શેર માર્કેટમાં ઇન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! 5 દિવસમાં 16% ગાબડું, સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલચલ

IndiGo Airlines Share Down : ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો રદ થવાનો સિલસિલો આજે સાતમા દિવસે પણ યથાવત્ છે. રિપોર્ટ મુજબ, એરલાઇન્સે આજે વધુ 400 ફ્લાઇટો રદ કરી દીધી છે, જેના કારણે આજે પણ મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સંકટ એવું છે કે, ક્યાંક મુસાફરોની ફ્લાઇટો રદ થઈ રહી છે, તો કેટલીક ફ્લાઇટો વિલંબથી ચાલી રહી છે, જેના કારણે તેઓએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એટલું જ નહીં કંપની દ્વારા યોગ્ય સૂચના પણ આપવામાં આવી રહી નથી. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ઇન્ડિગોને શેર બજારમાં પણ મોટો ઝટકો લાગ્યો છે.
પાંચ દિવસમાં ઇન્ડિગોના શેરમાં 16%નું ગાબડું
આમ તો જ્યારથી ઇન્ડિગોનું સંકટ થયું છે, તેના પાંચ દિવસમાં તેનો સ્ટોક 16% સુધી ગગડી ગયો છે. પરંતુ આજે (8 ડિસેમ્બર) તેના સ્ટોકમાં મોટું ગાબડું પડ્યું છે. સવારે 9.15 કલાકે 4%ના ઘટાડા સાથે ઓપનિંગ થયેલા સ્ટોક લગભગ 9.40% સુધી ગગડી ગયો છે. આમ તેના સ્ટોકમાં સતત સાતમા દિવસે પણ ઘટાડો નોંધાયો છે. જ્યારે સોમવારે માર્કેટ શરુ થયું ત્યારે ઇન્ડિગોના સ્ટોક 4900 રુપિયા સુધી નીચે આવી ગયા હતા. તેના સ્ટોકનો ભાવ એક મહિનામાં લગભગ 13% ઘટી ગયો છે. જ્યારે એક વર્ષમાં 8%ની તેજી જોવા મળી છે. છેલ્લા ટ્રેડિંગમાં (5 ડિસેમ્બર) માર્કેટ બંધ થયું ત્યારે તેના સ્ટોકની કિંમત 5371.30 હતી, જ્યારે આજે માર્કેટ બંધ થયું ત્યારે તેનો ભાવ 4906 નોંધાયો છે, એટલે કે તેના શેરની કિંમતમાં 465.30 રુપિયા(8.66%)નો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : 12 સરકારી બેંકોનું મર્જર થશે તો કર્મચારીઓની નોકરીનું શું થશે, જાણો નાણામંત્રીનો પ્લાન
રવિવારે 650 ફ્લાઇટ રદ, 1650નું યોગ્ય સંચાલન
ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ ઇન્ડિગોની 650 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સહિત કુલ 2300 ફ્લાઇટમાં 1650 ફ્લાઇટનું યોગ્ય સંચાલન થયું હતું. એરલાઇન્સે કહ્યું હતું કે, તેના 138માંથી 137 ડેસ્ટિનેશન પર ફ્લાઇટનું સંચાલન શરુ થઈ ગયું છે. ગયા અઠવાડિયે 2000થી વધુ ફ્લાઇટ રદ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો ભારે પરેશાન થવાની સાથે અનેક ઍરપોર્ટ પર હોબાળો પણ થયો હતો. એરલાઇન્સે ગઈકાલે એવું પણ કહ્યું હતું કે, તેણે પ્રવાસીઓને 610 કરોડ રુપિયાનું રિફંડ ચૂકવી દીધું છે, જ્યારે લગેજની 3000 બેગ પ્રવાસીઓના સરનામે મોકલી દીધી છે. એટલે કે હવે ઇન્ડિગોના સંચાલનમાં સુધારો થઈ રહ્યો છે.
સમયસર નિમણૂક ન કરવાના કારણે એરલાઇન્સની સ્થિતિ બગડી !
વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સે ફ્લાઇટો રદ થવા પાછળ નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન(FDTL)’ના નિયમોનું કારણ આપ્યું હતું. આ નિયમ હેઠળ પાયલોટ અને ક્રુ મેમ્બરના ડ્યુટી અને આરામ સમયમાં ફેરફાર કરાયો છે. રિપોર્ટ મુજબ ઇન્ડિગોએ રોસ્ટર મુજબ પાયલટને ડ્યુટી આપી ન હતી. તેણે નાણાકીય વર્ષ 2025માં માત્ર 418 પાયલોટને સામેલ કર્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે, માત્ર નિયમોના કારણે ફ્લાઇટ રદ થઈ નથી, પરંતુ એરલાઇન્સે સમયસર નિમણૂકો પણ કરી નથી, જેના કારણે એરલાઇન્સની સ્થિતિ ખરાબ થઈ છે. બીજી તરફ ફ્લાઇટની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવી શકાય તે માટે ઇન્ડિગોએ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રૂપ બનાવ્યું છે.

