ડ નાસ્તા
  • વધુ ખાંડવાળા ઠંડા પીણાં (કોલા, કાર્બોનેટેડ ડ્રિંક્સ)
  • ચોકલેટ અને વધુ ગળપણવાળી મીઠાઈઓ કે કેન્ડી

FSSAI એ નક્કી કરી છે ચોક્કસ મર્યાદા

કોઈપણ ખોરાકમાં ચરબી, મીઠું કે ખાંડ વધુ છે કે નહીં, તે નક્કી કરવા માટે FSSAI એ વર્ષ 2026 ના ડ્રાફ્ટમાં સ્પષ્ટ ગણતરી આપી છે.

  • ચરબી (Fat): પ્રતિ 100 ગ્રામ ખોરાકમાં 4.2 ગ્રામથી વધુ ચરબી ન હોવી જોઈએ.
  • ખાંડ (Sugar): પ્રતિ 100 ગ્રામમાં 3 ગ્રામથી વધુ ખાંડ ન હોવી જોઈએ.
  • મીઠું (Salt): પ્રતિ 100 ગ્રામમાં મીઠાનું પ્રમાણ 0.625 ગ્રામથી વધુ ન હોવું જોઈએ.

આવા કડક નિયમોની જરૂર શા માટે પડી?

આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ ભારતના બાળકોમાં વધી રહેલું વજન છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના ચોંકાવનારા આંકડા જોઈએ.

  • વર્ષ 2015 માં ભારતમાં 5 થી 19 વર્ષની વયના આશરે 2.8 કરોડ બાળકો વધુ વજનવાળા હતા.
  • વર્ષ 2025-26 માં આ આંકડો વધીને 4.1 કરોડથી વધુ થઈ ગયો છે.
  • જો આમ જ ચાલતું રહેશે, તો વર્ષ 2040 સુધીમાં ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા 5.6 કરોડ સુધી પહોંચી જશે.
    FSSAI ના CEO રજિત પુન્હાનીના જણાવ્યા અનુસાર, ‘આમારો મુખ્ય હેતુ બાળકોને નાની ઉંમરથી જ બિનઆરોગ્યપ્રદ ટેવોથી દૂર રાખીને તેમનામાં સ્વસ્થ ખોરાક ખાવાની આદત કેળવવાનો છે.’

દુકાનદારો અને મોટી કંપનીઓ પર શું અસર પડશે?

આ નિયમ લાગુ થવાથી શાળાઓની આસપાસ આવેલી કરિયાણાની દુકાનો, ફૂડ સ્ટોલ, રેસ્ટોરાં તેમજ પેપ્સીકો, કોકા-કોલા, નેસ્લે અને મોન્ડેલેઝ જેવી મલ્ટીનેશનલ કંપનીઓને સીધી અસર થશે.

  • દુકાનદારોની ચિંતા: દુકાનદારોનું કહેવું છે કે આ નિયમથી તેમની રોજની કમાણીમાં 30 થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે દુકાનદારો જંક ફૂડના બદલે હેલ્ધી ખોરાક વેચીને પોતાનો વેપાર ચાલુ રાખી શકે છે.
  • કંપનીઓએ રેસીપી બદલવી પડશે: નિષ્ણાતો માને છે કે ચિલી અને મેક્સિકો જેવા દેશોની જેમ, આ કાયદાને કારણે મોટી FMCG (Fast-Moving Consumer Goods) કંપનીઓને પોતાના પ્રોડક્ટ્સમાં મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ ઘટાડવાની ફરજ પડશે.

અમલીકરણમાં રહેલો પડકાર

ભારતીય ખાદ્ય વેપાર અને ઉદ્યોગ સંઘની દલીલ છે કે ભારતમાં ઘણી શાળાઓ ગીચ બજારોની વચ્ચે આવેલી છે, તેથી 50 મીટરનો નિયમ લાગુ કરવો વ્યવહારુ રીતે મુશ્કેલ છે.

મહારાષ્ટ્ર સરકારે તો કાર્યવાહી પણ શરૂ કરી દીધી!

કેન્દ્ર સરકાર હજુ આખા દેશ માટે નિયમો ફાઈનલ કરી રહી છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારે પહેલેથી જ કડકાઈ શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રના ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંધેના આદેશ અનુસાર શાળાઓની આસપાસ જંક ફૂડ વેચવા પર મનાઈ છે. ફૂડ ઇન્સ્પેક્ટરોએ ચેકિંગ કરીને અત્યાર સુધીમાં 133 દુકાનોમાં નિયમનું ઉલ્લંઘન પકડ્યું છે અને તેમાંથી 51 દુકાનોને તો બંધ કરવાનો આદેશ પણ આપી દેવાયો છે.

અંતિમ નિર્ણય હજુ બાકી છે

નોંધનીય છે કે 50 મીટરનો આ નિયમ હજુ દેશભરમાં સત્તાવાર રીતે લાગુ નથી થયો. FSSAI એ ઓક્ટોબર 2026 સુધી લોકો અને હિસ્સેદારો પાસેથી આ ડ્રાફ્ટ અંગે સૂચનો મંગાવ્યા હતા. લોકોના પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ આ કાયદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.