India

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત

By GS Team
15 May 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે એક સુનાવણી દરમિયાન બેરોજગારોને લઈને અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘દેશમાં કેટલાક બેરોજગાર યુવાનો વંદા જેવા છે, જે ‘મીડિયા’, સોશિયલ મીડિયા યુઝર્સ, RTI એક્ટિવિસ્ટ કે બીજા પ્રકારના કાર્યકરો બની જાય છે અને ત્યારબાદ સિસ્ટમ (વ્યવસ્થા) પર હુમલા કરવાનું શરૂ કરી દે છે.’ ચીફ જસ્ટિસે એક વરિષ્ઠ વકીલના દરજ્જાની માંગ કરી રહેલા એક વકીલને ઠપકો આપતી વખતે આ વાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત

CJI on Unemployed Activists: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે એક સુનાવણી દરમિયાન બેરોજગારોને લઈને અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘દેશમાં કેટલાક બેરોજગાર યુવાનો વંદા જેવા છે, જે ‘મીડિયા’, સોશિયલ મીડિયા યુઝર્સ, RTI એક્ટિવિસ્ટ કે બીજા પ્રકારના કાર્યકરો બની જાય છે અને ત્યારબાદ સિસ્ટમ (વ્યવસ્થા) પર હુમલા કરવાનું શરૂ કરી દે છે.’ ચીફ જસ્ટિસે એક વરિષ્ઠ વકીલના દરજ્જાની માંગ કરી રહેલા એક વકીલને ઠપકો આપતી વખતે આ વાત કરી હતી. 

સોશિયલ મીડિયાની ભાષાને લઈને લાલઘૂમ 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ સમક્ષ એક વકીલને 'સિનિયર એડવોકેટ'નો દરજ્જો આપવા સંબંધિત અરજીની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન કોર્ટે વિવિધ અવલોકન કર્યા હતા. કોર્ટે વરિષ્ઠ વકીલના પદ માટે આક્રમક રીતે દબાણ લાવવા બદલ અરજદાર વકીલની આકરી ઝાટકણી કાઢી હતી અને ફેસબુક પર તેમના દ્વારા કથિત રીતે ઉપયોગમાં લેવાયેલી ભાષા સહિતના વલણ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

આ અંગે બેન્ચે અરજદારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘આખી દુનિયા સિનિયર (એડવોકેટ) બનવા માટે પાત્ર હોઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછા તમે તો તેના માટે બિલકુલ લાયક નથી. જો દિલ્હી હાઈકોર્ટ તમને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપી પણ દેશે, તો પણ સુપ્રીમ કોર્ટ વ્યવસાયિક આચરણને ધ્યાનમાં રાખીને તેને રદ કરી દેશે.’

સોશિયલ મીડિયા યુઝર્સને પરજીવી કહી ઝાટકણી 

આ વકીલના સોશિયલ મીડિયા પરના વર્તનનો ઉલ્લેખ કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘સમાજમાં પહેલેથી જ એવા પરજીવીઓ (parasites) મોજુદ છે, જે સિસ્ટમ પર હુમલો કરે છે. શું તમે પણ તેમની સાથે હાથ મિલાવવા માંગો છો? કેટલાક યુવાનો વંદા જેવા હોય છે, જેમને કોઈ નોકરી મળતી નથી કે કોઈ વ્યવસાયમાં સ્થાન મળતું નથી. તેમાંથી કેટલાક ‘મીડિયા’ બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ, RTI એક્ટિવિસ્ટ કે બીજા કોઈ કાર્યકર બની જાય છે અને તેઓ દરેક લોકો પર આક્ષેપો અને હુમલા કરવાનું શરૂ કરી દે છે.’

વરિષ્ઠનો દરજ્જો માંગનારા વકીલને સવાલોનો મારો

આ મુદ્દે વધુ વાત કરતા બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિને વરિષ્ઠ વકીલનો દરજ્જો યોગ્યતા જોઈને અપાતું સન્માન છે, નહીં કે એવી વસ્તુ જેને મેળવવા માટે આ પ્રકારે આક્રમક પ્રયાસો કરવામાં આવે.’ ત્યાર પછી કોર્ટે સવાલ કર્યો કે, ‘તમે આ પદ મેળવવા પાછળ પડ્યા છો. શું આ યોગ્ય લાગે છે? શું વરિષ્ઠ વકીલનો દરજ્જો માત્ર દેખાડો કરવાનો એક સ્ટેટસ સિમ્બોલ છે? શું તમારી પાસે વકીલાતનું બીજું કંઈ કામ નથી? અને વરિષ્ઠ વકીલના દરજ્જાની અપેક્ષા રાખનારી વ્યક્તિ માટે શું આવું વર્તન શોભા આપે છે?’

વકીલોની ડિગ્રીઓ અંગે પણ ગંભીર શંકા

આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક વકીલો પાસે રહેલી ડિગ્રીઓની સત્યતા અને પ્રમાણિકતા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે જણાવ્યું હતું કે ‘કાળો કોટ પહેરતા ઘણાં વકીલોની ડિગ્રીઓની પ્રમાણિકતા પર ગંભીર શંકા હોવાને કારણે સુપ્રીમ કોર્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પાસે તેની ચકાસણી કરાવવાનું વિચારી રહી છે.’ ત્યાર પછી કોર્ટે કટાક્ષ કર્યો કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા આ મામલે કોઈ પગલાં નહીં ભરે કારણ કે તેમને તેમની વોટ બેંકની ચિંતા હોય છે.’ 

નોંધનીય છે કે, આ આકરી ટિપ્પણીઓ બાદ અરજદાર વકીલે બેન્ચની માફી માગી હતી અને અરજી પાછી ખેંચવાની મંજૂરી માંગી હતી. સુપ્રીમ કોર્ટે અરજી પાછી ખેંચવાની આ વિનંતીને ગ્રાહ્ય રાખી હતી.