India

દક્ષિણ ભારતમાં ભાજપ મુશ્કેલીમાં? કોંગ્રેસે વધારી ચિંતા, 2028ની ચૂંટણી પલટશે આખો ખેલ

By GS Team
28 Jun 20263 mins read
TukuTouch Logo
ભાજપ માટે દક્ષિણ ભારત રાજકીય પડકાર બન્યું છે, જ્યાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે. દક્ષિણના 5માંથી 4 રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે, જ્યારે ભાજપ પાસે એકપણ રાજ્ય નથી. કર્ણાટક અને તેલંગાણામાં 2028ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની છે, જે 2029ની લોકસભા ચૂંટણીનો માર્ગ નક્કી કરશે. ભાજપ દક્ષિણમાં પક્કડ જમાવવા રણનીતિ ઘડી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ભારતમાં ભાજપ મુશ્કેલીમાં? કોંગ્રેસે વધારી ચિંતા, 2028ની ચૂંટણી પલટશે આખો ખેલ

Politics News : આમ તો દેશના અનેક રાજ્યોમાં ભાજપે મજબૂત પક્કડ જમાવી દીધી છે અને કોંગ્રેસ એક પછી એક રાજ્યો ગુમાવી રહી છે. પરંતુ ભાજપ માટે સૌથી મોટી સમસ્યા દક્ષિણ ભારત સાબિત થઈ રહ્યું છે, જ્યાં પાર્ટી નબળી પડી રહી છે અને તેની કટ્ટર વિરોધી કોંગ્રેસ મજબૂત થઈ રહી છે. દક્ષિણ ભારતમાં અત્યાર સુધી એકમાત્ર કર્ણાટક રાજ્યમાં જ ભાજપ મજબૂત સ્થિતિમાં રહ્યું છે, જોકે ત્યાં પણ હાલ પાર્ટી આંતરિક જૂથબંધી અને સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ તમામ બાબતો વચ્ચે તેલંગાણા અને કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ખૂબ મહત્ત્વની સાબિત થઈ શકે છે. ભાજપે દેશના અન્ય ભાગોમાં કોંગ્રેસને નબળી પાડીને પોતાની સ્થિતિ મજબૂત કરી દીધી છે, પરંતુ દક્ષિણ ભારતનો રાજકીય ઘટનાક્રમ તેના માટે ગંભીર ચિંતા અને મંથનનો વિષય છે.

દક્ષિણના 4 રાજ્યોમાં કોંગ્રેસ, ભાજપ પાસે એકપણ રાજ્ય નહીં

વાસ્તવમાં કોંગ્રેસ જ્યારે પણ નબળી પડે છે ત્યારે તેને દક્ષિણ ભારતમાંથી નવું જીવન (સંજીવની) મળતું રહ્યું છે. દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાંથી ચારમાં કોંગ્રેસ સત્તા પર છે. કેરળ, તેલંગાણા અને કર્ણાટકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી છે, જ્યારે તમિલનાડુમાં તે ડીએમકે (DMK) ગઠબંધન સરકારમાં સામેલ છે. બીજી તરફ, ભાજપ પાસે દક્ષિણના એકપણ રાજ્યમાં પોતાના દમ પર સરકાર નથી. તે માત્ર આંધ્રપ્રદેશમાં તેલુગુદેશમ પાર્ટી (TDP) સાથે ગઠબંધન સરકારમાં ભાગીદાર છે. આ ઉપરાંત બે કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી અને લક્ષદ્વીપમાં પણ ભાજપ ગઠબંધન સરકારમાં છે. જો લોકસભાના આંકડા જોઈએ તો દક્ષિણ ભારતની કુલ 131 બેઠકોમાંથી ભાજપ પાસે માત્ર 29 બેઠકો છે.

દક્ષિણ ભારતમાં મજબૂત થવા ભાજપની વ્યુહરચના

ભાજપનો પ્રયાસ 2028માં તેલંગાણા અને કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતીને 2029ની લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો અને આગળ વધતી કોંગ્રેસને રોકવાનો છે. બીજી તરફ કોંગ્રેસ પણ પોતાના આ મજબૂત ગઢને બચાવવામાં જોતરાઈ ગઈ છે. અગાઉનો ઈતિહાસ જોઈએ તો કોંગ્રેસને દક્ષિણ ભારતમાંથી હંમેશા મજબૂતી મળતી રહી છે, જેણે અનેક પ્રસંગોએ તેના માટે સંજીવનીનું કામ કર્યું છે. ભાજપની મોટી સમસ્યા એ છે કે તે તમિલનાડુ અને કેરળમાં આગળ વધી શકતી નથી અને આંધ્રપ્રદેશમાં તે પ્રાદેશિક પક્ષના સહારે છે.

1977માં કોંગ્રેસના સૂપડા સાફ થયા ત્યારે પણ દક્ષિણે સાથ આપ્યો

વર્ષ 1977માં જ્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા અને ખુદ તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયા હતા, તે કટોકટીના સમયે પણ કોંગ્રેસને દક્ષિણ ભારતમાં મોટી સફળતા મળી હતી. ઈન્દિરા ગાંધીએ રાયબરેલીમાં હાર્યા બાદ કર્ણાટકના ચિકમંગલૂરથી પેટા-ચૂંટણી જીતીને લોકસભામાં પુનરાગમન કર્યું હતું. ત્યારબાદ 1980માં કોંગ્રેસે જ્યારે સત્તામાં વાપસી કરી ત્યારે પણ ઈન્દિરા ગાંધીએ આંધ્રપ્રદેશના મેઢકથી ચૂંટણી જીતી હતી.

2028ની ચૂંટણી 2029નો રસ્તો નક્કી કરશે

લોકસભા ચૂંટણી-2024માં ભાજપ માત્ર 240 બેઠકો પર સમેતઈ જતાં તેને ગઠબંધનની સરકાર બનાવવી પડી છે. તેથી હવે ભાજપને ફરી બહુમતી સાથે આગળ વધવા માટે ઉત્તર, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતની સાથે દક્ષિણ ભારતની પણ ભારે જરૂર પડશે. બીજી તરફ, કોંગ્રેસ દક્ષિણ ભારતમાં પોતાની મજબૂતી જાળવી રાખીને દેશના અન્ય રાજ્યોમાં પણ પક્કડ વધારવા અને કેન્દ્રીય સત્તા સુધી પહોંચવાનો રસ્તો બનાવવાનો પ્રયાસ કરશે.

આ તમામ સમીકરણો વચ્ચે દક્ષિણ ભારતના બે રાજ્યો કર્ણાટક અને તેલંગાણાની 2028ની વિધાનસભા ચૂંટણી માત્ર સત્તા મેળવવાની લડાઈ નહીં હોય, પરંતુ 2029ની લોકસભા ચૂંટણીના સમીકરણો પણ નક્કી કરશે. આ સ્થિતિને જોતા ભાજપ આ બંને રાજ્યોમાં પોતાના વરિષ્ઠ સંગઠનાત્મક રણનીતિકારો અને ચૂંટણી પ્રબંધકોની ફોજ અત્યારથી જ તૈનાત કરી શકે છે.