છત્તીસગઢ : સુકમામાં CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક નક્સલી ઠાર
Chhattisgarh Sukma Encounter : છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન CRPF અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સામે સામે થયેલા ગોળીબાર દરમિયાન સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે અને બે જવાનો ઘાયલ થયા છે. આ દરમિયાન એક નક્સલીને પણ ઠાર કરવામાં આવ્યો છે.
સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર
બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલીઓ હોવાની માહિતી મળ્યા બાદ સીઆરપીએફની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન નક્સલીઓએ તેમના પર અચાનક હુમલો કરી દીધો છે. અધિકારીઓએ કહ્યું કે, નક્સલીઓની માહિતી મળ્યા બાદ સુકમાના ડીઆરજી, એસટીએફ અને કમાન્ડેની સંયુક્ત ટીમોને સ્થળ પર મોકલાયા હતા. તેઓને નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાવ માટે મોકલાયા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.
કોબરા કમાન્ડો શહીદ
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘અથડામણમાં કોબરા કમાન્ડો શહીદ થયા છે. સુરક્ષાદળોએ એક નક્સલીને પણ ઠાર કર્યો છે. બે કોબરા કમાન્ડો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળતાં જ તેઓને ત્યાંથી હૉસ્પિટલ લઈ જવા માટે વાયુસેનાનું હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે.’
નારાયણપુરામાં 27 નક્સલીઓ ઠાર
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (21 મે) છત્તસીગઢના નારાયણપુરમાં જવાનોએ મોટું અભિયાન પાર પાડી નક્સલીઓનો વડો બસવરાજૂ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા હતા. તમામ નક્સલીઓના મૃતદેહને હેલિકોપ્ટરથી લવાયા છે. છત્તીસગઢમાંથી નક્સલીઓનો સફાયો કરવા માટે સુરક્ષા દળના જવાનો જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન સહિતની કાર્યવાહી કરી રહ્યા છે.