India

2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું

By GS TEAM
16 Apr 20262 mins read
2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું

- સતત ચાર વર્ષ અમેરિકા સૌથી મોટું વેપાર ભાગીદાર હતું

- ભારતે ચીનમાં કરેલી નિકાસ 19.47 અબજ ડોલર અને ચીન પાસેથી થયેલી આયાત 131.63 અબજ ડોલર

- ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને 112.16 અબજ ડોલર 

નવી દિલ્હી : ૨૦૨૫-૨૬માં ચીને અમેરિકાને પાછળ મૂકીને ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બની ગયો છે તેમ સરકાર દ્વારા જારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. 

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૧૫૧.૧ અબજ ડોલરે પહોંચી ગયો હતો. બીજી તરફ ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને ૧૧૨.૧૬ અબજ ડોલર થઇ ગઇ છે. 

ઉલ્લેખનીય છે કે ૨૦૨૪-૨૫ સુધી સતત ચાર વર્ષ અમેરિકા જ ભારતનો સૌથી મોટો ભાગીદાર હતો. 

ગત નાણાકીય વર્ષ દરમિયાન ભારતે ચીનમાં કરેલી નિકાસ ૩૬.૬૬ ટકા વધીને ૧૯.૪૭ અબજ ડોલર રહી હતી. જ્યારે ભારતે ચીન પાસેથી કરેલી આયાત ૧૬ ટકા વધીને ૧૩૧.૬૩ અબજ ડોલર રહી હતી. ચીન સાથે ભારતની વેપાર ખાધ ૨૦૨૪-૨૫માં ૯૯.૨ અબજ ડોલર હતી જે ૨૦૨૫-૨૬માં વધીને ૧૧૨.૧૬ અબજ ડોલર થઇ ગઇ છે. 

બીજી તરફ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ભારતે અમેરિકામાં કરેલી નિકાસ ૦.૯૨ ટકા વધીને ૮૭.૩ અબજ ડોલર રહી હતી. જ્યારે ભારતે ચીન પાસેથી કરેલી આયાત ૧૫.૯૫ ટકા વધીને ૫૨.૯ અબજ ડોલર રહી હતી.

૨૦૨૫-૨૬માં અમેરિકા સાથે ભારતનું ટ્રેડ સરપ્લસ ૩૪.૪ અબજ ડોલર રહ્યું છે. જે ૨૦૨૪-૨૫માં ૪૦.૮૯ અબજ ડોલર હતું.  વાણિજય મંત્રાલયનાં આંકડાઓ અનુસાર ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮ સુધી અને પછી ૨૦૨૦-૨૧માં ચીન જ ભારતનું સૌથી મોટો વેપાર ભાગીદાર હતો.