- મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન યુદ્ધની અસર: લોકોએ એલપીજી માટે લાઈનો લગાવી
- દેશમાં કાળાબજારમાં એલપીજી ચાર ગણો મોંઘો થયો: લોકો કોલસા, કેરોસીન, ચૂલા, સ્ટવ, ઈલેક્ટ્રિક સાધનો તરફ વળ્યા
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ હાલ બંધ થવાની કોઈ શક્યતા જણાતી નથી ત્યારે તેની અસર ભારતમાં લોકોના રસોડા અને ખીસ્સા સુધી થવા લાગી છે. દેશમાં રાંધણ ગેસનો પૂરતો પૂરવઠો હોવાની કેન્દ્ર સરકારની જાહેરાતો છતાં દેશમાં એલપીજી માટે અરાજક્તા જેવી સ્થિતિ છે. લોકો અનેક શહેરોમાં ઘરેલુ રાંધણ ગેસ માટે લાઈનો લગાવી રહ્યા છે તો બીજીબાજુ કમર્શિયલ એલપીજીના અભાવે હોટેલ-રેસ્ટોરાં બંધ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં ઘરેલુ વપરાશ માટે ફરી એક વખત કેરોસીન અને હોટેલો તથા રેસ્ટોરાં માટે કોલસાનો વપરાશ શરૂ થયો છે. લોકો ચૂલા, સ્ટવની જૂની વ્યવસ્થાની સાથે ઈલેક્ટ્રિક સાધનો તરફ વળ્યા છે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસિન, એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ) અને ઈંધણ ઓઈલની કોઈ અછત નથી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે લોકસભામાં જણાવ્યું કે, દેશભરમાં પેટ્રોલ પંપો પર પર્યાપ્ત સ્ટોક છે અને સપ્લાય ચેઈન સામાન્ય રીતે કામ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, દેશમાં ગેસની અછતને ઘણે અંશે વૈકલ્પિક ખરીદી મારફત પૂરી કરી લેવાઈ છે. મોટા એલએનજી કાર્ગો લગભગ દૈનિક વૈકલ્પિક સપ્લાય રૂટથી ભારત પહોંચી રહ્યા છે. તેનાથી ગેસની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળશે. દેશમાં રિફાઈનરીઓને નિર્દેશો અપાયા પછી એલપીજી ઉત્પાદનમાં ૨૮ ટકાનો વધારો થયો છે.
આ સિવાય કમર્શિયલ એલપીજીની અછત પૂરી કરવા માટે હોટેલ અને રેસ્ટોરાંને કોલસા અને રાજ્યોને કેરોસીનનો વધારાનો ૪૮,૦૦૦ કિલો લીટર પૂરવઠો આપવામાં આવી રહ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ સામાન્ય રીતે રાજ્યોને ત્રણ મહિને એક લાખ કિલોલીટર કેરોસીનનો જથ્થો આપે છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં આ જથ્થો વધારાયો છે. હોટેલો અને રેસ્ટોરાંને એક મહિના માટે કોલસા, બાયો-ફ્યુઅલનો ઉપયોગ કરવા મંજૂરી અપાઈ છે. પરિણામે હોટેલો કોલસા તરફ જ્યારે ઘરેલુ વપરાશમાં લોકો કેરોસીન તરફ પાછા વળ્યા છે. આ સિવાય શહેરોમાં લોકોએ ભોજન બનાવવા માટે ઈલેક્ટ્રિક સાધનો વસાવવાનું શરૂ કરી દીધું છે.
હરદીપ પુરીએ લોકસભામાં જણાવ્યું કે, લોકો ગભરાટમાં આવીને બીનજરૂરી રીતે એલપીજી સિલિન્ડર ખરીદી રહ્યા છે. સરકારે શહેરોમાં એલપીજી સિલિન્ડરના બૂકિંગ માટે ૨૫ દિવસ અને બૂકિંગ કર્યા પછી અઢી દિવસમાં ૧૪.૨ કિલોનો બાટલો મળી રહે તે માટેના નિર્દેશો અપાયા છે. જોકે, ગામડામાં આ સમયગાળો ૪૫ દિવસ રખાયો છે.
દરમિયાન લોકોમાં એલપીજીની અછતનો ગભરાટ ફેલાયેલો છે. પરિણામે ચા કે નાસ્તાના ફૂડ સ્ટોલ નાના વેપારીઓ તેમજ રેસ્ટોરાંના માલિકો કાળાબજારમાં રૂ. ૪,૦૦૦થી રૂ. ૫,૦૦૦ની કિંમતે એલપીજી સિલિન્ડર ખરીદી રહ્યા છે. તેના માટે એલપીજી મોંઘો થવાના પગલે ચા અને નાસ્તાના ભાવોમાં પણ જંગી વધારો કરાયો છે.
દેશભરમાં ગેસની અછત વચ્ચે સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (ગેઈલ)એ ગુરુવારે સવારથી બેંગ્લુરુના યેલહાંકા ગેસ આધારિત પાવર પ્લાન્ટને પ્રાકૃતિક ગેસનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. ઊર્જા મંત્રાલયે તેની પુષ્ટી પણ કરી છે. કર્ણાટકમાં ગેસ આધારિત એકમાત્ર પાવર પ્લાન્ટમાં ગેસનો પુરવઠો બંધ થતાં વીજ ઉત્પાદન પર અસર પડી શકે છે. પરિણામે બેંગ્લુરુમાં વીજ પૂરવઠા પર અસર થશે તો દેશના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરુમાં અંધારપટનું જોખમ ઊભું થયું છે. સરકારે પ્રાકૃતિક ગેસની ફાળવણીમાં પ્રાથમિક્તા નિશ્ચિત કરી એલપીજી, સીએનજી અને પીએનજીને અગ્રતા આપી છે. વીજ ઉત્પાદન ક્ષેત્રને પ્રાથમિક્તાની યાદીમાં સૌથી નીચે રખાયું છે. આથી ગેઈલે યેલહાંકા વીજ ઉત્પાદન એકમને ગેસનો પૂરવઠો બંધ કરી દીધો છે.


