India

CEC-SIR વિરુદ્ધ CJPની મોટી જાહેરાત, 1 નવેમ્બરની રેલીમાં INDIA ગઠબંધનને આપ્યું સમર્થન

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP) એ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની રેલીને સમર્થન આપ્યું છે. CJP એ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) ને લઈને ચિંતા વ્યક્ત કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. પાર્ટીએ જણાવ્યું કે તેઓ બંધારણ દ્વારા મળેલા મતાધિકારના રક્ષણ માટે લડતા તમામ સંગઠનો સાથે ઊભા રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

CEC-SIR વિરુદ્ધ CJPની મોટી જાહેરાત, 1 નવેમ્બરની રેલીમાં INDIA ગઠબંધનને આપ્યું સમર્થન

CJP Supports INDIA Bloc : કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની રેલીને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. CJPએ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR)ને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેમજ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે. આ સમર્થન એવા સમયે સામે આવ્યું છે જ્યારે SIR ની પ્રક્રિયાને લઈને વિપક્ષી દળો અને ભાજપ વચ્ચે રાજકીય ઘર્ષણ ચાલી રહ્યું છે.

દેશમાં ન્યાય માટે અવાજ ઉઠાવતા તમામ સંગઠનો સાથે ઊભા રહીશું : CJP

CJPએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, 'અમે દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે અવાજ ઉઠાવતા તમામ સંગઠનો સાથે ઊભા રહીશું અને ઈન્ડિયા ગઠબંધનની 1 નવેમ્બરે યોજાનારી રેલીનું સમર્થન કરીએ છીએ. બંધારણે દરેક પુખ્ત નાગરિકને વોટ આપવાનો અધિકાર આપ્યો છે અને કોઈ પણ પાત્ર મતદાર આ અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.' આ સાથે પાર્ટીએ પોતાના સંદેશમાં 'જ્ઞાનેશ કુમારે જવું જ પડશે'નો નારો આપીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી છે.

‘લોકોમાં મતાધિકારથી વંચિત રહી જવાનો ભય વધ્યો’

SIR અંગે પાર્ટીએ નિવેદન આપ્યું છે કે, 'મતદારયાદીના સ્પેશિયલ સમરી રિવિઝનને કારણે પાત્ર મતદારોના નામો હટાવવા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. વોટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવાના બદલે લોકોમાં મતાધિકારથી વંચિત રહી જવાનો ભય વધી રહ્યો છે. ચૂંટણી પંચની જવાબદારી દરેક પાત્ર નાગરિકના વોટ આપવાના અધિકારનું રક્ષણ કરવાની છે, નહીં કે તેમાં અવરોધો ઊભા કરવાની. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે SIR દ્વારા લોકશાહીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવા માટે જરૂરી વિશ્વાસ ગુમાવી દીધો છે.'

CJP બંધારણ ઘડનારાઓને યાદ કરી EC પર સાધ્યું નિશાન

બંધારણ નિર્માતાઓને યાદ કરતા CJPએ જણાવ્યું છે કે, 'ડૉ. ભીમરાવ આંબેડકર, પંડિત જવાહરલાલ નેહરુ અને બંધારણ ઘડનારા અન્ય સભ્યોએ જાતિ, ધર્મ, લિંગ, શિક્ષણ કે આર્થિક સ્થિતિના ભેદભાવ વિના દરેક પુખ્ત નાગરિકને વોટ આપવાનો સમાન અધિકાર આપ્યો હતો. જ્યારે દેશના લાખો લોકોએ પહેલા ક્યારેય ચૂંટણીમાં ભાગ લીધો ન હતો, ત્યારે પણ તેમણે જનતા પર વિશ્વાસ મૂક્યો હતો. વધુમાં વધુ નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ, નહીં કે તેમને તેનાથી બહાર રાખવા જોઈએ.'

‘સરકાર પસંદ કરવાનો અધિકાર જનતા પાસે હોવો જોઈએ’

લોકશાહીના સિદ્ધાંતો વિશે CJPએ ઉમેર્યું છે કે, 'દરેક સરકાર અને બંધારણીય સંસ્થાની જવાબદારી સમાન રાજકીય અધિકારોના સિદ્ધાંતનું રક્ષણ કરવાની છે. લોકશાહીમાં સરકાર પસંદ કરવાનો અધિકાર જનતા પાસે હોવો જોઈએ, નહીં કે સરકાર પાસે એ નક્કી કરવાનો અધિકાર હોય કે કોણ વોટ આપી શકે છે. કોઈ પણ નાગરિકની સામાજિક કે આર્થિક સ્થિતિ તેના વોટ આપવાના અધિકારમાં બાધક ન બનવી જોઈએ.'