Get The App

પવિત્ર ચારધામમાં હવે હિન્દુઓની સાથે સાથે શીખ, બૌદ્ધ અને જૈનોને જ એન્ટ્રી, મુસ્લિમોને નહીં!

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
પવિત્ર ચારધામમાં હવે હિન્દુઓની સાથે સાથે શીખ, બૌદ્ધ અને જૈનોને જ એન્ટ્રી, મુસ્લિમોને નહીં! 1 - image


Char Dham Temples Allow Entry to Hindus: ઉત્તરાખંડના પવિત્ર ચારધામ મંદિર બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મંદિર સમિતિઓએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. ગંગોત્રી મંદિર સમિતિ અને બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC)એ જણાવ્યું છે કે ધામોમાં હિન્દુઓ ઉપરાંત શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણયનો હેતુ ધામોની સદીઓ જૂની શ્રદ્ધા, શિસ્ત અને શુદ્ધતા જાળવી રાખવાનો છે.

સનાતન પરંપરાનો ભાગ ગણાતા ધર્મોને પ્રવેશની મંજૂરી

BKTCના પ્રમુખ હેમંત દ્વિવેદીએ બંધારણીય જોગવાઈઓનો હવાલો આપતા જણાવ્યું હતું કે, 'ભારતીય બંધારણના અનુચ્છેદ 25 મુજબ શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો સનાતન પરંપરાનો જ અભિન્ન ભાગ છે, તેથી તેમને પ્રવેશમાં કોઈ અવરોધ રહેશે નહીં. અનુચ્છેદ 26માં ધાર્મિક સંસ્થાઓને તેમની પરંપરાઓ અને પૂજા પદ્ધતિઓનું રક્ષણ કરવાનો અધિકાર આપે છે. દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે બદ્રીનાથ અને કેદારનાથ કોઈ પિકનિક સ્પોટ નથી પરંતુ સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્રો છે, જેની મર્યાદા જળવાવી અનિવાર્ય છે.'

આ પણ વાંચો: VIDEO: જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં અચાનક બરફનો પહાડ તૂટ્યો અને ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ

વક્ફ બોર્ડના અધ્યક્ષનું સમર્થન

ચોંકાવનારી બાબત એ છે કે ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે પણ આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, 'જેમને દેવી-દેવતાઓમાં શ્રદ્ધા નથી તેમને ચારધામ મંદિરોમાં રહેવાનો કોઈ અધિકાર નથી.' ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે પણ ઉમેર્યું કે 'જેમને હિન્દુ ધર્મમાં શ્રદ્ધા અને આદર છે તેઓ દર્શન કરી શકે છે.'

આ નવો નિયમ નથી, જૂની પરંપરાનું પાલન છે

BKTC પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ કોઈ નવો નિયમ નથી, પરંતુ તે સદીઓ જૂની પરંપરા છે જેનું અત્યારે ઔપચારિક પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેમણે તુલના કરતા જણાવ્યું કે, 'જેમ મસ્જિદોમાં નમાજ માટે અને ચર્ચોમાં સંસ્કારો માટે ચોક્કસ નિયમો હોય છે, તેમ દરેક ધર્મને પોતાની પવિત્રતા અને શિસ્ત નક્કી કરવાનો અધિકાર છે. અદાલતોએ પણ સ્વીકાર્યું છે કે મંદિર પ્રવેશ એ સામાન્ય નાગરિક અધિકાર નહીં પણ ધાર્મિક આચરણનો વિષય છે.'

પર્યટન અને શ્રદ્ધા વચ્ચેનો તફાવત

વહીવટી તંત્રનું કહેવું છે કે ઉત્તરાખંડમાં પર્યટન માટે હજારો સ્થળો ખુલ્લા છે, પરંતુ ચારધામોની મૂળ ધાર્મિક ઓળખ અને શુદ્ધતા સાથે સમાધાન કરી શકાય નહીં. વિદેશીઓ કે અશ્રદ્ધાળુઓનો પ્રવેશ અહીં ક્યારેય સ્વીકાર્ય રહ્યો નથી. જે લોકો સનાતન પરંપરામાં વિશ્વાસ ધરાવે છે તેઓ પોતાની શ્રદ્ધા મુજબ દર્શન કરી શકશે.