Private Plane Crash: છત્તીસગઢના જશપુર જિલ્લાની આરા ટેકરીઓમાં એક પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. ગ્રામીણોનો દાવો છે કે વિમાન નારાયણપુર વિસ્તારના રતનપહલી જંગલમાં વૃક્ષો સાથે અથડાઈને નીચે ખાબક્યું હતું, ત્યારબાદ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રાથમિક માહિતીમાં પાયલટ અને કો પાયલટનું મોત થયું હોવાના સમાચાર આવ્યા છે. જો કે, સ્થાનિક તંત્રએ બીજા દિવસે એટલે કે 21 એપ્રિલે આવા કોઈ પ્લેન ક્રેશના સમાચાર નકાર્યા હતા.
વૃક્ષો સાથે અથડાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત!
આ પહેલા છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે વિમાન દુર્ઘટનાના સમાચાર આવ્યા હતા. આ અહેવાલોમાં કહેવાયું હતું કે, આરા ટેકરીઓમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું છે. ગ્રામીણોના જણાવ્યા મુજબ આ ચાર્ટર્ડ પ્લેન જશપુરના નારાયણપુર વિસ્તારમાં આવેલા રતનપહલી જંગલમાં વૃક્ષો સાથે અથડાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ પહાડી વિસ્તારમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં તે પ્લેન ક્રેશના વીડિયો પણ જોવા મળ્યા હતા.
કેટલા લોકો હતા સવાર?
આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે, આ પ્લેન ક્રેશની ઘટના બની હતી કે નહીં તેમજ તેમાં કેટલા લોકો સવાર હતા તે જાણી શકાયું નથી.


