I.N.D.I.A. ગઠબંધનની મહારેલી પહેલા CJPનો મોટો નિર્ણય, કહ્યું- અમારું સમર્થન પણ અમે સામેલ નહીં થઈએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP and INDIA Protest : રાજધાની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે 1 નવેમ્બરના રોજ યોજાનારી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' (INDIA) ની વિશાળ મહારેલી પહેલાં રાજકીય પટલ પર એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ચૂંટણી પંચ અને કથિત 'વોટ ચોરી' વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સંસ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકેએ નવી દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રિમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ CJP એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિપક્ષના વિરોધ પ્રદર્શન અને આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ તેઓ રવિવારે રામલીલા મેદાનમાં રાજકીય પક્ષોના મુખ્ય મંચ પર સામેલ થશે નહીં અને પોતાની સ્વતંત્ર તથા નિષ્પક્ષ ઓળખ જાળવી રાખશે.
'CJP એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે, સમર્થન ચાલુ રહેશે'
મમતા બેનર્જી સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં દીપકેએ જણાવ્યું હતું કે, "જ્યારે જંતર-મંતર પર NEET પેપર લીક સામે અમારું પ્રથમ આંદોલન શરૂ થયું હતું અને દિલ્હી પોલીસ દ્વારા અમારા સાથીઓની અટકાયત કરાઈ હતી, ત્યારે મમતા દીદીએ યુવાનોને પૂરેપૂરું સમર્થન આપ્યું હતું. અમે માત્ર તેમનો આભાર માનવા આવ્યા હતા."
મહારેલીમાં ભાગીદારી અંગે તેમણે ઉમેર્યું હતું કે, "અમે રવિવારના વિરોધ પ્રદર્શનનું પૂરૂં સમર્થન કરીએ છીએ, પરંતુ CJP એક સ્વતંત્ર સંગઠન અને નિષ્પક્ષ પ્લેટફોર્મ છે. આ લડાઈ કોઈ એક સંગઠનની નથી અને કથિત 'વોટ ચોરી' વિરુદ્ધ લડનારા દરેક જૂથને CJP સમર્થન આપતી રહેશે."
CJP આ આંદોલનના જનક છે, મને તેમના પર ગર્વ છે: મમતા બેનરજી
દિલ્હી પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ CJP અને યુવાનોના પ્રયાસોની ખુલ્લી પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "તેમણે રવિવારની રેલીને પોતાનું પૂર્ણ સમર્થન આપ્યું છે અને અમે પણ તેમને પૂરો સહયોગ આપીએ છીએ. ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા સામે ચાલી રહેલા આ આંદોલનના જનક CJP ના આ યુવાનો જ છે. મને તેમના પર ખૂબ ગર્વ છે." આ સાથે જ મમતા બેનરજીએ CJP ની ટીમને પશ્ચિમ બંગાળ આવીને પોતાના કાર્યક્રમો યોજવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું.
મહારેલી પહેલાં CJP નો આ સ્ટેન્ડ કેમ મહત્ત્વપૂર્ણ?
NEET આંદોલનથી લઈને ચૂંટણી પંચ વિરોધી પ્રદર્શનો સુધી યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થયેલા CJP નો આ નિર્ણય રાજકીય રીતે અગત્યનો માનવામાં આવે છે. રામલીલા મેદાનની રેલીમાં મુખ્ય વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામા અને 'વોટ ચોરી' નો મુદ્દો ઉઠાવી રહ્યા છે. રાજકીય મંચ શેર ન કરીને CJP એ પોતાની યુવા-આધારિત અને બિન-રાજકીય ઓળખ જાળવી રાખવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.




