India

UPI ચાર્જ પર વિપક્ષના હોબાળા બાદ કેન્દ્ર સરકારનો બચાવ: કોઈ વિદેશી દબાણ નથી, સિસ્ટમ સ્વનિર્ભર થશે

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે UPI MDR ચાર્જિસ પરના વિદેશી દબાણના કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, આ નિર્ણય 15 ઑક્ટોબર, 2026થી ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને ટકાઉ અને આત્મનિર્ભર બનાવવા લેવાયો છે. ભારતના નીતિગત નિર્ણયો સ્વાયત્ત રીતે લેવાય છે. ગ્રાહકો અને નાના વેપારીઓને કોઈ અસર નહીં થાય, 95% વ્યવહારો મફત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

UPI ચાર્જ પર વિપક્ષના હોબાળા બાદ કેન્દ્ર સરકારનો બચાવ: કોઈ વિદેશી દબાણ નથી, સિસ્ટમ સ્વનિર્ભર થશે

Centre Rejects Foreign Pressure Allegations On UPI MDR Charges | UPI ટ્રાન્ઝેક્શન્સ પર 15 ઑક્ટોબર, 2026થી અમલમાં આવનારા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR)ને લઈને શરૂ થયેલા રાજકીય વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિપક્ષી પક્ષ કોંગ્રેસ દ્વારા અમેરિકન કાર્ડ કંપનીઓને લાભ પહોંચાડવા અને વિદેશી દબાણ હેઠળ આ ચાર્જ લાદવામાં આવ્યો હોવાના આક્ષેપોને નાણા મંત્રાલયે સ્પષ્ટપણે ફગાવી દીધા છે.

સરકાર આ મુદ્દે હાલ બેકફૂટ પર છે ત્યારે નાણા મંત્રાલયે સફાઈ આપી છે કે ભારત પોતાના નીતિગત નિર્ણયો સ્વાયત્ત રીતે લે છે અને આ નિર્ણય ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને ટકાઉ, સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવા માટે લેવામાં આવ્યો છે.

કોંગ્રેસનો આરોપ: 'અમેરિકન કાર્ડ કંપનીઓને ફાયદો અને ટ્રમ્પને ખુશ કરવાનો પ્રયાસ'

આ સમગ્ર વિવાદની શરૂઆત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશના નિવેદન બાદ થઈ હતી. જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે શૂન્ય MDRની વ્યવસ્થા ખતમ કરવાનો નિર્ણય અમેરિકન માંગણીઓ સામે ઝૂકીને લેવામાં આવ્યો છે, જેથી માસ્ટરકાર્ડ અને વિઝા જેવી અમેરિકન કાર્ડ કંપનીઓને UPI સામે હરીફાઈમાં લાભ મળે.

નાણા મંત્રાલયનો જવાબ: કોઈ વિદેશી દબાણ નથી, સ્વનિર્ભરતા માટે જરૂરી

વિપક્ષના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતાં નાણા મંત્રાલયે કહ્યું કે, ભારત સરકારના નિર્ણયોને કોઈ વિદેશી દબાણ સાથે લેવાદેવા નથી. તેનો હેતુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સર્વસમાવેશી અને આર્થિક રીતે ટકાઉ બનાવવાનો છે.

નોંધનીય છે કે વર્ષ 2016માં શરૂ થયેલું UPI આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ચૂક્યું છે. એકલા ઑગસ્ટ 2026માં જ UPI મારફતે 24.5 અબજ વ્યવહારો નોંધાયા હતા.

સામાન્ય ગ્રાહકો અને 95% વ્યવહારો સંપૂર્ણ ફ્રી રહેશે: સરકારનો દાવો

નાણા મંત્રાલયે ફરી દાવો કર્યો છે કે, સામાન્ય જનતાના ખિસ્સા પર આ નિર્ણયની કોઈ જ અસર પડશે નહીં.

P2P ટ્રાન્સફર: પરિવાર કે મિત્રોને નાણાં મોકલવા કાયમ માટે 100% મફત રહેશે, પછી ભલે રકમ ગમે તેટલી હોય.

દુકાનો પર ખરીદી: ગ્રાહક ગમે તેટલી રકમનો સામાન ખરીદીને QR કોડ સ્કેન કરશે તો પણ તેના ખાતામાંથી વધારાનો 1 રૂપિયો પણ કપાશે નહીં.

બૅન્કોને સખત સૂચના: બૅન્કોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે વેપારીઓ આ ચાર્જનો બોજ ગ્રાહકો પર પાસ ન કરે. તેમજ કોઈ પણ UPI એપ વધારાની પ્લેટફોર્મ ફી વસૂલી શકશે નહીં.

નાના વેપારીઓને રાહત: દર મહિને ₹1,00,000 સુધીનું UPI પેમેન્ટ મેળવતા નાના દુકાનદારો માટે MDR શૂન્ય રહેશે. દેશમાં 95%થી વધુ વેપારી વ્યવહારો ₹2,000થી નીચેના હોવાથી તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં.

વ્યવહારનો પ્રકાર
રકમ
લાગુ પડતો MDR ચાર્જ
કોણ ચૂકવશે?
સામાન્ય ગ્રાહક (P2P & ખરીદી)
ગમે તેટલી રકમ
₹0 (સંપૂર્ણ મફત)
લાગુ પડતું નથી
નાના વેપારીઓ (દર મહિને < ₹1 લાખ)
તમામ રકમ
₹0 (સંપૂર્ણ મુક્તિ)
લાગુ પડતું નથી
મોટા વેપારીઓ (સામાન્ય વ્યવહાર)
₹2,000થી વધુ
0.4% (મહત્તમ કેપિંગ ₹300)
વેપારી ચૂકવશે
આવશ્યક સેવાઓ (રેલવે, પેટ્રોલ, બિલ)
₹2,000થી વધુ
ફ્લેટ ₹5 ચાર્જ
સેવા આપનાર વેપારી
મ્યુચ્યુઅલ ફંડ અને સિક્યોરિટીઝ
તમામ મોટા વ્યવહાર
0.02% (મહત્તમ કેપિંગ ₹300)
સંબંધિત સંસ્થા