VIDEO : ચીને બનાવ્યું વિશાળકાય ડ્રોન કેરિયર, એક સેકન્ડમાં તીરની જેમ છોડ્યા સેંકડો નાના ડ્રોન
China Drone Carrier Jiu Tian : ચીને પોતાની સેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે વિશાળકાય ડ્રોન કેરિયર બનાવી વિશ્વભરને ચોંકાવી દીધું છે. ડિફેન્સ એક્સ્પોમાં રજૂ કરાયેલા આ ડ્રોન કેરિયરનું નામ જિઉ તિયાન (Jiu Tian) છે અને તે વિશાળકાય વિમાનની જેમ કામ કરે છે. વિમાન સાથેનું કેરિયર આકાશમાં ઉડીને એક જ સેકન્ડમાં 100 નાના ડ્રોન એક સાથે છોડવાની ક્ષમતા ધરાવે છે.
ડ્રોન કેરિયરમાં માત્ર હુમલા કરવાની જ નહીં, માહિતી લાવવાની પણ ક્ષમતા
ચીને ડ્રોન કેરિયરની અત્યાધુનીક ખાસીયત અંગે ચોંકાવનારી માહિતી આપી છે. તેણે કહ્યું કે, આ ડ્રોન કેરિયર એક સેકન્ડમાં 100 નાના ડ્રોન છોડવાની, ગુપ્ત માહિતી એકઠી કરવાની તેમજ દેખરેખ રાખવાની પણ ક્ષમતા ધરાવે છે. સાઉથ ચાઉના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, ચીન જૂન મહિનાથી નવા ડ્રોન કેરિયરનો ઉપયોગ શરૂ કરશે.
50,000 ફૂટ ઊંચે સુધી ઉડવાની ક્ષમતા
ડ્રોન કેરિયર જિઉ તિયાન 7,000 કિલોમીટર સુધી ઉડી શકે છે અને 50,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ડ્રોન કેરિયરથી છ ટન હથિયારો અને નાના ડ્રોન લઈ જવાની પણ ખાસીયત છે. વિશાળકાય ડ્રોન કેરિયર દ્વારા મિસાઈલો અને બોંબની જેમ ધડાધડ સેંકડો ડ્રોન છોડી શકાય છે. દાવા મુજબ ડ્રોન કેરિયર અનેક ડિફેન્સ સિસ્ટમથી બચવાની પણ ક્ષમતા ધરાવે છે.