Avalanche in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના પર્યટન સ્થળ સોનમર્ગમાં મંગળવારે (27મી જાન્યુઆરી) રાત્રે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. પર્વતો પરથી અચાનક એક વિશાળ હિમપ્રપાત (Avalanche) તૂટી પડ્યો હતો, જે સીધો હોટલ અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયો હતો. આ ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં થોડી જ સેકન્ડોમાં આખો વિસ્તાર બરફના સફેદ વાદળોમાં ગરકાવ થતો જોઈ શકાય છે.
હોટલોને વ્યાપક નુકસાન, જાનહાનિ ટળી
અહેવાલો અનુસાર, મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા સોનમર્ગ રિસોર્ટ વિસ્તારમાં આ હિમપ્રપાત થયો હતો. સદનસીબે, આ કુદરતી આફતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ બરફના પ્રચંડ વેગને કારણે હોટલો અને ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તુરંત જ બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
કાશ્મીરના 11 જિલ્લાઓમાં ઍલર્ટ
ભારે હિમવર્ષાને પગલે જમ્મુ અને કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (JKUTDMA) દ્વારા અગાઉથી જ ચેતવણી જારી કરવામાં આવી હતી. હાલમાં ગંદરબલ, અનંતનાગ, બાંદીપોરા, બારામુલા, કુલગામ અને કુપવાડા સહિત કાશ્મીરના 11 જિલ્લાઓ અને જમ્મુના ડોડા, કિશ્તવાડ અને રામબણ જેવા વિસ્તારોમાં 'એવલાંચ ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ડીલ, રોજગારીના સર્જન સહિત આ વસ્તુઓ સસ્તી થશે
હવાઈ અને સડક માર્ગ ઠપ્પ
સતત હિમવર્ષાને કારણે જમ્મુ-કાશ્મીરનો સંપર્ક દેશના અન્ય ભાગોથી કપાઈ ગયો છે, શ્રીનગર એરપોર્ટના રનવે પર બરફ જામી જવાથી ઓપરેશન અસુરક્ષિત બન્યું છે, જેના કારણે આવતી-જતી કુલ 58 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ભારે બરફ અને લપસણા રસ્તાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.
શું હોય છે હિમપ્રપાત?
જ્યારે પર્વતો પર જામતી બરફના અનેક સ્તરો પૈકી ઉપરનું ભારે પડ નીચેના નબળા પડ પર ટકી શકતું નથી, ત્યારે તે ગુરુત્વાકર્ષણને કારણે તેજ ગતિએ નીચે તરફ સરકે છે. આ બરફનો પ્રવાહ એટલો શક્તિશાળી હોય છે કે તે રસ્તામાં આવતી ઈમારતો, ઝાડ અને વાહનોને પણ પોતાની સાથે ઘસડી જાય છે. વહીવટી તંત્રએ પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને અત્યારે પર્વતીય વિસ્તારોમાં ન જવા અને હવામાનની સૂચનાઓનું કડક પાલન કરવા વિનંતી કરી છે.


