પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- 'ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ'

China's Reaction To Putin's Visit To India : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)ની ભારત યાત્રા પર ચીને પહેલીવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ચીને આ મુલાકાતને સકારાત્મક ગણાવી કહ્યું છે કે ‘ભારત, ચીન અને રશિયા ત્રણેય દેશો ગ્લોબલ સાઉથનો મોટો અવાજ છે. ત્રણે દેશના મજબૂત સંબંધો માત્ર પોતાના હિતમાં જ નહીં, પરંતુ એશિયા અને સમગ્ર વિશ્વની શાંતિ અને સ્થિરતા માટે પણ જરૂરી છે.’
અમે ભારત-રશિયા સાથે મળીને સંબંધોને આગળ વધારવા તૈયાર : ચીન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે, ‘ભારત, રશિયા અને ચીન ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે અને ત્રણેય વચ્ચેનો વિશ્વાસ અને સ્થિરતા વૈશ્વિક સ્તરે સકારાત્મક અસર પેદા કરે છે. ચીન ભારત અને રશિયા બંને સાથે મળીને સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે.’
ભારત અને ચીન બંને રશિયાના નજીકના મિત્રો : પુતિન
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીન સતત રશિયા સાથે મજબૂત ભાગીદારી બનાવી રહ્યું છે. ચીને પુતિનની ભારત યાત્રા પર ખૂબ ધ્યાન આપ્યું હતું. પુતિને પણ ભારત પ્રવાસ પહેલા કહ્યું હતું કે, ‘ભારત અને ચીન બંને રશિયાના નજીકના મિત્રો છે અને મોસ્કો આ સંબંધોને ખૂબ મહત્વ આપે છે.’
ત્રણેય દેશોના સહયોગથી એશિયા-વિશ્વને ફાયદો
પૂર્વ લદ્દાખ વિવાદને કારણે ભારત-ચીન સંબંધો છેલ્લા કેટલાક સમયથી સંવેદનશીલ રહ્યા છે, પરંતુ પ્રવક્તા ગુઓએ કહ્યું કે, ‘અમે સંબંધો સુધારવા માંગીએ છીએ. ચીન ભારત સાથે સ્થિર અને મજબૂત સંબંધો સ્થાપિત કરવા તૈયાર છે, જેથી બંને દેશો અને તેમના લોકોને ફાયદો થઈ શકે. ત્રણેય દેશો વચ્ચે વધતા સહયોગના કારણે એશિયા અને વિશ્વની સ્થિરતાને ફાયદો થશે.’
વેપારને 100 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું ભારત-રશિયાનું લક્ષ્ય
આ પહેલા પુતિને કહ્યું હતું કે ‘રશિયાને ભારત અને ચીન વચ્ચેના કોઈપણ મુદ્દામાં દખલ કરવાનો કોઈ હક નથી અને બંને દેશો તેમના મતભેદો જાતે સંભાળવા સક્ષમ છે.’ પુતિનની મુલાકાત દરમિયાન ભારત અને રશિયાએ અનેક આર્થિક અને વ્યૂહાત્મક કરારો કર્યા છે અને 2030 સુધીમાં વેપારને 100 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો

